કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત 2 આંતકી ઠાર
દેશમાં ત્રીજા ચરણના મતદાન વચ્ચે સેનાએ મોટી કાર્યવાહી કરી છે. સેનાએ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત 2 આંતકી ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લાંબા અથડામણ બાદ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર બાસિત અહમદ ડાર સહિત બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સોમવારે મોડી રાત્રે રેડવાની ગામની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેના જવાબમાં સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. બંને પક્ષો વચ્ચે ગોળીબાર દરમિયાન આતંકીઓ જ્યાં છુપાયેલા હતા તે ઘરમાં આગ લાગી ગઈ.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટર સ્થળ પર ઓછામાં ઓછા બે મૃતદેહ જોવા મળ્યા છે અને તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. મૃતદેહ મળી આવ્યા પછી જ માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી શકાશે.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. ત્યારથી કાશ્મીરના સુરનકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.












Click it and Unblock the Notifications
