NDAનો હિસ્સો ક્યારેય નહીં બને NCP : ઉદ્ધવ ઠાકરે
મુંબઇ, 31 માર્ચ : શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે લોકસભા ચૂંટણી 2014 પહેલા કે પછી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેશનલ ડેમોક્રેટિક અલાઇન્સ (એનડીએ)નો ભાગ કર્યારેય બની શકશે નહીં.
ઠાકરેએ જણાવ્યું કે અવાર નવાર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કરી રહેલા એનસીપી પ્રમુખ શરદ પવાર ચૂંટણી પહેલા અને પછી પોતાના પક્ષની સલામતીના તમામ દરવાજાઓ ખુલ્લા રાખવા માંગે છે. જેથી ચૂંટણી પછીનો વાયરો જે દિશામાં ફૂંકાય તે દિશામાં આગળ વધી શકાય. લાગી રહ્યું છે કે સારા પરિણામ આવે તો તેઓ એનડીએ સાથે જોડાવા ઇચ્છી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ગોપીદાસ મુંડે, રામદાસ આઠવલે, રાજુ શેટ્ટી, હું સ્વયં અને અન્યો તેનો સખત વિરોધ કરી રહ્યા છીએ.આ કારણે તેમનું સ્વપ્ન ચૂંટણી પહેલા જ તૂટી જશે.આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ દાખવ્યો હતો કે ચૂંટણી બાદ એનડીએને કોઇના સમર્થનની જરૂર રહેશે નહીં. ખાસ કરીને એનસીપી.
શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે એનસીપીની સામે લોકોમાં રોષ છે. તેમના એક પણ સાંસદ આ વખતે ચૂંટાઇ આવશે નહીં. આમ છતાં ચાર પાંચ ચૂંટાઇ આવશે તો પણ અમે તેમની મદદ લેશું નહીં. આમ કરીને અમે જનતાની પીઠમાં ખંજર ભોંકવા માંગતા નથી.
ઉદ્ધવે જણાવ્યું કે મુંબઇ અને મહારાષ્ટ્રમાંથી કેન્દ્રના ખિસ્સામાં 40 ટકા જેટલી આવક થાય છે. તેના બદલામાં રાજ્યને ઠેંગો મળે છે. શિવસેનાના ઉમેદવારો ચૂંટાશે તો પાર્ટી મહારાષ્ટ્રને મહત્તમ ફાયદો અપાવશે. તેમણે મનમોહન સિંહ અંગે જણાવ્યું કે તેઓ સોથી નબળા વડાપ્રધાન છે. તેમને આપણે 10 વર્ષ સુધી સહન કર્યા છે.












Click it and Unblock the Notifications
