For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : નરેન્દ્ર મોદીના સારથી અમિત શાહ : સામાન્ય કાર્યકરથી ભાજપના વ્યૂહરચનાકાર કેવી રીતે બન્યા?

By Bhumishi
|
Google Oneindia Gujarati News

અમિત શાહ આમ તો એક સામાન્ય ગુજરાતી નામ લાગે. આ નામ ગુજરાતમાં તો છેલ્લા એક દાયાકાથી પણ વધારે સમયથી જનતાના કાને અથડાતું રહ્યું છે. જો કે રાષ્ટ્રીય સ્તરે આ નામે ત્યારે વધારે ચર્ચા જગાવી જ્યારે જાહેરાત કરવામાં આવી કે અમિત શાહને લોકસભા ચૂંટણી 2014માં ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ત્યાર બાદ લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યા તેના પરથી સૌને અમિત શાહની શક્તિનો પરચો મળી ગયો. 22 ઓક્ટોબર, 1964ના રોજ જન્મેલા 49 વર્ષીય અમિત શાહ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

ગુજરાતના અમદાવાદમાંથી ભાજપના એક કાર્યકરથી આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા સુધીની સફરમાં અમિત શાહે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દાઓ, ધારાસભ્ય, ગુજરાતના ગૃહ મંત્રી, ગુજરાતના સહકારી બેંકોમાં ઉચ્ચ હોદ્દા અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ અને બાદમાં અધ્યક્ષના પદે બિરાજી ચૂક્યા છે.

નરેન્દ્ર મોદીનું રાજકીય જીવન જેટલું પ્રેરણાદાયી અને ઉત્સુકતા જગાડનારું છે કદાચ તેટલી જ ઉત્સુકતા અમિત શાહના જીવન વિશે છે. નરેન્દ્ર મોદી વહીવટ અને ભાષણમાં જેવી માસ્ટરી ધરાવે છે, તેવી જ માસ્ટરી અમિત શાહ વ્યૂહરચના ઘડવામાં ધરાવે છે.

અમિત શાહ જાહેર જીવનમાં ખૂબ ઓછું બોલવા માટે જાણીતા છે. પણ તેમના માટે કહેવાય છે કે તેઓ સંદેશમાં સંકેત અને સંકેતમાં સંદેશ આપનારા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કુશળ રણનીતિકાર અને હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીક માનવામાં આવે છે.

જો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રથમ મુલાકાત ક્યારે અને કેવી રીતે થઇ, તેમણે એકબીજાને આગળ આવવા કેવી રીતે મદદ કરી તેની ઓછી જાણીતી રસપ્રદ બાબતો આગળ ક્લિક કરીને વાંચો...

1 પ્રથમ મુલાકાત

1 પ્રથમ મુલાકાત


નરેન્દ્ર મોદી અને અમિત શાહની પહેલી મુલાકાત અંગે જે માહિતી પ્રાપ્ત છે તે મુજબ તેઓ અમદાવાદ ખાતે RSSની શાખામાં મળ્યા હતા. બંને બાળપણથી આરએસએસ સાથે સંકળાયેલા હતા.

2 યુવાનીમાં છુટા પડ્યા

2 યુવાનીમાં છુટા પડ્યા


એક તરફ નરેન્દ્ર મોદી સામાન્ય પરિવારમાંથી આવતા હતા. જ્યારે અમિત શાહ સંપન્ન બિઝનેસ પરિવારમાંથી આવતા હતા. યુવાનીકાળમાં બંનેએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. નરેન્દ્ર મોદી હિમાલય ચાલ્યા ગયા. જ્યારે અમિત શાહે પિતાનો પ્લાસ્ટિકની પાઇપનો બિઝનેસ સંભાળ્યો.

3 સંઘ સાથેનું જોડાણ યથાવત

3 સંઘ સાથેનું જોડાણ યથાવત


નરેન્દ્ર મોદી તો સંપૂર્ણ રીતે સંઘને વરી ચૂક્યા હતા. જ્યારે અમિત શાહ બિઝનેસ સંભાળવાની સાથે સંઘ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા.

4 રાજકીય જીવનમાં પ્રવેશ

4 રાજકીય જીવનમાં પ્રવેશ


એક તરફ અમિત શાહે અમદાવાદની સીયુ શાહ કોલેજમાં અભ્યાસ દરમિયાન રાજનૈતિક સક્રિયતાની શરૂઆત ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઇને કરી હતી. બીજી તરફ નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા.

