
આશિર્વાદ યોજના માટે પંજાબ સરકારે પોર્ટલ શરૂ કર્યુ, આ રીતે અરજી કરી શકાશે
પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક મોટા સુધારાઓ કરી રહી છે. હવે પંજાબ સરકારે આશિર્વાદ યોજનાને સંપુર્ણ રીતે ઓનલાઈન કરવાની જાહેરાત કરી છે. પંજાબ સરકારની આશિર્વાદ યોજના પહેલી જાન્યુઆરીથી સંપુર્ણ ઓનલાઈન થઈ જશે. આ યોજના ઓનલાઈન થવાથી લાભાર્થીઓને સરકારી ઓફિસોના ચક્કરમાંથી છુટકારો મળશે. હાલ પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
પંજાબ સરકારે આ યોજના માટે એક પોર્ટલ લોંચ કર્યુ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આશીર્વાદ યોજના માટે પોર્ટલ https://ashirwad.punjab.gov.in શરૂ કરાયુ છે. લાભાર્થીઓએ અહીં જ અરજી સાથે તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ પોર્ટલ પર અરજી ક્યાં પહોંચી તેની વિગત પણ મળતી રહેશે.
હવે અરજી પોર્ટલ પર ઓનલાઈન થતા અરજદારે અરજીમાં રહેલી ખામીઓ પણ ઓનલાઈન જ દૂર કરવાની રહેશે. વિભાગ 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ લઈ રહ્યું છે. 1 જાન્યુઆરી 2023 થી ઓફિસમાં કોઈ ઑફલાઇન અરજી સબમિટ કરવાની રહેશે નહીં.
પંજાબ સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના આ પોર્ટલને આશિર્વાદ પોર્ટલ નામ આપવામાં આવ્યુ છે. આ બાબતે વાત કરતા જાલંધરના ડેપ્યુટી કમિશનર જસપ્રીત સિંહે કહ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે https://ashirwad.punjab.gov.in એક પોર્ટલ શરૂ કર્યું છે, જેનાથી લાભાર્થીઓનો સમય બચશે. તેમણે કહ્યું કે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા આશીર્વાદ યોજનાનો લાભ લેવાથી ઓફલાઈન અરજીઓ સબમિટ કરવામાં આવતી નાની-નાની સમસ્યાઓનું નિરાકરણ આવશે.