For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ધરતી પરથી અવાજ ઉઠવો જોઇએ કોંગ્રેસ ફ્રી ઇન્ડિયાઃ મોદી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 ડિસેમ્બરઃ માયાનગરીના નામથી જાણીતી આર્થિક રાજધાની મુંબઇમા આજે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાગર્જના રેલી યોજવામાં આવી છે. જેમાં તેમણે કોંગ્રેસ, યુપીએ અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા. ઉપરાંત મુંબઇમાંથી કોંગ્રેસ ફ્રી ઇન્ડિયાનો અવાજ ઉઠવો જોઇએ તેમ કહ્યું. આ સાથે જ તેમણે વોટ ફોર ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે.

આ તકે મોદીએ કહ્યું કે,કદાચ મુંબઇના ઇતિહાસમાં આવું વિરાટ દ્રશ્ય જોવાનું સૌભાગ્ય આ પહેલા કોઇને નહીં મળ્યું હોય.ગુજરાતી ભાષાનું લાલન પાલન મુંબઇમાં થાય છે, તેનાથી એવું લાગે છે કે, મુંબઇ ગુજરાતી ભાષાનું મૌસાળ છે.1960 પહેલા આપણે એક જ રાજ્યનો ભાગ હતા. 50 વર્ષ પહેલા આપણે અલગ થયા. મહારાષ્ટ્ર અમારો મોટો ભાઇ છે અને ગુજરાત નાનો ભાઇ છે. જ્યારે ગુજરાત અલગ થયું ત્યારે ચર્ચા થતી કે આ રાજ્ય પ્રગતિ કેવી રીતે કરશે. ઉદ્યોગ, પ્રાકૃતિક સંપદા, રણ પ્રદેશ અને પાણીની અછત છે, તો ગુજરાત પ્રગતિ કેવી રીતે કરશે, પરંતુ જ્યારે અમે અલગ થયા ત્યારે કંઇ નહોતું, પરંતુ આજે ગુજરાતે વિકાસની નવી ઉંચાઇ પાર કરીને સામાન્ય માનવીનું ભલું થઇ શકે છે,

ગુજરાત અને મહારાષ્ટ્રે 1 મે 1960એ સ્વતંત્ર રાજ્ય તરીકે યાત્રા શરૂ કરી હતી. આટલા વર્ષોમાં ગુજરાતમાં 14 મુખ્યમંત્રી બન્યા પરંતુ મહારાષ્ટ્રમાં 26 મુખ્યમંત્રી બન્યા. અહીંનું રાજકારણ કેવું હશે. દેશની સમસ્યાનું કારણ દેશની જનતા, ભુગોળ નહીં પરંતુ આપણી સમસ્યાનું કારણ કોંગ્રેસ શાસિત સરકારો છે અને તેથી જ સમસ્યાઓથી મુક્તિ જોઇએ તો તેનો એક જ ઉપાય છે, ભારતને કોંગ્રેસથી મુક્ત કરવું પડશે.

જે મુંબઇની ધરતી પરથી ક્વીટ ઇન્ડિયાનો નારો ગુંજ્યો હતો, એ ધરતી પરથી ફરી એકવાર અવાજ ઉઠવી જોઇએ કે કોંગ્રેસ ફ્રી ઇન્ડિયા. કોંગ્રેસ વોટબેંકના રાજકારણમાં ડૂબેલી છે. ડીવાઇડ રૂલ એ કોંગ્રેસની વિશેષતા રહી છે. દેશ આઝાદ થયો, તો દેશના ત્રણ ટૂકડા કરી નાંખ્યા. એક તરફ સરદારે દેશને એક કર્યું તો બીજી તરફ ભાષાવર પ્રાન્ત રચના પર કોંગ્રેસે દેશમાં ભાઇને ભાઇ સાથે લડવાના બીજ વાવ્યા. તેથી કોંગ્રેસ પાર્ટી વોટબેન્કના રાજકારણમાં ડૂબી ગઇ છે. જ્યાં સુધી આપણે દેશને વોટબેન્કમાંથી વિકાસના રાજકારણના માર્ગ પર નહીં લઇ જઇએ ત્યાં સુધી દેશમાં વિકાસ નહીં થાય.

