For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્થાનિકસ્વરાજ ચૂંટણી : કૉંગ્રેસે ગુજરાતમાં કઈ રીતે તેની પકડ ગુમાવી?

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ભારે બહુમતી પ્રાપ્ત થઈ છે. આ સાથે જ ભાજપે ફરી એક વાર શહેરી વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે. ગુજરાતના બે મુખ્ય પક્ષો પૈકી એક કૉં

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ભારે બહુમતી પ્રાપ્ત થઈ છે. આ સાથે જ ભાજપે ફરી એક વાર શહેરી વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે.

ગુજરાતના બે મુખ્ય પક્ષો પૈકી એક કૉંગ્રેસની વાત કરીએ તો છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસ માટે ઘણાં 'નિરાશાજનક’ સાબિત થયાં છે. પાછલી ચૂંટણીમાં જે કૉંગ્રેસ રાજકોટ જેવા સ્થળે ભારે લડત આપી શકી હતી અને પરિણામમાં રસાકસી સર્જવામાં સફળ રહી હતી તેને આ વખતની ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

નુકસાન એટલું અભૂતપૂર્વ છે કે સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં તો કૉંગ્રેસ ડબલ ડિજિટ પરિણામ પણ મેળવી શકી નથી.

આમ, ગત ચૂંટણીઓમાં રાજકોટ જેવી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી સર્જનાર કૉંગ્રેસ પક્ષનાં આ વખતે બૉર્ડમાં વિરોધપક્ષના નેતા તરીકે પોતાની પાર્ટીના લોકો નીમાય તેનાં પણ ફાંફાં થઈ ગયાં છે.

ગુજરાતની વાત કરીએ તો પાછલાં ઘણાં વર્ષોથી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓથી માંડીને લોકસભાની ચૂંટણી સુધી કૉંગ્રેસનો સતત રકાસ જોવા મળ્યો છે.

ક્યારેક ધારાસભ્યોનાં પક્ષમાંથી રાજીનામાં તો ક્યારેક પાર્ટીના વર્ષો જૂના કાર્યકરોના જથ્થેજથ્થા અન્ય પક્ષોમાં જોડાઈ જાય, તેવા બનાવોનો પાછલા ઘણા સમયથી ગુજરાત કૉંગ્રેસ સામનો કરી રહી છે. તેના કારણે ઘણા વિશ્લેષકોના મતે પાર્ટીએ મતદારોનાં મનમાં 'એક વિકલ્પ’ તરીકેની પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે. જેથી ધીરેધીરે સત્તાપક્ષ ભાજપના વિરોધીઓ પણ કૉંગ્રેસને રાજ્યમાં તક આપવા માગતા નથી.

તો કેટલાક રાજકીય વિશ્લેષકો 'કૉંગ્રેસ સેવાદળ’ની નબળી પડેલી કામગીરીને રાજ્યમાં પક્ષની પાયમાલીની પરિસ્તિતિ માટે જવાબદાર ગણાવે છે.

ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસની ખુવારી માટેનાં કારણો અંગે વધુ વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતીએ વર્ષોથી કૉંગ્રેસના રાજકારણને નજીકથી જોનારા કેટલાક નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી. અને જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે કેમ 135 વર્ષ જૂના પક્ષના ઊંડાં મૂળ ખાસ કરીને ગુજરાતમાં આટલાં નબળાં પડી ગયાં છે કે અહીંની પ્રજા તેમને વિપક્ષનો દરજ્જો આપવા પણ તૈયાર હોય તેવું નથી લાગી રહ્યું?


એક સમયે ગુજરાતના રાજકારણમાં વિપક્ષ માટે શૂન્યાવકાશ સર્જનાર કૉંગ્રેસનાં હવે ફાંફાં કેમ?

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કૉંગ્રેસની ગુજરાત જ નહીં રાષ્ટ્રીય સ્તરની સમસ્યા તરીકે નેતાગીરીની કટોકટીને ગણાવે છે.

