Mumbai Serial Blast : મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગારની કોલ્હપુર જેલમાં હત્યા
Mumbai Serial Blast : 1993 ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગારની જેલમાં હત્યા કરી દેવાઈ છે. કોલ્હાપુરની જેલમાં આરોપી મોહમ્મદ અલી ખાનની હત્યા કરી દેવાઈ છે.
મોહમ્મદ અલી ખાનની કોલ્હાપુર જેલમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસ અનુસાર, જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓએ રવિવારે આ હત્યા કરી. આ આરોપીઓએ મોહમ્મદ અલી ખાનનું માથું તોડી નાખ્યું, જે બાદ તેનું મૃત્યુ થઈ ગયુ.

1993ના મુંબઈ વિસ્ફોટના ચાર દોષિતોને કોલ્હાપુર જેલમાં રાખવામાં આવ્યા છે, જેમાંથી એક દોષિતનું નામ મોહમ્મદ અલી ખાન હતું. અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓને મોહમ્મદ અલી ખાનની બેરેકમાં રાખવામાં આવ્યા હતા.
પોલીસ અનુસાર, હત્યા કરનાર આરોપીઓના નામ પ્રતીક પાટીલ, દીપક ખોત, સંદીપ ચવ્હાણ, ઋતુરાજ ઇનામદાર અને સૌરભ સિદ્ધ છે. જેલ વિભાગના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સ્વાતિ સાઠેના જણાવ્યા અનુસાર, મૃતક મોહમ્મદ અલી ખાન સહિત આ તમામ આરોપીઓ એક જ બેરેકમાં રહેતા હતા. તેમણે કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે કે શું તેમની વચ્ચે કોઈ વિવાદ થયો હતો?
હાલમાં જેલની અંદર આ હત્યા બાદ જેલ વિભાગે કોલ્હાપુર જેલમાં બંધ મુંબઈ બ્લાસ્ટના અન્ય આરોપીઓની સુરક્ષા વધારી દીધી છે. જેલની અંદર આ હત્યાની ઘટનાનું મુખ્ય કારણ શું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્ના ઉર્ફે મનોજ કુમાર ભંવરલાલ ગુપ્તા કોલ્હાપુર જેલમાં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
12 માર્ચ 1993ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જની 28 માળની ઈમારતના ભોંયરામાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 50 લોકો માર્યા ગયા હતા. અડધા કલાક પછી બીજો વિસ્ફોટ એક કારમાં થયો અને પછી એક પછી એક વિસ્ફોટોની શ્રેણી શરૂ થઈ. બે કલાકમાં સમગ્ર મુંબઈમાં 12 સ્થળોએ 13 બ્લાસ્ટ થયા હતા. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
