
પ્રધાનમંત્રી મોદીએ 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન'ની સુવિધા કરી જાહેર, જાણો સ્ટાઈપેન્ડ અને છાત્રોને કેટલા મળશે
નવી દિલ્લીઃ દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સોમવાર(30 મે)ના રોજ 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' યોજના હેઠળ અપાતી સુવિધાઓને જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રનના માધ્યમથી તમને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યુ છે. આનાથી 5 લાખ સુધીના ઈલાજની મફત સુવિધા પણ તમને બધા બાળકોને મળશે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યુ, 'બાળકો જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો કરી લેશે તો તેમને આગળ અભ્યાસ માટે વધુ રુપિયાની જરુર પડશે ત્યારે તેના માટે 18 વર્ષથી 23 વર્ષ સુધીના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે. જ્યારે તે 23 વર્ષના થશે ત્યારે 10 લાખ રુપિયા તમને એકસાથે મળશે.'

દર મહિને ચાર હજાર રુપિયા પણ આપવામાં આવશેઃ પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'અન્ય દૈનિક જરૂરિયાતો માટે અન્ય યોજનાઓ દ્વારા તેમના માટે દર મહિને 4 હજાર રૂપિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'હું બાળકો સાથે પીએમ તરીકે નહિ પરંતુ તમારા પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છુ. હું આજે બાળકોની વચ્ચે રહીને ખૂબ જ રાહત અનુભવુ છુ. પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન એ વાતનુ પ્રતિબિંબ છે કે દરેક દેશવાસી અત્યંત સંવેદનશીલતા સાથે તમારી સાથે છે.'

જાણો 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન'માં શું-શું સુવિધાઓ છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાળકો માટે PM CARES યોજના હેઠળ ઘણી સુવિધાઓ બહાર પાડી. જેમાં આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની પાસબુક અને હેલ્થ કાર્ડનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોત્સાહનો કાર્યક્રમ દરમિયાન બાળકોને આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર આ યોજનાનો ઉદ્દેશ્ય બાળકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડીને શિક્ષણ અને શિષ્યવૃત્તિ દ્વારા તેમનુ સશક્તિકરણ કરીને અને નાણાકીય સહાય સાથે સ્વ-ટકાઉ અસ્તિત્વ માટે સજ્જ કરીને તેમની વ્યાપક સંભાળ અને રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. 23 વર્ષની ઉંમરે પહોંચવા પર અને સ્વાસ્થ્ય વીમા દ્વારા તેમના સ્વાસ્થ્યની ખાતરી કરવા પર 10 લાખ રુપિયા મળશે.

ક્યારે થઈ હતી આ યોજનાની શરુઆત
11 માર્ચ, 2020થી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન કોરોના મહામારીમાં પોતાના માતા-પિતા અથવા કાયદાકીય વાલી અથવા દત્તક માતા-પિતા અથવા બચી ગયેલા માતા-પિતા બંનેને ગુમાવનારા બાળકોના સમર્થન માટે વડા પ્રધાન દ્વારા ગયા વર્ષે 29મી મેના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. બાળકોની નોંધણી માટે સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ હતુ. પોર્ટલ એ સિંગલ વિન્ડો સિસ્ટમ છે જે બાળકો માટે મંજૂરીની પ્રક્રિયા અને અન્ય તમામ સપોર્ટની સુવિધા આપે છે.