નવી દિલ્હી, 16 માર્ચ: વારાણસીથી આમ આદમી પાર્ટીની તરફથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. વારાણસીથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉમેદવારી નક્કી થઇ ગયા બાદ આમ આદમી પાર્ટીએ તેમની વિરુધ્ધ સૌથી મજબૂત ઉમેદવાર ઉતારવાનું મન બનાવી લીધું છે.
સૂત્રોની માનીએ તો અરવિંદ કેજરીવાલ આવતા અઠવાડીએ વારાણસી જશે. વારાણસીમાં સ્થાનિય કાર્યકર્તાઓ સાથે વાત કર્યા બાદ જ આ વાત પર અધિકારિક રીતે જાહેરાત કરવામાં આવશે.
કેજરીવાલના વારાણસી જવાના કાર્યક્રમ અંગે આજે સાંજે પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી શકે છે. કેજરીવાલના વારાણસીથી મોદીની સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાથી આ મુકાબલો રસપ્રદ બની શકે છે.
આમ આદમી પાર્ટી પહેલાથી જ જાહેરાત કરી રહી હતી કે નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડશે તેમની વિરુધ્ધ કેજરીવાલ લડશે. અત્રે નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં કેજરીવાલ સૌથી મજબૂત ઉમેદવાર શીલા દીક્ષિતની વિરુધ્ધ ઉતર્યા હતા અને અને તેમણે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.દિલ્હીમાં જીત બાદ આપને વિશ્વાસ છે કે તેઓ લોકસભામાં પણ ઐતિહાસિક વિજય મેળવશે અને નરેન્દ્ર મોદીને પણ હરાવશે. જોકે વારાણસીથી મોદીને હરાવવા સરળ નથી, કારણ કે વારાણસી બેઠક પર વર્ષોથી ભાજપ જીતતી આવી છે અને મોદીની દેશમાં લહેર હોવાના કારણે કેજરીવાલના સપના પૂરા થાય તે મુશ્કેલ દેખાઇ રહ્યા છે.