For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાકેશ ટિકૈત : એક પોલીસકર્મીથી ખેડૂતનેતા અને અડગ આંદોલનકારી સુધીની સફર

રાકેશ ટિકૈત : એક પોલીસકર્મીથી ખેડૂતનેતા અને અડગ આંદોલનકારી સુધીની સફર

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
રાકેશ ટિકૈત જ્યારે રડી પડ્યા

26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીના દરમિયાન અનેક સ્થળોએ હિંસાના બનાવો બન્યા હતા. પ્રદર્શનકારીઓ પૈકી કેટલાકે લાલ કિલ્લા પર ધાર્મિક અને અન્ય ધ્વજ ફરકાવ્યા, જે બાદ ખેડૂત આંદોલનના નેતાઓની નેતાગીરી સામે સવાલ ઊભા થવા લાગ્યા અને તેમના પર લોકોની ઉશ્કેરણી કરવાના આરોપો લાગવા લાગ્યા.

આ ઘટનાને પગલે ઘણા નિષ્ણાતો માની રહ્યા હતા કે હવે ખેડૂત આંદોલન નબળું પડી જશે. પરંતુ ગુરુવારે સાંજે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો એક વીડિયો ફરતો થયો. જેમાં તેઓ નિ:સહાય અનુભવી રડી પડ્યા હતા.

આ વીડિયો વાઇરલ થતાં દિલ્હીની ગાઝીપુર સરહદેથી બધું સમેટીને ગામભેગા થવા નીકળેલા ખેડૂત પ્રદર્શનકારીઓ રોકાઈ ગયા અને તેમનામાં નવા જુસ્સાનો સંચાર થયો હોવાના અહેવાલો આવવા લાગ્યા.

રાકેશ ટિકૈતના આ વીડિયોએ મંદ બની રહેલા ખેડૂત આંદોલનને ફરી ખડેપગ કરી દીધું. તેમના વીડિયોની ઇમોશનલ અપીલને કારણે ન માત્ર પ્રદર્શનકારીઓ સીમા પર અડગ રહ્યા પરંતુ વધુ સંખ્યામાં સાથે જોડાવવાનો નિર્ધાર પણ હવે વ્યક્ત થવા લાગ્યો છે.

જ્યારથી ખેડૂતો પોતાની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારથી કેટલાક મહત્ત્વના ખેડૂત નેતાઓમાં રાકેશ ટિકૈતનું નામ આગળ પડતું રહ્યું છે.

અને હવે તેમનો વીડિયો વાઇરલ થતાં તેઓ સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગયા છે. આ અહેવાલમાં આપણે ઉત્તર પ્રદેશના આ ખેડૂત નેતા વિશે વધુ વિગતો મેળવીશું.


કોણ છે રાકેશ ટિકૈત?

રાકેશ ટિકૈત

52 વર્ષીય રાકેશ ટિકૈત ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

નવભારત ટાઇમ્સના એક અહેવાલ અનુસાર તેમણે સર તાશી નામગ્યાલ હાઈસ્કૂલથી પોતાનું શાળાકીય ભણતર પૂરું કર્યું. તેમજ સ્નાતક કક્ષાનું ભણતર ઉત્તર પ્રદેશથી પૂરું કર્યું છે. આ ઉપરાંત તેમણે મેરઠ યુનિવર્સિટીથી એમ. એ. અને એલએલ. બી. સુધીનો અભ્યાસ કર્યો.

અહેવાલ પ્રમાણે તેઓ દિલ્હી પોલીસમાં કૉન્સ્ટેબલ હતા.


પ્રભાવશાળી પિતાના પુત્ર

ધ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના નેતા મહેન્દ્ર સિંઘ ટિકૈતના નાના પુત્ર છે. રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંઘ ટિકૈત ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહ બાદ ભારતના સૌથી મોટા ખેડૂત નેતા હતા.

અહેવાલમાં લખાયું છે કે મહેન્દ્ર સિંઘ ટિકૈતની આગેવાનીમાં ઘણી વાર રાજ્ય અને કેન્દ્ર સરકારોએ ખેડૂતોની માગણી આગળ શીશ ઝુકાવવું પડ્યું છે.

