
'રોટલી પર 5%, પરોઠા પર 18%, ભાજપ તમારા ખીસ્સામાંથી પૈસા કાઢી રહી છે', ભૂપેશ બઘેલે સાધ્યુ નિશાન
હિમાચલ પ્રદેશના સોલનમાં કોંગ્રેસે રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની હાજરીમાં પરિવર્તન પ્રતિજ્ઞા રેલી સાથે વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કર્યો. પ્રિયંકા ગાંધીએ વચન આપ્યુ કે જો કોંગ્રેસની સરકાર આવશે તો કેબિનેટની પ્રથમ બેઠકમાં જૂની પેન્શન યોજના અને 1 લાખ નોકરીઓનો નિર્ણય કેબિનેટની પ્રથમ બેઠકમાં પસાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
રેલી દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે હિમાચલમાં કોંગ્રેસને ત્રણ ચતુર્થાંશ બહુમતીથી જીતાડો કારણ કે ભાજપ GSTના બહાને તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી રહી છે. ભૂપેશ બઘેલે રજૂઆત કરીને કહ્યુ કે ભાજપ હવે કોંગ્રેસના ધારાસભ્યોને ફોન કરીને બોલાવી રહી છે. આનો અર્થ એ કે ભાજપે હાર સ્વીકારી લીધી છે. ભાજપ કહે છે કે પૈસા ક્યાંથી આવશે. આ અંગે ભૂપેશ બઘેલે કહ્યુ કે તેઓ આવુ એટલા માટે કહે છે કારણ કે તેઓ આ પૈસાથી ધારાસભ્ય ખરીદે છે.
સીએમ બઘેલે ભાજપ પર જોરદાર નિશાન સાધીને કહ્યુ કે, 'ભાજપ સરકાર પેટ્રોલ, ડીઝલ, પીએનજીના ભાવ વધારીને તમારા ખિસ્સામાંથી પૈસા કાઢવાનુ કામ કરી રહી છે. હવે તેઓએ GST પણ લાદ્યો છે, રોટલી પર 5% અને પરોઠા પર 18%. હિમાચલમાં કોંગ્રેસને 3/4માં બહુમતીથી વિજય અપાવો. સીએમ ભૂપેશ બઘેલે કહ્યુ કે કોંગ્રેસે તમને 10 ગેરંટી આપી છે. હું તમને જણાવુ કે અમે આ બધા વચનો કેવી રીતે પૂર્ણ કરીશુ. હું છત્તીસગઢથી આવ્યો છુ જ્યાં રાહુલ ગાંધીએ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરવાનુ વચન આપ્યુ હતુ. જ્યારે સરકાર બની ત્યારે અમે 10 દિવસ કે 10 કલાકની અંદર નહિ પરંતુ 2 કલાકમાં આ કામ કર્યુ હતુ.
સીએમ ભૂપેશ બઘેલે ટ્વિટમાં કહ્યુ હતુ કે, 'અમારા મહાસચિવ પ્રિયંકા ગાંધીજીએ આજે (14 ઓક્ટોબર) હિમાચલના લોકો સમક્ષ હિમાચલના નવનિર્માણનુ મૉડેલ મૂક્યુ છે. પ્રચંડ જનસમર્થને જણાવ્યુ છે કે પરિવર્તન નિશ્ચિત છે.' અન્ય એક ટ્વીટમાં સીએમ ભૂપેશ બઘેલે કહ્યુ, 'હિમાચલના લોકોએ પરિવર્તન પ્રતિજ્ઞા દ્વારા પરિવર્તનનો શંખનાદ કર્યો અને આજે હિમાચલમાં પરિવર્તનની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. 12 નવેમ્બરે હિમાચલના લોકો પરિવર્તનના મહાયજ્ઞમાં પોતાના મતનુ બલિદાન આપશે અને હિમાચલના નવનિર્માણનો શુભારંભ થશે.'