તેઓ કહે છે કે, “કૉંગ્રેસ પાસે હાલ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં કોઈ ચહેરો નથી. આટલાં વર્ષો જૂના પક્ષને અધ્યક્ષ શોધવામાં તકલીફ પડતી હોય તો તેનાથી તેમની મૂળ સમસ્યા સમજાઈ જ જાય છે. તે નેતાગીરીની કટોકટીની સમસ્યા છે.”

કૌશિક મહેતા આગળ કહે છે કે, “ભાજપ જેવી કૅડરબૅઝ્ડ પાર્ટીને પણ નરેન્દ્ર મોદીનો ચહેરો અને તેમના સ્વરૂપે સફળ નેતૃત્વ મળ્યું ત્યારે જઈને તેઓ કેન્દ્રમાં સરકાર બનાવી શક્ય છે. આવો કોઈ ચહેરો હાલ કૉંગ્રેસ પાસે નથી. કોઈ પણ પક્ષને સફળ થવા માટે ગ્રાઉન્ડ વર્ક સાથે એક આવા ચહેરાની પણ જરૂરિયાત હોય છે.”

સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના રાજ્યશાસ્ત્ર વિભાગના વડા પ્રો. ડૉ. બલદેવ આગજા પણ ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસની સમસ્યાઓની છણાવટ કરતાં કહે છે કે, “કૉંગ્રેસની મુખ્ય તકલીફ એ છે કે તેઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં વધારે ધ્યાન આપે છે. અને તે સમયે જ વધુ સક્રિય થાય છે. જ્યારે તેમનો સામનો એવા પક્ષ સામે છે જે ચૂંટણીના બીજા દિવસથી ગ્રાઉન્ડ પર જઈને બે વર્ષ પછી યોજાનાર ચૂંટણી માટે મતદારોનો સંપર્ક કરવામાં ગ્રાઉન્ડ લેવલ પર જોતરાઈ જાય છે. કૉંગ્રેસની આ બાબત જ તેને ભાજપ કરતાં એક ડગલું હંમેશાં પાછળ જ રાખે છે.”


'જો આવું જ ચાલતું રહેશે તો માત્ર પાઠ્યપુસ્તકોમાં હશે કૉંગ્રેસનું અસ્તિત્વ’

ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસની સતત કથળતી જતી સ્થિતિ માટેનાં કારણો અંગે જાણવા માટે જ્યારે અમે રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે આઝાદી માટે અંગ્રેજો સામે ઝઝૂમનાર કૉંગ્રેસ ગુજરાતમાં સત્તા માટે લડે છે કે કેમ? સંઘર્ષ કરે છે કે કેમ? હાલ એ પ્રશ્ન છે.

તેઓ કૉંગ્રેસમાં આંતરકલહ અને અન્ય મુશ્કેલીઓને ટાંકતાં કહે છે કે, “ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી પાસે કોઈ કામ નથી. એનો અર્થ એ થયો કે પાર્ટીના નિર્ણયો લેવામાં તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવતા નથી. આ સિવાય ઘણા કૉંગ્રેસી નેતાઓ સાથેની વાતચીત દરમિયાન તેઓ એવી ફરિયાદ કરે છે કે જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવામાં તેમને કોઈ પૂછતું નથી. આ બધી વાતો પાર્ટીમાં સંકલનના અભાવ તરફ આંગળી ચીંધે છે.”

ડૉ. હરિ દેસાઈ કૉંગ્રેસના સંગઠનની મજબૂતી અંગે પ્રશ્ન ઉઠાવતાં કહે છે કે, “ભલે પ્રજામાં ભાજપના શાસન વિરુદ્ધ લાગણી હોય તો પણ તેને તેમની વિરુદ્ધ મતોમાં ફેરવવા માટે કૉંગ્રેસે પ્રયાસ તો કરવો જ પડે. પરંતુ હાલમાં કૉંગ્રેસ પાસે સંગઠનશક્તિનો સીધેસીધો અભાવ જોવા મળે છે. પ્રજામાં અસંતોષ હોવા છતાં ગુજરાત ભાજપના કાર્યકરો સતત પ્રજાની વચ્ચે રહે છે. કૉંગ્રેસ આવું કરવામાં સફળ રહી શકી નથી. ભાજપનું સંગઠન ગમે તેવી પરિસ્થિતિમાં મતદારો વચ્ચે સક્રિય રહ્યું છે. જ્યારે કૉંગ્રેસના સંગઠનમાં આવી મજબૂતી દેખાતી નથી.”

