Nitish Kumar: નીતિશ કુમારની એક સીટ-એક ઉમેદવારની ફૉર્મ્યુલા કેટલી કારગત નીવડશે?
Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ સામે એક સીટ-એક ઉમેદવાર(ઓએસઓસી)ની ફૉર્મ્યુલા આપી છે. જે મુજબ આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષ ભાજપ સામે એક થવા માંગે છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં વિપક્ષ વર્ષ 1977 અને 1989ની જેમ એક થઈને ભાજપને હરાવવા માંગે છે. જો કે, ઘણા રાજ્યોમાં આ ફૉર્મ્યુલા ધરાતલ પર લાવવી એટલી સરળ નથી.

ભાજપ સામે એક જ વિપક્ષ મુખ્ય હરીફ હોય તેવા રાજ્યોમાં આ ફૉર્મ્યુલા ચાલી શકે છે. પરંતુ જે રાજ્યોમાં ભાજપ સિવાય એકથી વધુ વિપક્ષી દળોનો પ્રભાવ હોય અને જ્યાં ભાજપ ઉપરાંત વિપક્ષી દળો જ એકબીજાના હરીફ હોય ત્યાં આ ફૉર્મ્યુલા લાગુ કરવી મુશ્કેલ બની રહે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં ભાજપનુ હરીફ એકમાત્ર કોંગ્રેસ જ છે. વળી, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, આસામ અને ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસના આ રાજ્યોમાં મુખ્ય રીતે પ્રભાવી પક્ષો સાથે સારી સંમતિ છે. માટે આ રાજ્યોમાં આ ફૉર્મ્યુલા સફળ થઈ શકે છે.
જો કે, કેરળ, કર્ણાટક, તેલંગાના, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્લી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં આ ફૉર્મ્યુલાને લાગુ કરવાનુ મુશ્કેલ રહેશે. કેરળમાં ડાબેરી પક્ષોની મુખ્ય હરીફ કોંગ્રેસ છે. તેલંગાનામાં બીઆરએસ અને કોંગ્રેસ, પંજાબમાં આપ અને કોંગ્રેસ જ મુખ્ય હરીફ છે.
કર્ણાટકમાં કોંગ્રેસ ઉપરાંત જેડીએસ, આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ સિવાય ટીડીપી પણ પ્રભાવી છે. જમ્મુ-કાશ્મીરમાં એનસીપી-પીડીપી એકબીજાના કટ્ટર હરીફ છે. હરિયાણામાં કોંગ્રેસ ઉપરાંત ઈનેલો અને આપ જેવા પક્ષ પ્રભાવી છે. અહીં એક સીટ પર એક ઉમેદવાર નક્કી કરવાનુ કામ અઘરુ છે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીને હાલમાં જ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. પંજાબમાં સરકાર બનાવવા સાથે ગુજરાતમાં પ્રભાવ પણ વધ્યો છે. આ સ્થિતિમાં પંજાબ, દિલ્લી, ગુજરાત અને હરિયાણામાં શું આપ અને કોંગ્રેસ એકબીજા માટે જતુ કરશે?
વળી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ રાજકીય મહત્વાકાંક્ષા મોટી છે. ટીએમસી પણ કોંગ્રેસના પ્રભાવવાળા રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરવામાં લાગી છે. હવે જોવાનુ એ રહેશે કે કોણ એકબીજા માટે સીટ જતી કરશે. વળી, કેસીઆર અને નવીન પટનાયક સાથે પણ આ જ સ્થિતિ છે.












Click it and Unblock the Notifications