5 80નો દાયકો બન્યો પરિવર્તનકારી

5 80નો દાયકો બન્યો પરિવર્તનકારી


નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેના જીવનમાં 80નો દાયકો પરિવર્તનકારી બની રહ્યો. એક તરફ નરેન્દ્ર મોદી હિમાલયથી પાછા ફર્યા હતા. તેઓ સંઘની શાખામાં અમિત શાહને ફરી મળ્યા. શાહે મોદીને રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા જણાવી.

6 શાહ આવી રીતે જોડાયા ભાજપમાં

6 શાહ આવી રીતે જોડાયા ભાજપમાં


શંકરસિંહ વાધેલા વર્ષ 1980થી 1991 દરમિયાન ગુજરાત ભાજપના મહાસચિવ અને પ્રમુખ હતા. શંકરસિંહ વાધેલા જ્યારે ગુજરાત ભાજપના પ્રમુખ હતા ત્યારે નરેન્દ્ર મોદીએ અમિત શાહની મુલાકાત વાધેલા સાથે કરાવી હતી અને તેમને પાર્ટીનું કામ સોંપવા માટે ભલામણ કરી હતી. બસ તે દિવસથી અમિત શાહનો સંબંધ ભાજપ સાથે જોડાઇ ગયો.

7 સામાન્ય કાર્યકરથી કાર્યનો આરંભ

7 સામાન્ય કાર્યકરથી કાર્યનો આરંભ


ભાજપમાં તેઓ સામાન્ય કાર્યકર તરીકે જોડાયા હતા. જો કે શહેરમાં વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લઇને તેમણે સામાન્ય નેતાની ઓળખ બનાવવામાં સફળતા મેળવી હતી. આ સાથે ધીરે ધીરે નરેન્દ્ર મોદીની નજીક આવ્યા અને બંનેનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો.

8 પ્રથમ પડકારજનક કામ

8 પ્રથમ પડકારજનક કામ


90ના દાયકામાં નરેન્દ્ર મોદી ભાજપમાં ઘણા આગળ વધી ગયા હતા. અમિત શાહ ભાજપ ઉપરાંત તેમની અંગત મદદ કરતા હતા. આ સમયગાળામાં બાબરી ધ્વંસ બાદ એલ કે અડવાણીએ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. નરેન્દ્ર મોદીએ ગાંધીનગર બેઠકનું ચૂંટણી મેનેજમેન્ટ અમિત શાહને સોંપવાની ભલામણ કરી. અડવાણી આ બેઠક પરથી વિક્રમી લીડ સાથે જીત્યા.આ ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણમાં અમિત શાહનું કદ વધ્યું.

9 બીજો પડકાર

9 બીજો પડકાર


વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી ચૂંટણી લડ્યા, પોતાના મતવિસ્તારને સમય ફાળવી ના શક્યા, જો કે અડવાણીની જીતથી પ્રભાવિત ભાજપના ટોચના નેતાઓએ અમિત શાહ પર વિશ્વાસ મૂકી આ વખતે પણ ચૂંટણી મેનેજમેન્ટની જવાબદારી અમિત શાહને સોંપી. ભાજપની અપેક્ષા ખરી ઠરી અને વાજપેયી અહીંથી વિજયી બન્યા. આ મોટા પડકારો પાર કર્યા બાદ અમિત શાહ રાજકીય સફરને વેગ મળ્યો.

10 રણનીતિકાર બન્યા

10 રણનીતિકાર બન્યા


હવે અમિત શાહ સામાન્ય ભાજપ નેતામાંથી આગળ વધીને ભાજપના રણનીતિકાર બની ગયા હતા. જો કે તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ - ગાંધીનગર પૂરતું સીમિત હતું. જો કે તેમની રાજકીય મહેચ્છાઓ વધી અને સમગ્ર ગુજરાત પર તેમણે ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કર્યું.

11 ભાજપને સહકારી ક્ષેત્રે જીત અપાવી

11 ભાજપને સહકારી ક્ષેત્રે જીત અપાવી


અમિત શાહે એક પછી એક ગુજરાતની સહકારી બેંકો અને દૂધ મંડળીઓ પરથી કોંગ્રેસનો કબ્જો તોડીને ભાજપનું વર્ચસ્વ જમાવવાની મહેનત કરી. જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રભુત્વ ઘટ્યું.

12 નરેન્દ્ર મોદી માટે જાસૂસ બન્યા

12 નરેન્દ્ર મોદી માટે જાસૂસ બન્યા


હવે નરેન્દ્ર મોદીની રાજકીય મહત્વકાંક્ષા પણ વધી હતી. નરેન્દ્ર મોદીએ અમિત શાહ સમક્ષ મુખ્યમંત્રી બનવા ઇચ્છા વ્યક્ત કરી. આ માટેની બાજી ગોઠવવામાં અમિત શાહે નરેન્દ્ર મોદીની મદદ કરી. ગુજરાતના દિગ્ગજ નેતાઓને પછાડવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી અને મોદી માટે અમિત શાહ ખબરી બન્યા.