પ્રો. ડૉ. બલદેવ આગજા ગુજરાતમાં કૉંગ્રેસના અધ:પતન માટે ભાજપની કાર્યકરોને સાથે લઈને ચાલવાની નીતિ અને છેવાડાના માનવ સુધી પહોંચવાની તેની કાર્યરીતિને જવાબદાર ગણાવે છે.

તેઓ આ વિશે વાત કરતાં આગળ કહે છે કે, “કૉંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈઓ, જૂથવાદ, સંગઠન અને સંકલનના અભાવના કારણે ગુજરાતમાં મતદારો સાથેનો ગ્રાઉન્ડ કનેક્ટ ગુમાવી ચૂકી છે. તેની સામે ભાજપ બૂથ લેવલના કાર્યકરોને પ્રોત્સાહન આપીને આ ગ્રાઉન્ડ કનેક્ટ જાળવી રાખવામાં સફલ નીવડ્યો છે.”

ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસની નેતાગીરીમાં રહેલ તફાવત વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ગુજરાતમાં પણ કૉંગ્રેસનું રાજકારણ અમુક પરિવારો સુધી સીમિત રહ્યું જ્યારે ભાજપમાં સાવ નીચેના સ્તરેથી કામ કરીને આવેલા કાર્યકરો સંગઠનમાં ધીરે ધીરે ઉપર ઊઠ્યા છે. આ તફાવત સીધી રીતે જોઈ શકાય છે. જે કારણે ભાજપને નેતાગીરી માટે કૉંગ્રેસ કરતાં વધુ પ્રભાવશાળી ચહેરા રાજ્યમાં મળી શક્યા છે. આ એક કારણને લીધે પણ ગુજરાતમાં કૉંગ્રેસે જનાધાર ગુમાવ્યો છે.”

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના દયજનક પ્રદર્શન વિશે ચિંતા વ્યક્ત કરતાં પ્રો. ડૉ. બલદેવ આગજા કહે છે કે, “જો આવું જ વલણ ચાલુ રહેશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે 135 વર્ષ જૂનો આ પક્ષ માત્ર પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમ પૂરતો જ મર્યાદિત રહી જશે.”


સત્તા પક્ષના 'વિકલ્પ તરીકે કૉંગ્રેસે મતદારોનાં મનમાં ગુમાવી પ્રતિષ્ઠા

ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાતમાં કૉંગ્રેસના સતત ઘટતાં જતાં જનસમર્થન અંગેનાં કારણો અંગે આગળ ચર્ચા કરતાં રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ કહે છે કે, “ગુજરાતમાં પાછલાં વર્ષોમાં રાજ્યસભાની ચૂંટણીના ખરા સમયે કૉંગ્રેસના ધારાસભ્યોનાં ફટાફટ પડી જતાં રાજીનામાંની ઘટનાઓ અને કૉંગ્રેસના કાર્યકરોની પક્ષાંતરની ઘટનાઓની ગુજરાતની પ્રજા સાક્ષી રહી છે. આવી ઘટનાઓના કારણે કૉંગ્રેસ રાજ્યના મતદારોનાં મનમાં સત્તા પક્ષ તરીકેની પ્રતિષ્ઠા સંપૂર્ણપણે ગુમાવી ચૂકી છે.”

