
એર ