રાહુલ ગાંધી આજે આવશે સુરત, કોર્ટના ચૂકાદાને પડકારવા સેશન્સ કોર્ટમાં કરશે અપીલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019ના માનહાનિ કેસમાં સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. હવે આ મોદી સરનેમ માનહાનિ કેસમાં પોતાની બે વર્ષની સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધી આજે સુરત આવશે ગુજરાત હાઈકોર્ટમાં નહિ પરંતુ સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.

રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અપમાન તરીકે જોવામાં આવેલી ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા સુરત સેશન્સ કોર્ટને વિનંતી કરતી અરજી દાખલ કરી શકે છે. સૂત્રોનુ કહેવુ છે કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે પણ માંગશે, જે તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરશે.
રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ - અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને સુખવિંદર સિંહ સુખુ સાથે સુરતની મુલાકાત લેશે. કોર્ટમાં હાજર થતા પહેલા રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીને પણ મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યુ હતુ, જે બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. જો કે, કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા અને તેમની સજા 30 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી જેથી તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક મળે.
નોંધનીય છે કે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે બધા ચોરોની અટક મોદી કેમ છે. રાહુલના આ નિવેદન સામે પૂર્ણેશ મોદીએ કેસ દાખલ કર્યો હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ આ કેસમાં રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી.
ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટના નિર્ણયને સક્રિયપણે પડકાર્યો ન હતો કારણ કે પાર્ટી કર્ણાટક ચૂંટણીમાં આ મુદ્દાને રોકડ કરવા માંગતી હતી. તે અંગે પણ સવાલો ઉભા થયા હતા કે જ્યારે પવન ખેડાની ધરપકડ કરવામાં આવી ત્યારે કોંગ્રેસની લીગલ ટીમ તરત જ એક્શનમાં આવી હતી પરંતુ રાહુલ ગાંધીના કિસ્સામાં આવુ કરવામાં આવ્યુ નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ હતુ કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે.
રાહુલ ગાંધી પર એવુ પણ જોખમ તોળાઈ રહ્યુ છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. જો રાહુલ ગાંધીની સજા પૂરી નહીં થાય અથવા ઓછી કરવામાં નહીં આવે તો તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. કાયદા અનુસાર, જો સાંસદ દોષિત ઠરે તો તે જેલમાંથી બહાર આવ્યા બાદ ઓછામાં ઓછા 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહીં. નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે પાર્ટીને વિશ્વાસ છે કે રાહુલ ગાંધીની સજા સસ્પેન્ડ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
