Lok Sabha Election: લોકસભા ચૂંટણીનુ શિડ્યુલ આ દિવસે જાહેર થઈ શકે, જાણો કેટલા તબક્કામાં મતદાનની સંભાવના
Lok Sabha Election 2024 Schedule: લોકસભા ચૂંટણી 2024ની તારીખોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી શકે છે.
ભારતના ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દેશના ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે 13 માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. 7-8 તબક્કામાં મતદાન થવાની ધારણા છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ભારતીય ચૂંટણી પંચ 13 માર્ચ પછી લોકસભા ચૂંટણીનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. હકીકતમાં દેશમાં ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના અધિકારીઓની એક ટીમ રાજ્યોની મુલાકાતે છે.
તમને જણાવી દઈએ કે હાલમાં અધિકારીઓની ટીમ તમિલનાડુમાં છે, કહેવામાં આવી રહ્યું છે કે તે પછી તેઓ ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના પ્રવાસ 13 માર્ચ પહેલા પૂર્ણ થવાના છે. આવી સ્થિતિમાં 13મી માર્ચે કે પછી ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી, ચૂંટણી પંચ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે સીઈઓએ સમસ્યાના ક્ષેત્રો, ઈવીએમની અવરજવર, સુરક્ષા દળોની જરૂરિયાત, સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે 18મી લોકસભાના સભ્યોની ચૂંટણી માટે સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024ની સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ છેલ્લી ચૂંટણી એટલે કે 2019 જેવો જ હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