13 કેશુબાપા અને વાઘેલાની જાસૂસી

13 કેશુબાપા અને વાઘેલાની જાસૂસી


કેશુભાઇ પટેલે એક સમયે સ્વીકાર્યું હતું કે નરેન્દ્ર મોદી માટે અમિત શાહ તેમની જાસૂસી કરતા હતા. મોદીએ અમિત શાહને કેશુભાઇ પટેલ પાસે મોકલ્યા, વાધેલા પાસે પણ મોકલ્યા, છેવટે મોદીની જાસૂસી ઉઘાડી પડી. જેના પગલે સંજય જોશી અને કેશુ બાપાએ તેમને સજાના ભાગરૂપે વનવાસ કરવા દિલ્હી મોકલ્યા.

14 મોદી માટે કામ કરતા રહ્યા

14 મોદી માટે કામ કરતા રહ્યા


નરેન્દ્ર મોદી દિલ્હી હતા ત્યારે પણ ગુજરાતની દરેક રાજકીય હિલચાલ પર અમિત શાહ નજર રાખી રહ્યા હતા અને તેની વિગતો નરેન્દ્ર મોદીને પહોંચાડતા હતા.

15 નરેન્દ્ર મોદીની ઇચ્છા પૂરી કરી

15 નરેન્દ્ર મોદીની ઇચ્છા પૂરી કરી


આ સરસામાં કુદરતે સાથ આપ્યો અને નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી બનવાની ઇચ્છા પુરી થઇ. ગુજરાતમાં વર્ષ 2001માં ભૂકંપ આવ્યો, કેશુભાઇ મદદ પહોંચાડવામાં નબળા સાબિત થયા. ભાજપના મોવડી મંડળે તેમને રાજીનામુ મૂકવા જણાવ્યું. કેશુબાપાએ ગાંધીનગરની ગાદી છોડવી પડી અને દિલ્હીથી નરેન્દ્ર મોદીને ગાંધીનગર મોકલવામાં આવ્યા અને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

16 અમિત શાહ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા

16 અમિત શાહ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા


આ સમય દરમિયાન અમિત શાહ 1997થી સતત પાંચ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટાયા છે. મોદીએ 2003માં અમિત શાહને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી બનાવ્યા.

17 કલંક લાગ્યા

17 કલંક લાગ્યા


જોકે રાજકીય જીવનમાં કોઇ કંલકથી દૂર રહી શકતું નથી. તેમ અમિત શાહ ઉપર પણ 26 નવેમ્બર 2005ના રોજ ગાંધીનગરની પાસે થયેલા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલાએ કલંકનો ડાગ લગાવ્યો.

18 ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ

18 ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ


ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં હજી કોંગ્રેસનું વર્ચસ્વ હતું. અમિત શાહે પોતાની સૂઝ બૂઝથી નરહરિ અમીનને દૂર કર્યા અને નરેન્દ્ર મોદીને અધ્યક્ષ બનાવ્યા અને પોતે ઉપાધ્યક્ષ બન્યા. બાદમાં મોદીએ તેમને જીસીએના અધ્યક્ષ બનાવ્યા હતા.

19 લોકસભા ચૂંટણી 2014

19 લોકસભા ચૂંટણી 2014


અમિત શાહને સોહરાબુદ્દીન કેસમાં ત્રણ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. તેમનું ગૃહ મંત્રીનું પદ ચાલ્યું ગયું હતું. આ સમયે નરેન્દ્ર મોદીએ તેમને પૂરો સહકાર આપ્યો હતો. લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તેમને ફરી નવો પડકાર આપ્યો. આ પડકારને પચાવીને શાહની આગેવાનીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં 80માંથી 51 બેઠકોની અકલ્પનીય જીત મેળવી.

20 ગુજરાતના મુખ્યમંત્રી નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

20 ગુજરાતના મુખ્યમંત્રી નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ


નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા જ તેમના નજીકના ગણાતા અમિત શાહને પણ મહત્વનું પદ મળશે તેમ માનવામાં આવતું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી બનવા અંગે તેમનું નામ ચર્ચામાં હતું. જો કે નરેન્દ્ર મોદીએ તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી મિત્રતાની ભેટ આપી છે.

English summary
Narendra Modi's close Amit Shah : How become BJP's strategy power house from worker.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X