ભારતીય કિસાન યુનિયનનો પાયો 1987માં નખાયો. જ્યારે વીજળીની કિંમતોને લઈને ખેડૂતોએ શામલી જનપદના કરમુખેડીમાં મહેન્દ્ર સિંઘ ટિકૈતની આગેવાનીમાં એક મોટું આંદોલન કર્યું હતું.

તેમાં બે ખેડૂતોનું પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. ત્યાર બાદ ભારતીય કિસાન યુનિયનનું ગઠન કરાયું અને તેના અધ્યક્ષ ચૌધરી મહેન્દ્ર સિંઘ ટિકૈત બન્યા. તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના ખેડૂતોનાં મનમાં મહેન્દ્ર સિંઘ ટિકૈત માટે ઘણો આદરભાવ હતો.

તેમનાં આંદોલનોમાં ક્યારેય જાતિગત ભેદભાવ જોવા ન મળતો. જોકે, બાદમાં જાટ આરક્ષણને સમર્થન આપવા મુદ્દે અને ઉત્તર પ્રદેશનાં રાજકીય સમીકરણો બદલવા મુદ્દે ટિકૈત કુટુંબની છબિ પર અસર પડી.

અંતે વર્ષ 2011માં રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંઘ ટિકૈતનું કૅન્સરની માંદગીમાં મૃત્યુ થતાં ભારતીય કિસાન યુનિયનનો રાજકીય પ્રભાવ ઘટતો ગયો હોવાનું મનાય છે.


ટિકૈત કુટુંબની છે વિસ્તારમાં પકડ

https://www.youtube.com/watch?v=S5v-NoY28MY

ધ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે ટિકૈત કુટુંબની હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ સમુદાયમાં સારી એવી પકડ છે.

આ સિવાય તેમના સંગઠન ભારતીય કિસાન યુનિયનની મલિક અને દેશવાલ ખાપ પર પણ સારી એવી પકડ છે.

આ સિવાય ટિકૈત કુટુંબ 84 ગામોના બલિયાન ખાપનું નેતૃત્વ કરે છે. આમ રાકેશ ટિકૈત એક પ્રભાવશાલી પિતાના પુત્ર હોવાની સાથોસાથ એક વ્યાપક અસર ધરાવતા કુટુંબના સભ્ય છે.

છોડી પોલીસની નોકરી

નવભારત ટાઇમ્સના એક અહેવાલ અનુસાર 1993-94માં જ્યારે રાકેશ ટિકૈત દિલ્હી પોલીસમાં નોકરી કરી રહ્યા હતા.

તે દરમિયાન જ તેમના પિતાના નેતૃત્વમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું. આંદોલન મોટું થતું જઈ રહ્યું હતું.

કહેવાય છે દિલ્હી પોલીસના અધિકારી જ્યારે એ આંદોલન ખતમ ન કરાવી શક્યા ત્યારે તેમણે રાકેશ ટિકૈત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. આ દબાણના કારણે તેમણે પોલીસની નોકરી જ છોડી દીધી.


પિતાના નિધન બાદ ટિકૈત બંધુઓના હાથમાં આવી સત્તા

https://www.youtube.com/watch?v=3rkII622gcQ&t=9s

દિલ્હી પોલીસમાંથી કૉન્સ્ટેબલ તરીકેની પોતાની નોકરી ત્યાગ્યા બાદ રાકેશ ટિકૈત પણ ખેડૂત યુનિયનમાં સામેલ થઈ ગયા.

પરિવારના નિયમ પ્રમાણે રાકેશ ટિકૈતના મોટા ભાઈ નરેશ ટિકૈતે પિતાના મૃત્ય બાદ ભારતીય કિસાન યુનિયનની સત્તા સંભાળી.

તેઓ આ સંગઠનના પ્રમુખ બન્યા અને રાકેશ ટિકૈત તેના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા. પરંતુ કહેવાય છે કે નરેશ નામમાત્રના જ અધ્યક્ષ છે. સંગઠનની અસલ સત્તા તો રાકેશ ટિકૈત પાસે જ છે.


મુઝફ્ફરનગર કોમી હિંસામાં લાગ્યા આરોપ

https://twitter.com/bbcnewsgujarati/status/1354782026977705985

વર્ષ 2013માં મુઝફ્ફરનગર કોમી હુલ્લડોના કિસ્સામાં રાકેશ ટિકૈત પર ઉશ્કેરણીજનક ભાષણો કરવાનો આરોપ લાગ્યો.

