હું તો ફકીર માણસ છું, ઝોળી ઉઠાવીને ચાલી નીકળીશઃ મોદી
આજે મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચારે આ દેશ લૂંટ્યો, ભ્રષ્ટાચારે ગરીબોનો હક છીનવી લીધો, એ ગરીબોને પોતાને હક પાછો અપાવવો એ જ શું મારો ગુનો છે? મોટા શહેરોમાંથી ગરીબી દૂર થશે ત્યારે જ ભારત ગરીબીથી મુક્ત થશે. હું સાંસદ બનવા માટે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નથી લડ્યો, અહીં ગરીબ બહુ છે અને અહીંથી ગરીબી દૂર કરવી એ જ મારો ઉદ્દેશ્ય છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, વિકાસ થશે તો રોજગાર આવશે, વિકાસ થશે તો દવાના ભાવ ઘટશે, બાળકોને ઓછા પૈસે શિક્ષા મળશે અને લોકોની જીવનશૈલીમાં પણ સુધારો થશે. હું આ માટે જ કામ કરી રહ્યો છું.
આ પહેલાની સરકારોએ પોતાનાઓનું જ ભલું કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે, આઝાદી પછી અનેક "જાહેરાતો" કરનારી સરકારો આવી. અમારી સરકાર ઘોષણા નથી કરતી, પરિણામ આપે છે, હિસાબ આપે છે. જનતા જ અમારી હાઇ કમાન્ડ છે. પહેલા મધ્યપ્રદેશ બીમાર રાજ્ય હતું, પરંતુ ભાજપની સરકાર આવ્યા બાદ તે બીમાર રાજ્યની શ્રેણીમાંથી બહાર નીકળી ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારો માત્ર ઘોષણા કરવા માટે નથી હોતી, ઘોષણાને લાગુ કરવા માટે હોય છે. માત્ર પોતાના લોકોનો વિકાસ કરવાથી રાજ્યનો વિકાસ નથી થતો!
"હું તો ફકીર માણસ છું, ઝોળી ઉઠાવીને ચાલી નીકળીશ"
નોટબંધીનો વિરોધ કરનારા વિપક્ષોને પણ તેમણે પોતાના જ અંદાજમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી ભ્રષ્ટાચારીઓની મુસીબત વધી છે, એમણે વિચારવાનું છે કે હવે એમનું શું થશે? કોઇ મને શું કરી લેવાનું, હું તો ફકીર માણસ છું, ઝોળી ઉઠાવીને ચાલી નીકળીશ. આ ફકીરીએ જ મને ગરીબી સામે લડવાની હિંમત આપી છે. જૂની સરકારો નોટ તો છાપતી હતી, પણ એ નોટના બંડલ ગરીબોના ઘરે પહોંચતા નહોતા.
"પહેલા મની-મની કરતા હતા, હવે મોદી-મોદી કરે છે"
તેમણે આગળ કહ્યું કે, અપ્રમાણિક લોકો ગરીબોના ઘર આગળ લાઇનમાં છુપાઇને ઊભા છે, એ અપ્રમાણિક લોકો જ અત્યારે વધુ મુસીબતમાં છે. જો કોઇ અમીર ગરીબને પૈસા આપે તો એની પાસેથી પુરાવો ચોક્કસ માંગજો. નોટબંધીના નિર્ણય બાદ ઘણા નેતાઓના મોઢાં ચડી ગયા છે, પહેલાં જે લોકો મની-મની કરતા હતા એ જ હવે મોદી-મોદી કરે છે. હું ગરીબભાઇઓને એટલું જ કહીશ કે જો કોઇ અમીર તમારા ખાતામાં પૈસા નાંખવા આવે તો અત્યારે તો નાંખી લેવા દેજો, પરંતુ જ્યારે એ પાછો માંગવા આવે ત્યારે નનૈયો ભણી દેજો.
બેંક અને એટીએમની બહારની લાઇનો અંગે ટિપ્પણી કરતાં મોદીએ કહ્યું કે, મેં 50 દિવસ માંગ્યા હતા, ધીરે-ધીરે હવે ભીડ ઓછી થઇ રહી છે. જે લોકો લાઇનો અંગે ફરિયાદ કરી રહ્યાં છે તે શું ખાંડ, તેલની લાંબી લાઇનો ભૂલી ગયા? ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જ મેં આ છેલ્લી લાઇન લગાવી છે.
મોબાઇલ ફોન જ તમારું વોલેટ છે: મોદી
પીએમ મોદીએ કહ્યું કે, હવે મોબાઇલ ફોન જ તમારું વોલેટ છે. સમય બદલાયો છે, મોબાઇલ જ તમારી બેંક પણ છે. આ દેશમાં 40 કરોડ લોકો પાસે સ્માર્ટ ફોન છે, એટલે કે 40 કરોડ લોકો આ લાઇનમાંથી નીકળી જવા જોઇએ. મોબાઇલ દ્વારા આજે ખૂબ સરળતાથી ખરીદી કરી શકાય છે પૈસાની લેવડ-દેવડ પણ કરી શકાય છે.
"અપ્રમાણિક લોકો સામે લડવા મદદ જોઇએ છે"
તેમણે જનમેદનીને સંબોધતા કહ્યું કે, ભારતમાં નવી વસ્તુઓનો સ્વીકાર થોડો મોડો થાય છે. હું રાત-દિવસ તમારી તકલીફ દૂર કરવા માટે કાર્યબદ્ધ છું. તમારી તકલીફ એ જ મારી તકલીફ છે. તમારી તપસ્યા વ્યર્થ નહીં જાય, આ દેશને અપ્રમાણિકતા અને અપ્રમાણિક લોકો સ્વીકાર્ય નથી. દેશની પાઇ-પાઇ પર જનતાનો હક છે, જે લોકો બેંકની બહાર લાઇનમાં ઊભા છે એ પ્રમાણિક છે અને અપ્રમાણિક લોકો સામે લડવા મને તમારા સહકારની જરૂર છે.
ખેડૂતોને સલામ!
આ તમામ વાતોની વચ્ચે પીએમ મોદીએ ખેડૂતોને પણ યાદ કર્યા હતા. ખેડૂતોને સંબોધતાં તેમણે કહ્યું કે, "હું ભારતીય ખેડૂતોને સલામ કરું છું. આટલી તકલીફ પડી હોવા છતાં પણ તેમણે અનાજની ખોટ પડવા દીધી નથી."