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા પણ ગુજરાતમાં કૉંગ્રેસે સત્તાપક્ષના વિકલ્પ તરીકે પોતાની સ્થાપિત પ્રતિષ્ઠા ગુમાવી દીધી હોવાની વાત સાથે સંમતિ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, “લોકો ભાજપના વિકલ્પ તરીકે કૉંગ્રેસને ઘણાં સ્થળોએ અપનાવી ચૂકી છે. પરંતુ પાછલાં અમુક વર્ષોમાં બનેલા બનાવોના કારણે મતદારો તેને વારંવાર તક આપવા માગતા નથી. સુરતમાં લોકોએ નવી આશા સાથે નવા વિકલ્પ તરીકે કૉંગ્રેસને નહીં પરંતુ આપ પર પસંદગી ઉતારી છે.”


'મુસ્લિમ મતદારોની સાથે બહુમતી વર્ગમાંથી આવતા મતદારો પણ થયા વિમુખ

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પર વિવિધ માધ્યમોના અહેવાલોમાં મુસ્લિમોની તરફેણ કરવાના આક્ષેપો લાગતા રહ્યા છે. કૉંગ્રેસ શરૂઆતથી મુસ્લિમોના મતો માટે બહુમતી પ્રજાની અવગણના કરતી હોવાની પણ ઘણા અહેવાલોમાં ચર્ચા કરાઈ છે. જેની સામે બહુમતી હિંદુતરફી રાજકારણ કરીને ભાજપનો પહેલાં ગુજરાત અને પછી સમગ્ર ભારતમાં ઉદય થયો હોવાનું મનાય છે.

આ મુદ્દા અંગે વધુ સ્પષ્ટતા કરતાં ડૉ. હરિ દેસાઈ જણાવે છે કે, “ગુજરાતમાં અહમદ પટેલના કારણે કૉંગ્રેસની છાપ મુસ્લિમ પક્ષ તરીકે પડી. જેનો લાભ હંમેશાં ગુજરાતના રાજકારણમાં ભાજપને થયો. બીજી તરફ કૉંગ્રેસ પણ પોતાનાં અમુક પગલાંના કારણે મુસ્લિમ મતદારોનું સમર્થન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ગુમાવ્યું. જેનો લાભ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ અને BSP જેવી પાર્ટીઓને મળ્યો. આમ કૉંગ્રેસથી બહુમત ધરાવતા વર્ગના મતદારોની સાથોસાથ મુસ્લિમ વોટબૅંક પણ વિમુખ થતી ગઈ.”

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા પણ મુસ્લિમ મતદારો સાથે કૉંગ્રેસે અન્ય સમાજના લોકોમાં પણ પોતાના માટેનો જનાધાર ગુમાવ્યો હોવાની વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે કે, “મુસ્લિમ તુષ્ટિકરણની પોતાની છાપ બદલવાના પ્રયત્નોમાં કૉંગ્રેસે પહેલાંથી વિમુખ થયેલા અન્ય સમાજના લોકોની સાથે મુસ્લિમ વોટબૅંકનું પણ ભારે નુકસાન ભોગવવું પડ્યું. આ પ્રયત્નોમાં કૉંગ્રેસને બમણો ફટકો પડ્યો છે ના તેઓ આ છાપ સુધારી શક્યા, ના તેઓ લિબરલ પક્ષ તરીકેની પોતાની છાપ સાચવી શક્યા.”


અંગ્રેજી શાસન જેનાથી ગભરાતું તે કૉંગ્રેસ સેવાદળનું ઘટેલું મહત્ત્વ ચિંતાનો વિષય?

કૉંગ્રેસ સેવાદળ ડોટ ઑર્ગેનાઇઝેશનમાં સેવાદળની કામગીરી અંગે લખાયું છે કે, કૉંગ્રેસ સેવાદળ એ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ગ્રાસરૂટ ફ્ન્ટલ ઑર્ગેનાઇઝેશન છે.

સેવાદળ મુખ્યત્વે રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવા પર ભાર આપે છે. તેનો મુખ્ય હેતુ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે હંમેશાં જેના માટે સંઘર્ષ કર્યો છે તે શાંતિ, બિનસાંપ્રદાયિકતા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવાનો છે.

કૉંગ્રેસ સેવાદળ દ્વારા થતાં કામ વિશે જાણવા માટે અમે કૉંગ્રેસ સેવાદળના ચીફ ઑર્ગેનાઇઝર લાલજી દેસાઈ સાથે વાત કરી.

