Corona Vaccine : કોરોના રસી લેનારા મોટાભાગના લોકોને બંને ડોઝ પછી કોઈ મોટી આડઅસર નહીં!
દેશભરમાં કોરોનાવાયરસ રસી લેનારા લોકોના સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ભારતીયો, જેમણે કોવિશિલ્ડ કે કોવેક્સિનના બંને લીધા છે તેઓને ખૂબ જ હળવી અથવા કોઈ આડઅસર થઈ નથી. ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી દેશભરમાં કોવિડ-19 સામે મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.
આ સર્વે કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ દ્વારા કરવામાં આવ્યો છે. લોકલ સર્કલે અહેવાલ આપ્યો છે કે તેના રાષ્ટ્રવ્યાપી સર્વે અનુસાર, કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લેનારા 70 ટકા ભારતીયો અને કોવેક્સિન લેનારા 64 ટકા ભારતીયોએ પ્રથમ ડોઝ લીધા બાદ હળવી અથવા કોઈ પણ પ્રકારની આડઅસર અનુભવી નથી. સર્વે અનુસાર, કોવિશિલ્ડનો બીજો ડોઝ લેનારા 75 ટકા લોકો અને કોવેક્સિનનો બીજો ડોઝ લેનારા 78 ટકા લોકોએ કોઈ આડઅસર અનુભવી નથી.
સર્વે અનુસાર કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લેનારા 30 ટકા લોકોમાં આડઅસરો જોવા મળી હતી. તેમાંથી 29 ટકા લોકોને તાવ આવ્યો હોવાનું નોંધાયું છે. કોવેક્સિનમાં પણ પ્રથમ ડોઝ લેનારા 30 ટકા લોકોને તાવનો અનુભવ થયો છે. જ્યારે 1 ટકાને ગંભીર તાવ આવ્યો હતો. સૌથી મોટી વાત એ કે સર્વેમાં સામેલ કોવેક્સિન લેનારા લોકોમાંથી કોઈએ પણ ડોઝ લીધા પછી કોવિડ સંક્રમણની ફરિયાદ કરી નથી.
બીજી તરફ સર્વે અનુસાર કોવિશિલ્ડનો બીજો ડોઝ લેનારા 20 ટકા લોકોને તાવ અનુભવાયો હતો. જ્યારે 4 ટકા લોકોને ડોઝ લીધા બાદ પણ કોરોના થયો હતો. 1 ટકા લોકોને તીવ્ર તાવનો અનુભવ થયો હતો. તે જ સમયે, કોવેક્સિનનો બીજો ડોઝ લીધા પછી 17 ટકા લોકોને તાવનો અનુભવ થયો, 2 ટકા એવા હતા કે જેમણે કોવેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના વાયરસ ચેપ લાગ્યો. આ ઉપરાંત 3 ટકા લોકોએ તાવની ગંભીર સ્થિતિનો સામનો કરવો પડ્યો.
લોકલ સર્કલ મુજબ, ભારતના 381 જિલ્લાઓમાં રહેતા 40,000 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. સર્વેમાં ભાગ લેનારાઓમાં 62 ટકા પુરુષો હતા જ્યારે 38 ટકા ઉત્તરદાતા મહિલા હતી. સર્વેમાં સહભાગીઓમાં 24 ટકા મોટા શહેરોમાંથી, 31 ટકા લોકો મધ્યમ શહેરોમાંથી અને ગ્રામીણ વિસ્તારોમાંથી 25 ટકા લોકોનો સમાવેશ કરાયો હતો.