PM મોદીએ દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના સિકર ખાતેથી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુરિયા ગોલ્ડ- સલ્ફર કોટેડ યુરિયાનો શુભારંભ કરાવી પીએમ કિસાન યોજના હેઠળ દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 14 મી વખત રૂપિયા 17,500 કરોડ DBT ના માધ્યમથી ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવિણ માળીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિક મુખ્ય સચિવ અને GNFCના એમડી પંકજ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વીરોની ભૂમિ રાજસ્થાનની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 17,500 કરોડ DBT ના માધ્યમથી ટ્રાન્સફર કરાવામાં આવ્યા છે અને 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ નક્કી કરશે.
પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પરથી ખેડૂતોને વિવિધ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહેશે તથા આ કેન્દ્રો ખેડૂતોને સરકારી યોજનાની જાણકારી પણ આપશે. તેમણે જણાવ્યું હતું કે, જેમ બહેનોને કંઇ ન ખરીદવું હોય તો પણ સાડીની દુકાનની મુલાકાતો લે છે, તેવી જ રીતે ખેડૂતોએ પણ કંઈ ન ખરીદવું હોય તો પણ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની મુલાકાત લેવી જોઈએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણા દેશના ખેડૂતો માટીમાંથી સોનુ પકવે છે. તેમને મદદ કરવા માટે આઝાદીના 75 વર્ષ બાદ ખેડૂતોના દુ:ખ, દર્દ સમજવાવાળી સરકાર આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ આજદિન સુધી 2,60,000 કરોડ રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સસ્તા ભાવે યુરિયા ખાતર મળે એ માટે સરકાર કરોડો રૂપિયાની સબસીડી આપે છે. એટલે દુનિયામાં સૌથી સસ્તુ યુરિયા ભારતના ખેડૂતોને એક બોરી 266 મળે છે. જયારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન વગેરે દેશોમાં યુરિયા રૂપિયા 300 થી 900 ની કિંમતે મળે છે અને અમેરિકામાં એ જ યુરિયાની બોરી રૂપિયા 3000માં મળે છે. કેન્દ્ર સરકારની મુહિમના લીધે દેશ અને દુનિયામાં જાડા અનાજની માંગ વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગામડાઓના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભારતનો વિકાસ ત્યારે જ થશે, જ્યારે ભારતના ગામડાઓનો વિકાસ થશે. આજે ગામડાઓમાં આરોગ્ય સુવિધા સહિત તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. આજે દેશમાં મેડિકલ કોલેજની સંખ્યા 700 થી વધુ થઇ છે. જેમાં ભણી- ગણીને ગામડાના ગરીબ ઘરના દીકરા-દીકરીઓ ડૉક્ટર્સ બની રહ્યા છે. ગરીબના દીકરા- દીકરીઓ પણ ડૉક્ટર બને તે માટે મેડિકલ શિક્ષણ માતૃભાષામાં આપવાની શરૂઆત કરવામાં આવી છે. આદિવાસી દીકરા-દીકરીઓ માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ ડીસા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બિરદવાતા જણાવ્યું હતું કે, આ જિલ્લાના ખેડૂતોએ વડપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલને ઝીલી લઇ સૌપ્રથમ ડ્રીપ અને સ્પ્રીક્લર પદ્ધતિ અપનાવી છે. જેના લીધે ખેતીમાં પાણીની બચત થાય છે.
તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, બટાકાનું હબ ગણાતા ડીસાના બટાકાની આજે 56 દેશોમાં નિકાસ થાય છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી વડે ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ માટે પોતાની એફપીઓ કંપની બનાવીને વિવિધ પ્રોડક્ટ બનાવીને પણ વેચી શકે છે. જેનાથી ખેતી પાકોની ખુબ સારી આવક મેળવી શકાશે.
અધિક મુખ્ય સચિવ અને GNFC ના એમડી પંકજ જોષીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને સાકાર કરવા માટે દેશભરમાં 3.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે. જે પૈકી આજે વડાપ્રધાને દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે.
પંકજ જોષીએ જણાવ્યું કે, ડીસા ખાતે શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં ખાતર, બિયારણ, દવાઓ સહિત જમીનની ચકાસણી અંગેના કાર્યો કરવામાં આવશે. ગુજરાતના ખેડૂતોને ખાતરની અછત ન પડે તે માટે GNFC દ્વારા 6.50 લાખ મેટ્રીક ટન યુરિયા ખાતરનું ઉત્પાદન કરીને 75 ટકા ખાતર ગુજરાતના ખેડૂતોને પુરૂ પાડવામાં આવે છે.
પંકજ જોષીએ જણાવ્યું હતું કે, યુરિયા ખાતર બોરીની જગ્યાએ હવે નેનો યુરિયાનો વિકલ્પ આવી ગયો છે, ત્યારે ખેડૂતો આ ખાતરનો ઉપયોગ કરી શકે છે. ખેડૂતોને સરળતાથી ખાતર ઉપલબ્ધ થાય તે માટે નીમ કોટેડ યુરિયા બાદ આજથી સલ્ફર કોટેડ યુરિયાની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે GNFC ના જુલાઇ-2023ના માસિક અંક નર્મદા કિસાન પરિવાર પત્ર- નેનો યુરિયા વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકર અને માવજી દેસાઈ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, ખેતી નિયામક એચ. જે. સોલંકી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી, ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ હિતેશ પટેલ, અગ્રણીઓ કનુ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ, ફલજી ચૌધરી, ટી. પી. રાજપૂત, GNFCના ચીફ માર્કેટિંગ મેનેજર જી. કે. પટેલ સહિત ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
