Pahalgam Terror Attack : કોણ છે પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ટ હાશિમ મૂસા? ઘણા હુમલામાં હતો સામેલ
Pahalgam Terror Attack : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પાછળ એક મોટું નામ સામે આવ્યું છે.
ગુપ્તચર એજન્સીઓના હવાલાથી મળતી માહિતી અનુસાર, આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મૂસા છે, જે પહેલાં પાકિસ્તાન આર્મીની સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ (SSG)માં કમાન્ડર તરીકે કામ કરતો હતો. હાલ તે આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા (LET) સાથે જોડાયેલો છે.

હાશિમ મૂસા એક ટ્રેન્ડ અને અનુભવી પેરા કમાન્ડો છે. કહેવાય છે કે તે ખાસ મિશનો માટે ટ્રેન્ડ છે અને આધુનિક હથિયારો ચલાવવામાં નિપુણ છે.
ગુપ્તચર એજન્સીઓ અનુસાર, પાકિસ્તાની આર્મી દ્વારા હાશિમ મૂસાને સેનામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે લશ્કર-એ-તોઇબા સાથે જોડાઈને આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર, હાશિમ મૂસાએ સપ્ટેમ્બર 2023માં ભારતમાં ઘૂસણખોરી કરી હતી. તે મુખ્યત્વે કાશ્મીરના બડગામ જિલ્લામાં સક્રિય રહ્યો હતો. લશ્કર દ્વારા તેને ખાસ કરીને પહેલગામ હુમલા માટે જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવ્યો હતો.
મૂસા પર પહેલાના ઘણાં હુમલાઓમાં સામેલ હોવાનો આરોપ છે. ખાસ કરીને ઓક્ટોબર 2024માં ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં થયેલા હુમલામાં તેની ભૂમિકા સામે આવી છે. એ હુમલામાં ઘણા શ્રમિકો અને એક સ્થાનિક ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી.
આટલું જ નહીં, બારામૂલા હુમલામાં પણ હાશિમ મૂસાનું નામ જોડાયું છે, જ્યાં ભારતીય સેનાના બે જવાનો અને અન્ય બે નાગરિકોનું મૃત્યુ થયું હતું.
હાશિમ મૂસાની ઓળખ કાશ્મીરમાંથી પકડાયેલા 14 ઓવરગ્રાઉન્ડ વર્કરો (OGW)ના નિવેદન પરથી થઈ છે. આ ઓવરગ્રાઉન્ડ વર્કરો ઉપર આરોપ છે કે તે પાકિસ્તાની આતંકીઓને મદદ કરતા હુમલાના સ્થળ વિશે માહિતી આપતા હતા.
સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનની SSG બટાલિયનના કેટલાક સભ્યો આતંકી સંગઠનો સાથે જોડાઈને કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યાં છે. હાશિમ મૂસા પણ એ જ રણનીતિનો ભાગ હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
