IndiGo Crisis: ફ્લાઇટ સંકટ વચ્ચે PM મોદીએ આપી વોર્નિંગ, કહ્યું- 'જનતા પરેશાન ન થાય, સિસ્ટમ તાત્કાલિક સુધારો'
PM Modi Statemen On IndiGo Crisis: દેશની સૌથી મોટી એરલાઇન IndiGoમાં સતત ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો ફસાયા, PM નરેન્દ્ર મોદીએ NDA સાંસદોની બેઠકમાં તાત્કાલિક સિસ્ટમ સુધારવા અને મુસાફરોની પરેશાની દૂર કરવા કડક નિર્દેશ આપ્યો. DGCAએ IndiGoના શેડ્યૂલને 5% સુધી ઘટાડવાનો આદેશ આપ્યો.

દેશની સૌથી મોટી એરલાઇન IndiGo હાલમાં ભારે અવ્યવસ્થાના દોર માંથી પસાર થઈ રહી છે. સતત ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. આ ગંભીર સંકટ વચ્ચે મંગળવાર, 9 ડિસેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીએ NDA સાંસદોની બેઠકમાં કડક સંદેશ આપ્યો હતો.
PM મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, કોઈ પણ ભોગે મુસાફરોને પરેશાની ન થવી જોઈએ અને સિસ્ટમ સુધારવાના નામે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડવી જોઈએ.
PM મોદીએ આપી વોર્નિંગ: 'લોકો પરેશાન ન થાય'
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ બેઠક બાદ જણાવ્યું કે, વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે, નિયમ-કાયદા પોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ સિસ્ટમ સુધારવાની પ્રક્રિયામાં સામાન્ય લોકોને તકલીફ ન થવી જોઈએ. લોકો પરેશાન ન થાય, તે સરકારની પ્રાથમિકતા છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આજે લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ IndiGo સંકટ પર વિસ્તૃત જવાબ આપવાના છે.
9 ડિસેમ્બરે 300 ફ્લાઇટ્સ રદ
IndiGoનું ઓપરેશનલ સંકટ મંગળવારે ચરમસીમા પર જોવા મળ્યું. છેલ્લા 7 દિવસમાં IndiGoએ 4,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે એરપોર્ટ્સ પર અફરાતફરીનો માહોલ છે.
રદ થયેલી ફ્લાઇટ્સ (9 ડિસેમ્બર): બેંગલુરુથી 121, હૈદરાબાદથી 58, ચેન્નાઈથી 41 અને કેરળથી 4 ફ્લાઇટ્સ રદ થઈ.
DGCAની મોટી કાર્યવાહી: શેડ્યૂલ ઘટાડવાનો આદેશ
સતત અવ્યવસ્થા અને ફ્લાઇટ કેન્સલેશન બાદ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ IndiGoને કડક નિર્દેશો આપ્યા છે.
- DGCAએ જણાવ્યું કે, IndiGo નિર્ધારિત શેડ્યૂલનું સંચાલન કરવામાં નિષ્ફળ રહી છે.
- એરલાઇનને 5% સુધી શેડ્યૂલ ઘટાડવાનો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે.
- IndiGoને 10 ડિસેમ્બર, સાંજે 5 વાગ્યા સુધીમાં સુધારેલું શેડ્યૂલ જમા કરાવવું પડશે. આ આદેશ બાદ ઘણા રૂટ્સ પર IndiGoના સ્લોટ હટાવીને અન્ય ઓપરેટરોને આપવામાં આવી શકે છે.
IndiGoની હાલત કેમ બગડી?
સૂત્રો અને એવિએશન નિષ્ણાતોના મતે, તાજેતરની અવ્યવસ્થા પાછળ ઘણા કારણોનું સંયોજન છે.
- પાઇલટ અને કેબિન ક્રૂની અચાનક ઓછી ઉપલબ્ધતા.
- ક્રૂ શેડ્યુલિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી.
- વરસાદ, ધુમ્મસ અને ઓછા વિઝિબિલિટી જેવા હવામાન સંબંધી પરિબળો.
- વિમાનોના જાળવણીમાં વિલંબ અને ઓવર-શેડ્યૂલ્ડ નેટવર્ક.
PM મોદીના હસ્તક્ષેપ બાદ આશા છે કે એરલાઇન પર કડક દેખરેખ વધશે અને મુસાફરોની મુશ્કેલીઓ દૂર થશે.












Click it and Unblock the Notifications
