Kathua Terror Attack: લશ્કરી વાહન પર આતંકવાદી હુમલો, ચાર જવાનો શહીદ, છ ઘાયલ
Kathua Terror Attack: જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લશ્કરી વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. સૈનિકોએ તક ઝડપી લીધી અને જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ચાર જવાનો શહીદ થયા છે, અને છ જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના કાંડી વિસ્તારના લોહાઈ મલ્હારમાં જૈના નાળા પાસે લશ્કરી વાહનને નિશાન બનાવ્યું હતું. આવા સમયે, માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની અન્ય ટીમો પણ એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગઈ હતી.
વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. નજીકના કનેક્ટિવિટી રૂટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરનો આ વિસ્તાર ભારતીય સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓના ગોળીબાર બાદ અમારા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ દરમિયાન કુલગામમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા પછી, 1SEC RR કમાન્ડર બ્રિગેડિયર પૃથ્વીરાજ ચૌહાણે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની હત્યા હિઝબુલ-મુજાહિદ્દીન માટે એક મોટો ફટકો છે.
આ પહેલા રવિવારે કાશ્મીર ઘાટીના કુલગામમાં સુરક્ષા દળોએ છ આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને આ સફળતા મળી હતી. આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.
ડીજીપીએ જણાવ્યું હતું કે, કુલગામમાં સફળ ઓપરેશન અને લોકોના સહયોગથી એવું લાગે છે કે અમે ટૂંક સમયમાં આતંકવાદ સામેની લડાઈને તેના તાર્કિક નિષ્કર્ષ સુધી લઈ જઈ શકીશું. તાજેતરના દિવસોમાં, કાશ્મીરમાં સતત હિંસા પછી, આતંકવાદીઓએ જમ્મુ વિભાગના જિલ્લાઓમાં હુમલા કરવાનો પ્રયાસ કર્યો છે.
તાજેતરમાં જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સોહલ ગામમાં એક ઘરને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો અને એક CRPF જવાનનું બલિદાન થયું હતું.
જોકે, સુરક્ષા દળોએ અહીં બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ બંને આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું જાણવા મળ્યું હતું. આતંકવાદીઓના કબજામાંથી પાકિસ્તાની સામાન અને હથિયારો મળી આવ્યા છે.
આવા સમયે, એક મહિના પહેલા 9 જૂનના રોજ આતંકવાદીઓએ રિયાસીમાં એક બસને નિશાન બનાવી હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. અહીં આતંકી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. બસમાં યુપી, દિલ્હી અને રાજસ્થાનના ભક્તો હતા, જે શિવખોડી ધામના દર્શન કરીને કટરા તરફ જઈ રહ્યા હતા.
અમરનાથ યાત્રાના ત્રણ દિવસ પહેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઓપરેશન લાગોર હેઠળ છ કલાકથી વધુ ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આતંકવાદીઓ પાસેથી બે અમેરિકન એમ4 કાર્બાઈન અને એકે-સિરીઝની એસોલ્ટ રાઈફલ સહિત મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
