For Quick Alerts
For Daily Alerts
હવે જ્ઞાનપીઠ પુરસ્કારમાં રૂ. 11 લાખની રાશિ અપાશે
નવી દિલ્હી, 14 ઑક્ટોબર : ભારતના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કારની રકમ રૂપિયા 7 લાખથી વધારીને રૂપિયા 11 લાખ કરવામાં આવી છે. જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્દેશક રવિન્દ્ર કાલિયાએ જણાવ્યું કે ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના વર્ષ 1944માં થઇ હતી. જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત વર્ષ 1965માં કરવામાં આવી હતી.
પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ કૃતિ 'ઓટક્કુષલ' માટે સાહિત્યકાર ગોવિંદ શંકર કુરૂપને આપવામાં આવ્યો હતો. પ્રારંભમાં નાનકડી રકમ સાથે શરૂ કરવામાં આવેલો પુરસ્કાર સમય જતાં રૂપિયા 5 લાખ અને છેલ્લે રૂ. સાત લાખ થઇ ગયો હતો.
બેલગામમાં 46મો જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ લેખક ચંદ્રશેખર કંબરને આપતા સમયે પોતાના ભાષણમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વ્યવસ્થાપનના ટ્રસ્ટી આલોક જૈને જણાવ્યું કે આવતા વર્ષે આ પુરસ્કારની રકમ વધારીને રૂપિયા 11 લાખ કરવામાં આવશે.
બીજી મહત્વની બાબત એ છે કે ટાઇ થતા અગાઉની જેમ પુરસ્કારની રકમ અડધી અડધી આપવાને બદલે બંને પુરસ્કાર વિજેતાઓને પૂરેપૂરી રકમ આપવામાં આવશે. ભારતીય ભાષાઓ માટે આપવામાં આવતો સાહિત્યિક પુરસ્કાર ભારતમાં સૌથી વધારે રકમવાળો પુરસ્કાર બન્યો છે.