ગાંધીનગર, 16 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની પવિત્ર બેઠક મનાતી વારાણસીથી લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. આ અંગેની જાહેરાત ભાજપે ગઇકાલે કરેલી બેઠક બાદ કરી દીધી છે. મોદીનું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાતા મોદીએ ટ્વિટ કરીને પાર્ટીનો આભાર પણ માન્યો છે.
શનિવારે ભાજપની સંસદીય બેઠક આખો દિવસ ચાલી હતી, ત્યારબાદ ઉત્તર પ્રદેશની તમામ 62 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા હતા, જેમાં પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે. અત્રે નોંધનીય છે કે આ બેઠક પરથી ભાજપના પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશી ચૂંટણી લડતા આવ્યા છે. જોકે તેમને આ વખતે અહીંથી ઉઠાવીને કાનપુર મૂકી દેવામાં આવ્યા છે. જોકે આ અંગે જોશી નારાજ પણ હતા પરંતુ બાદમાં બધું હેમખેમ થઇ ગયું.
જો વિરોધીઓની વાત કરીએ તો મોદીને ટક્કર આપવાનું એલાન સપાના ધારાસભ્ય અતીક અહમદ કરી ચૂક્યા છે, જે હાલ જેલમાં છે. તેમણે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો મોદી વારાણસથી ચૂંટણી લડશે તો તેઓ પણ ત્યાંથી જ ચૂંટણી લડશે. મોદીને ટીકીટને લઇને જે મોડુ થયું છે તેનાથી ભાજપને થોડુક નુક્શાન થયું છે. ટીકીટને લઇને મોડું કરવામાં આવતા વિપક્ષી દળોએ જનતા વચ્ચે એ ખબર ફેલાવી દીધી છે કે મોદી યુપીની બેઠક પરથી લડતા ડરે છે. Grateful to the Party for giving me opportunity to contest the election from the holy city of Varanasi! An honour to contest from Varanasi.
— Narendra Modi (@narendramodi) March 15, 2014
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રહસ્ય પરથી આજે પડદો ઉચકાઇ ગયો છે અને એવી જાહેરાત કરી દેવામાં આવી છે કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની ધાર્મિક સંસદીય બેઠક વારાણસીથી લોકસભાની ચૂંટણી લડીને દિલ્હીની ગાદી પર બિરાજશે. મોદીને આ બેઠક ફાળવતા જ તેમણે ટ્વિટ કરીને પાર્ટીનો આભાર માન્યો છે અને જણાવ્યું છે કે 'હું પાર્ટીનો આભારી છું કે મને વારાણસી જેવા પવિત્ર શહેરથી ચૂંટણી લડવાની તક આપી. વારાણસીથી ચૂંટણી લડવી મારા માટે ગર્વની વાત છે.'