તેમણે આઝાદીના આંદોલન સમયની કૉંગ્રેસ સેવાદળની ભૂમિકા વિશે વાત કરતાં કહ્યું કે, “આઝાદીના આંદોલનમાં સેવાદળની મુખ્ય ભૂમિકા આઝાદીની ચળવળ માટે કાર્યકરોની કૅડર તૈયાર કરવાની હતી. જ્યારે પણ કૉંગ્રેસ દ્વારા સત્યાગ્રહનું આહ્વાન કરવામાં આવતું તો તેમાં પ્રથમ હરોળમાં ભાગ લેવા માટે, જેલોમાં જવા માટે તૈયાર એવા કાર્યકર્તાઓની ટુકડીઓ તૈયાર કરીને સત્યાગ્રહ સફળ બનાવવાની જવાબદારી સેવાદળના શિસ્તબદ્ધ કાર્યકરોને સોંપવામાં આવતી. આમ આઝાદી પહેલાં કાર્યકર્તાનિર્માણ અને નેતૃત્વનિર્માણની સેવાદળની ભૂમિકા રહેતી. અંગ્રેજી શાસન એક સમયે કૉંગ્રેસ સેવાદળની આ ભૂમિકાથી ભયભીત રહેતું હતું.”

આઝાદી પછીની સેવાદળની ભૂમિકા વિશે વાત કરતાં લાલજી દેસાઈ કહે છે કે, “આઝાદી મળ્યા બાદ સેવાદળના કાર્યકરો મોટા ભાગે સમાજસેવાનાં કામો કરવા લાગ્યા. આઝાદી બાદથી માંડીને વર્ષ 1990 સુધી સેવાદળ શિક્ષણને લગતાં કામો, આરોગ્યસુવિધાઓને લગતાં કામો અને ગ્રામવિકાસનાં કામોમાં રચ્યુંપચ્યું રહ્યું. આ દરમિયાન સેવાદળનો મુખ્ય હેતુ કૉંગ્રેસ પાર્ટીનો ગ્રાસરૂટ કનેક્ટ જાળવી રાખવાનો અને તેનું વિસ્તરણ કરવાનો હતો. પરંતુ 1990થી લગભગ 2018 સુધી સેવાદળ સુષુપ્ત અવસ્થામાં જતું રહ્યું. તેની કામગીરી પહેલાંની સરખામણીમાં મંદ પડતી ગઈ. જોકે, પાછલાં ત્રણ વર્ષથી સેવાદળને પુન: જાગૃત કરવાનાં કામમાં પક્ષ તરફથી ધ્યાન અપાઈ રહ્યું છે. અને ફરીથી લોકોને સેવાદળ મારફતે પોતાની સાથે જોડવાના પ્રયત્નો શરૂ થયા છે.”

મોદી રાહુલ

તેઓ સેવાદળની ભૂમિકાના ઘટતા જતા મહત્ત્વની અસર ગુજરાતમાં ચૂંટણીનાં પરિણામો પર પડી હોવાની વાતનો પણ સ્વીકાર કરે છે.

સેવાદળના ચીફ ઑર્ગેનાઇઝર લાલજી દેસાઈ કહે છે કે, “ઇંદિરા ગાંધી સેવાદળને કૉંગ્રેસની કરોડરજ્જુ ગણાવતાં. તેથી હું માનું છું કે જો સેવાદળ નબળું હોય તો કૉંગ્રેસ નબળી પડ્યા વગર રહેવાની નથી. તે વાત ગુજરાતમાં પણ લાગુ પડે છે. પાછલાં અમુક વર્ષોથી ચાલી રહેલા પ્રયાસો છતાં ગુજરાતનું સેવાદળ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું નબળું છે. જેની અસર દર વખતે પરિણામો પર જોવા મળે છે. જોકે, હવે અમે આ માળખાને ફરી મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં કૉંગ્રેસના સેવાદળ અંગે થયેલી નોંધ પ્રમાણે, કૉંગ્રેસ સેવાદળની સ્થાપના વર્ષ 1923માં હિંદુસ્તાની સેવાદળ તીકે મહાત્મા ગાંધીની પ્રેરણાથી થઈ હતી. જેના પ્રથમ અધ્યક્ષ ભારતના ભૂતપૂર્વ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા હતા.

