દિલ્લી સરકાર રાજધાનીને બનાવશે પ્રદૂષણ મુક્ત, લીધો આ મોટો નિર્ણય
Delhi Pollution: દિલ્હીમાં વધતું પ્રદૂષણ લોકો અને સરકાર માટે ચિંતાનો વિષય બની ગયું છે. જેના ઉકેલ માટે રાજ્ય સરકારે હવે તેના પ્રયાસો તેજ કર્યા છે. દિલ્હીનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે, પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે સ્પષ્ટ કર્યુ હતું કે સરકાર દિલ્હીને હરિયાળી અને પ્રદૂષણ મુક્ત બનાવવાની તેની યોજનાઓને ઝડપી બનાવવા માટે કામ કરશે.
આ ક્રમમાં દિલ્હી સરકારે હવે રાજધાનીના ઘરોમાં મફતમાં છોડ અને ફ્લાવરપૉટ્સનું વિતરણ કરવાની યોજના બનાવી છે. મફત છોડ અને કૂંડાના વિતરણ માટે, પ્રથમ વોર્ડ મુજબ સર્વે કરવામાં આવશે અને જે વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ છે અને હરિયાળીનો અભાવ છે, તે વિસ્તારના લોકોની માંગને આધારે મફત પોટ અને છોડ આપવામાં આવશે.

બુધવારે માહિતી આપતાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે રાજધાની દિલ્હીમાં 13 હૉટસ્પોટની ઓળખ કરવામાં આવી છે જે સૌથી વધુ પ્રદૂષિત છે, જેમાં આનંદ વિહારની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. દિલ્હીને હરિયાળું બનાવવા અને પ્રદૂષણથી મુક્તિ અપાવવાના ઉદ્દેશ્ય સાથે દરેક વોર્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને લોકોને એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે તેઓને કેવા છોડ જોઈએ છે, જેના પછી વન વિભાગ અને દિલ્હી મહાનગરપાલિકાએ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા પ્લાન્ટ્સ અને ઘરે-ઘરે જઈને કૂંડા વિનામૂલ્યે આપવામાં આવશે.
આ વખતે, દિલ્હીનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે, પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે કહ્યું હતું કે દિલ્હીમાં વધતું પ્રદૂષણ એક પડકાર છે પરંતુ હવે સરકાર રાજધાનીને હરિયાળી બનાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરશે. દિલ્હીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાયાની સુવિધાઓમાં સુધારો કરવાની સાથે બ્યુટિફિકેશન, વૃક્ષારોપણ અને રાજધાનીને હરિયાળી બનાવવા પર ભાર મૂકવામાં આવશે.












Click it and Unblock the Notifications