ભાજપે પોતાની આર્થિક નીતિ અને રાજકારણના જોરે સાબિત કરી દીધું છેકે ભાજપ વિકાસના મંત્ર અને વિકાસના રાજકારણને સમર્પિત છે. અને વિકાસ વગર દેશના ગરીબોનું ભલું થાય છે. હું ગુજરાતની ચર્ચા કરીશ તો લોકોના પેટમાં દુખવા લાગે છે, તેથી આજે હું મધ્ય પ્રદેશની વાત કરીશ, એક સમયે મધ્ય પ્રદેશ બીમારું રાજ્ય હતું, પરંતુ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વથી મધ્ય પ્રદેશ આજે બીમારુ રાજ્યમાંથી વિકસિત રાજ્ય બની ગયું છે.

જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં વિકાસ જોવા મળે છે. ખેડુતો સારી ખેતી કરી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં શા માટે ખેડુતોના આત્મહત્યા કરવાની જરૂર પડે છે. જો અહીં ભાજપની સરકાર હોત તો જે ખેડુતોની સ્થિતિ અલગ હોત. પરંતુ કોંગ્રેસને વિકાસના રાજકારણમાં જરા પણ વિશ્વાસ નથી. અહીં સરકાર કોંગ્રેસની અને દિલ્હીમાં સરકાર કોંગ્રેસની છતાં તેઓ જ્યારે બોલે ત્યારે એવું લાગે છેકે તે અન્ય સરકાર અંગે બોલી રહ્યાં છે. કાલે મે કોંગ્રેસના એક નેતા અંગે સાંભળ્યું. તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલી રહ્યાં હતા. એક નિર્દોષ ચહેરા સાથે તેઓ ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યાં છે, પરંતુ તેમની જ કોંગ્રેસ દ્વારા આદર્શ કૌભાંડ કરવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસ દ્વારા આદર્શ કૌભાંડીઓને બચાવવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ તેમના એક નેતા દિલ્હીમાં ભ્રષ્ટાચાર પર બોલી રહ્યાં છે. કોંગ્રેસ બોલે કંઇક છે અને કરે કંઇક છે.

તેમણે વધુંમાં કહ્યું કે, વડાપ્રધાન દ્વારા 90 જિલ્લા કે જેમાં મુસ્લિમોની સંખ્યા વધારે હોય તેને પસંદ કર્યા હતા અને તેમને બજેટ આપ્યું હતું, જેથી લોકો ખુશ રહે. કોઇકે આ જિલ્લાઓ અંગે પ્રશ્ન પૂછ્યો તો સરકારે સંસદમાં જવાબ આપ્યો કે, પૈસા આપવામાં આવ્યા નથી. ગુજરાત દ્વારા અમુક વર્ષો પહેલા ઓક્ટ્રોઇ નાબૂદ કરવામાં આવ્યું પરંતુ મહારાષ્ટ્ર દ્વારા એલબીટી ઉમેર્યું છે. એલબીટી એટલે લૂટ બાટને કી ટેક્નિક છે. ભારતનું દરેક બાળક જાણે છે કે કાળું નાણું ક્યાં છે, તે સ્વિસ બેન્કમાં છે, તેમ છતાં તેને પાછું લાવી શકાતુ નથી. અડવાણીજીના નેતૃત્વમાં ભાજપના સાંસદો દ્વારા પત્ર લખવામાં આવ્યું કે કાળુ નાણું સ્વિસ બેન્કમાં છે. પરંતુ કોંગ્રેસ આવું કરી શકતું નથી.

મે સમાચાર પત્ર અને ચેનલમાં જોયુ છે કે ચાવાલાઓને વીઆઇપી પાસ આપવામાં આવ્યા છે. તો હું કહી દઉ છું કે આ પરિવર્તનની શરૂઆત છે. આવનારા સમયમાં દરેક ગરીબ વીઆઇપી હશે. અમારા માટે દરેક ગરીબ વીઆઇપી છે. તેમણે અન્ય એક ઉદાહરણ આપતા કહ્યું કે, મોદીનો અવાજ લોકો સુધીના પહોંચે એટલે કેબલ કટ કરી નાખવામાં આવે છે, આ હું જે નોન ભાજપ રાજ્યમાં જાઉ છું ત્યાં થાય છે. તેઓ કેબલ કટ કરી શકે છે પરંતુ મારો અને જનતાનો દિલનો નાતો છે, તેને અલગ નહીં કરી શકે.