તેમના પર આરોપ હતો કે તેમણે મહાપંચાયત દરમિયાન આ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં. જેની તરત બાદ વિસ્તારમાં હિંસા થઈ હતી. જેમાં 42 મુસ્લિમો અને 20 હિદુઓનાં મૃત્યુ થયાં હતાં.

રાકેશ ટિકૈતે આ આરોપોથી ઇન્કાર કર્યો હતો. જોકે, તેમણે મહાપંચાયતમાં સામેલ થયા હોવાની વાત કબૂલી હતી.

આ બનાવને પગલે તેમણે વિસ્તારના મુસ્લિમ લોકો પર પોતાનો પ્રભાવ સંપૂર્ણપણે ગુમાવી દીધો. બાદમાં તેમની જ જ્ઞાતિના સંજીવ બલિયાં જેવા ભાજપના નેતાઓના આગમનથી વિસ્તારમાં તેમનો પ્રભાવ સીમિત બની ગયો.

રાકેશ ટિકૈતે કિસાન યુનિયન મારફતે રાજકારણમાં આવવાનો પણ પ્રયાસ કર્યો.

તેઓ વર્ષ 2007માં ખતૌલી વિધાનસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા.

બીજી વખતે તેમણે ફરી વાર નસીબ અજમાવ્યું અને વર્ષ 2014માં અમરોહાથી લોકસભાની ચૂંટણીમાં ઊતર્યાં. આ વખત તેમને રાષ્ટ્રીય લોક દલ પાર્ટીની ટિકિટ મળી,પરંતુ બીજી વખત પણ તેમને હાર જ મળી.

ઊંધો પડી જશે વહીવટી તંત્રનો દાવ?

ખેડૂત આંદોલનમાં હિંસા

ગુરુવારે રાકેશ ટિકૈતનો એક વીડિયો ફરતો થયો હતો જેમાં તેઓ રડતાં રડતાં કહેતાં સંભળાય છે કે, “આ સરકાર ખેડૂતોને બરબાદ કરી નાખશે. ભાજપના ગુંડા પોલીસ સાથે આવીને તેમના પર હુમલો કરશે.”

આ વીડિયોમાં તેમને ધ્રુસકે ધ્રુસકે રડતાં જોઈ શકાય છે. આ વીડિયો વાઇરલ થયા બાદ ન માત્ર ગાઝીપુર સીમા પરથી પાછા ફરી રહેલા ખેડૂતો ત્યાં જ રોકાઈ ગયા પરંતુ હવે સમગ્ર આંદોલનમાં જાણે નવો જીવ ફુંકાઈ ગયો હોય તેવું વાતાવરણ સર્જાવા લાગ્યું છે.

સાંજે જ્યાં પોલીસ અને સુરક્ષાદળોની બહુમતી દેખાઈ રહી હતી તે ગાઝીપુર બૉર્ડર પર પોલીસ અને સુરક્ષાદળના જવાનોની સંખ્યા ઘટવા લાગી છે અને ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

બીજી તરફ ભાજપના નેતા કપિલ મિશ્રા અને કેટલાક શાસનતરફી પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર આ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર કરાયેલા નિવેદનોની પણ અવળી અસર થઈ છે. અને એક સમયે જતાં દેખાઈ રહેલા ખેડૂતો ફરીવાર ગાઝીપુર સીમાએ અડગ હોય તેવું ચિત્ર સર્જાયું છે.

ખેડૂત ટ્રૅક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા માટે દિલ્હી પોલીસે રાકેશ ટિકૈત વિરુદ્ધ FIR નોંધી છે. હિંસાને લઈને IPCની કલમ 395, 397, 120 B અને અન્ય કલમો અંતર્ગત FIR નોંધવામાં આવી છે. મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસે હિંસા મામલે ઘણા લોકોની ધરપકડ પણ કરી છે.

આ સિવાય દિલ્હી પોલીસ દ્વારા રાકેશ ટિકૈતને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે તેમના પર નિર્ધારિત રૂટથી અલગ રૂટ પર ખેડૂતોને લઈ જવા મુદ્દે કેમ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે?


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=FcrnwGCflwM

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

https://youtu.be/3rkII622gcQ

English summary
Rakesh Tikait: A journey from a policeman to a farmer and a staunch agitator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X