પાછળથી કૉંગ્રેસના કરાચી અધિવેશન વખતે આ સંસ્થાનું કૉંગ્રેસ પક્ષમાં વિલિનીકરણ કરાયું. 1980ના દાયકામાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના વડપણ હેઠળ આ સંસ્થાએ તેનો સુવર્ણકાળ જોયો. સોનિયા ગાંધી જેવાં કૉંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ એક સમયે સેવાદળનો ભાગ રહી ચૂક્યાં છે.


1975માં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની.

પ્રો. ડૉ. બલદેવ આગજાએ ભાજપ અને કૉંગ્રેસના વ્યવસ્થાતંત્રના માળખામાં મૂળભૂત તફાવત વિશે વાત કરતાં કહ્યું કે, “એક તરફ ભાજપ જ્યાં પેજપ્રમુખ મૉડલ થકી પોતાના બૂથ લેવલના કાર્યકરોને પ્રોત્સાહિત કરી મતદારોને આકર્ષવા, તેમની સાથે જોડાઈ રહેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યાં બીજી તરફ કૉંગ્રેસે છેવાડાના મતદારો સાથે પક્ષના કાર્યકરોને જોડતી એક કડી સમાન કૉંગ્રેસ સેવાદળની ભૂમિકા માત્ર નામ પૂરતી બનાવી દીધી છે. હવે કૉંગ્રેસ સેવાદળનો કોઈ અસ્તિત્વ રહ્યો નથી. કારણ કે તેમની પાસે આ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે પૂરતાં નાણાકીય સંસાધનોનો જ અભાવ છે.”

સેવાદળના ચીફ ઑર્ગેનાઇઝર લાલજી દેસાઈ પણ ભાજપને ગુજરાતમાં પોતાના બૂથ લેવલના કાર્યકરોનો મતદારો સાથે જોડાણ વધારવા માટે શરૂ કરાયેલ 'પેજપ્રમુખ’ મૉડલનો ફાયદો ચૂંટણીમાં થયો હોવાની વાત કબૂલે છે. તેઓ કહે છે કે, “જ્યાં એક તરફ ભાજપે પેજપ્રમુખ મૉડલ લાગુ કરી મતદારો સાથેનો સંપર્ક વધારવામાં સફળતા મેળવી ત્યાં જ બીજી તરફ કૉંગ્રેસ પાસે લગભગ 97 વર્ષથી રહેલી સેવાદળની વ્યવસ્થા સુષુપ્ત અવસ્થામાં હોવાથી પક્ષને રાજ્યમાં ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડ્યું છે.”

પત્રકાર આકાર પટેલ નૅશનલ હેરાલ્ડમાં મે, 2018ના પોતાના એક લેખમાં લખે છે કે, “કૉંગ્રેસના સેવાદળનો RSS સામે કોઈ મુકાબલો ન થઈ શકે.”

તેઓ પોતાના લેખમાં લખે છે કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પહેલાં સ્થપાયેલ કૉંગ્રેસ સેવાદળ હવે માત્ર કાગળ પર જ રહ્યું છે. કૉંગ્રેસની વેબસાઇટ પર તેની નોંધણી પોતાની પ્રથમ હરોળની સંસ્થાઓ હેઠળ કરાઈ છે. પરંતુ તેનું સભ્યપદ મેળવવા માટે કોઈ વ્યવસ્થા વેબસાઇટ પર જોવા મળતી નથી. જે એ વાત તરફ આંગળી ચીંધી છે કે આ સંસ્થાનો હવે કોઈ અસ્તિત્વ નથી.”