ભારત એક યુવા રાષ્ટ્ર છે, ત્યારે આપણે શું ના કરી શકીએ. વિશ્વ સ્કીલ ડેવલોપમેન્ટ પર ધ્યાન આપી રહ્યું છે, ત્યારે આપણે શું કરીએ છીએ. આપણે માત્ર એ અંગે કમિટિઓ બનાવી રહ્યાં છીએ. આપણો મંત્ર શ્રમેવ જયતે હોવો જોઇએ. આપણે ગરીબોના વિકાસ પર ધ્યાન આપવું જોઇએ. કોંગ્રેસ ભારતના યુવાઓને લઇને ચિંતિત નથી.

તેમણે નોકરી મેળવવામાં થતા ભ્રષ્ટાચાર અંગે કહ્યું કે, આજે જ્યારે સરકાર દ્વારા નોકરી બહાર પાડવામાં આવે છે ત્યારે સારામા સારા માર્ક હોવા છતાં પણ ભલામણ અને પૈસા વગર કંઇ થઇ શકતું નથી, જો કે આ દિશામાં અમે ગુજરાતમાં ક્રાન્તિકારી પગલુ ભર્યું. અમે ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરી, જેમાં લાખો અરજી આવી. જેમાં કોમ્પ્યુટર દ્વારા 13 હજાર અરજીઓ પંસદ કરવામાં આવી અને આજે આ લોકો શિક્ષક બની ગયા છે. કોણ કહે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ નથી થઇ શકતો. એકવાર દેશ નક્કી કરી લે તો ભ્રષ્ટાચાર દૂર થઇ શકે છે.

અહીં મહારાષ્ટ્રમાં ચોવીસ કલાક વિજળી મળતી નથી, પરંતુ ગુજરાતમાં ચોવીસ કલાક વિજળી મળે છે. હું જ્યારે સાપુતારાથી શિરડી ગયો ત્યારે મે રસ્તામાં લોકોને પૂછ્યું કે અહીં બધા બોર્ડ સરખા છે, તો આમા ખબર કેવી રીતે પડશે કે આ ગુજરાતનું ગામ છે કે મહારાષ્ટ્રનું તો લોકોએ કહ્યું કે, જે ગામમાં અજવાળું છે તે ગુજરાત અને જ્યાં અંધકાર છે તે મહારાષ્ટ્ર છે. આવું એટલા માટે બન્યુ છે, તેનું કારણ નીતિ છે.

સરદાર સરોવર ડેમ પર દરવાજા બનાવવામાં આવે તો મહારાષ્ટ્રને મફતમાં વિજળી મળી શકે છે. દિલ્હીની સરકાર આઇએએનએસ વિક્રાંતના ટૂકડા કરવાની તૈયારીમાં છે, અમે ગુજરાતના લોકો દેશભરથી લોખંડ એકઠું કરીને સરદારની મૂર્તિ બનાવવા જઇ રહ્યાં છીએ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર વાત કરીએ તો જો મહારાષ્ટ્રની સરકારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શતબાદી મનાવવા માટે કોઇ પ્રયાસ કર્યા હોત, તો આજે દિશા અલગ હોત. શું દેશમાં ફિલ્મ યુનિવર્સિટી હોવી જોઇએ, પરંતુ વોટબેન્કનું રાજકારણ કરનારા લોકોએ આટલો મોટો અવસર ગુમાવી દીધો. ક્યાં સુધી ચૂંટણીમાં દળ મટે વોટ માંગવામાં આવે. આજે હું ઇચ્છું છું કે લોકો દળ નહીં પરંતુ દેશ માટે વોટ માંગે વોટ ફોર ઇન્ડિયા.

મોદીની આ મહાગર્જના રેલીને સફળ બનાવવા માટે ભાજપે કોઇ કસર છોડી નથી. મહારાષ્ટ્ર ઉપરાંત આસપાસના રાજ્યોમાંતી પણ પાર્ટીના લોકોને બોલાવવામાં આવ્યા છે. 22 વિશેષ ટ્રેનો અને 5 હજાર બસો થકી રેલી સ્થળ સુધી લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી છે. રેલી માટે સેન્ટ્રલ રેલવેએ 12 ટ્રેનો અને વેસ્ટર્ન રેલવેએ 10 ટ્રેનો ચલાવી છે.

English summary
Narendra Modi address Maha Garjana Rally in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X