નરેન્દ્ર મોદી વિશ્વાસુ નથી તેમને જેલ ભેગા કરો : મમતા બેનરજી
કોલકત્તા, 6 એપ્રિલ : નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ ભલે મમતા બેનરજી પર નરમ વલણ દાખવી રહ્યા હોય, પરંતુ મમતા બેનરજી નરેન્દ્ર મોદી માટે આગના ગોળા સમાન બોલે છે. નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશી મુસ્લિમોને તેમના દેશમાં પાછા મોકલવાના નિવેદનથી નારાજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજીએ મોદીને ફરી એક વાર નિશાન બનાવ્યા હતા.
સોમવારે એક ચૂંટણી સભાને સંબોધતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને ભૂગોળનું જ્ઞાન નથી. ભડકાઉ ભાષણો આપીને તેઓ ચૂંટણી જીવતાની ફિરાકમાં છે. આવા ભડકાઉ ભાષણોને કારણે જ આસામમાં ખૂન ખરાબી થઇ છે. આવા નેતાઓને તો કમરમાં દોરડું બાંધીને જેલ ભેગા કરી દેવા જોઇએ.

નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના મમતાએ તેમને કામરેડ દંગાબાજ કહ્યા અને જણાવ્યું કે 1947માં દેશના ભાગલા અથવા 1971ની લડાઇના સમયે જે પણ આ રાજ્યમાં આવ્યા, તેઓ હવે અહીંના નાગરિકો છે. તેમની પાસે રાશન કાર્ડ છે. મતદાર યાદીમાં તેમના નામ છે. મોદીએ સૌથી પહેલા તેંમને પાછા મોકલી બતાવવા પડશે.
બંગાળી અને બિનબંગાળી, હિન્દુ અને મુસ્લિમમાં ભેદભાવની વાત બિલકુલ ખોટી છે. આ રાજ્યમાં હવે કોઇ શરણાર્થી નથી. આવી બેજવાબદાર વાતોથી જ આસામમાં હિંસા ભડકી છે. ત્યાં નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવી રહ્યા નથી.
મમતાએ એવો આરોપ પણ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસ દિલ્હીમાં રાજકારણ રમી ના શકે તે માટે ભાજપ, કોંગ્રેસ અને માકપાએ સાથે મળીને વિરોધની નીતિ તૈયાર કરી છે. માકપાએ પોતાનો અડધો ઝંડો ભાજપ અને અડધો ઝંડો કોંગ્રેસને વેચી દીધો છે.












Click it and Unblock the Notifications
