Manipur Videoના મુખ્ય આરોપીના ઘરને લોકોએ કર્યુ આગના હવાલે
મણિપુરમાંથી જે વિચલિત કરનાર વીડિયો સામે આવ્યો છે તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હવે આ મામલે મોટી માહિતી સામે આવી રહી છે. અહેવાલો અનુસાર, મહિલાઓને નગ્ન પરેડ કરાવનાર આરોપીના ઘરને લોકોએ સળગાવી દીધું હતું.
ગુરૂવારે આ કેસના મુખ્ય આરોપી હરેન હેરોદાસ મૈતેઈના ઘરમાં લોકોએ આગ લગાવી દીધી હતી. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે દેખાવકારોએ આરોપીના ઘરને આગ લગાવી દીધી છે. આમાં મોટાભાગની મહિલાઓ સામેલ છે.

તમને જણાવી દઈએ કે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાની આ ઘટના મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાના એક દિવસ પછી એટલે કે 4 મેની છે. પરંતુ ઘટનાનો આ વીડિયો બે મહિનાથી વધુ સમય બાદ સામે આવ્યો છે. મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે આ વીડિયો સામે આવી શક્યો નથી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દેશભરમાં તેની નિંદા થઈ રહી છે. લોકો નારાજ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને દેશ માટે શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગુરુવારે મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અમે આ લોકોને ફાંસીની માંગ કરીશુ.
નોંધનીય છે કે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી ત્યારે સમગ્ર વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જે બાદ અહીંનું વાતાવરણ સતત બે મહિનાથી વધુ સમયથી તંગ રહ્યું હતું.












Click it and Unblock the Notifications