પત્રકાર આકાર પટેલ આ લેખમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીની પ્રશંસા કરતાં લખે છે કે, “RSS એ પાંચ લાખ સક્રિય કાર્યકરો સાથે વિશ્વની સૌથી મોટી બિનસરકારી સંસ્થા છે. તેના કાર્યકરો સંઘ દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે.

તેનાં મુખ્ય કામોમાં કૉમ્યુનિટી ઑર્ગેનાઇઝેશન અને મોબિલાઇઝેશન સામેલ છે. ભારતીય જનતા પાર્ટી માટે આ એક ખૂબ જ મૂલ્યવાન અસ્ક્યામત છે. આ સંસ્થાના કાર્યકરો સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ સુનિશ્ચિત કરે છે.

આ કામને અમેરિકાના રાજકારણમાં ગ્રાઉન્ડ ગેઇમ કહે છે. તેની કામગીરીમાં સંભવિત મતદાતાઓની ઓળખ કરવાનું, તેમની સાથે જોડાણ સ્થાપવાનું, તેમની સાથે સંવાદ સ્થાપવાનું અને અંતે તેમને બૂથ સુધી લાવવાનું કામ સામેલ હોય છે.

આ એક એવું કામ છે જેમાં મોટા ભાગના ભારતીય રાજકીય પક્ષો સારા નથી. જ્યારે ભાજપ આ કામ RSSની મદદથી બખૂબી કરી રહ્યો છે.”


ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસ

વર્ષ 1960માં ગુજરાતની સ્થાપનાથી વર્ષ 1975માં યોજાયેલી પાંચમી વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતમાં કૉંગ્રેસી સરકારો રહી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે વર્ષ 1975માં જનતા મોરચાની સરકાર બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની.

ત્યાર બાદ 1977થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલ ફરીથી રાજ્યની બિનકૉંગ્રેસી સરકારના મુખ્ય મંત્રી બન્યા.

એ સિવાય ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ 1990થી 1994માં તેમના મૃત્યુ સુધી જનતા દળની સરકાર રહી.

આ લગભગ આઠ વર્ષો સિવાય 1994 સુધી ગુજરાતમાં કૉંગ્રેસનું જ શાસન રહ્યું. જોકે, 1995માં પ્રથમ વખત ગુજરાતમાં ભાજપને એક તક મળી અને પાટીદાર નેતા કેશુભાઈ પટેલ ગુજરાતના દસમા મુખ્ય મંત્રી બન્યા ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં થયેલ 'હજૂરિયા-ખજુરિયા’ના બનાવમાં ભાજપને 18 મહિના સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું. પરંતુ મોટા ભાગે 1995 પછી ગુજરાતની વિધાનસભા પર ભાજપે પોતાની પકડ જમાવી રાખી છે.

મહાગરોની ચૂંટણીની વાત કરીએ તો પણ વિવિધ અખબારોમાં છપાયેલા અહેવાલો અનુસાર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તાસ્થાનેથી કૉંગ્રેસ વર્ષોથી દૂર છે. તેમજ પાછલી બે લોસભાની ચૂંટણીમાં ભાજપને તમામે તમામ 26 સીટો પર જીત મળી છે. 1990 પછીની લોકસભાની ચૂંટણીઓમાં પણ રાજ્યમાં કૉંગ્રેસને ભાજપ કરતાં ઓછી સીટોથી જ સંતોષ માનવો પડ્યો છે.

જોકે, ગુજરાતમાં કૉંગ્રેસે માધવસિંહ સોલંકીના સમયગાળામાં વર્ષ 1985માં રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 149 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવીને રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક એવો રેકૉર્ડ સ્થાપ્યો હતો આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી.

પરંતુ એ વાત પણ સત્ય છે કે એક સમયે ગુજરાતમાં સત્તાના શિખર પર વિરાજમાન પક્ષ કૉંગ્રેસ હાલ રાજ્યમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જેમાં તેમને સફળતા મળશે કે કેમ તે પ્રશ્નનો જવાબ તો સમય જ આપી શકશે.


સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Local body elections: How did the Congress lose its grip on Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X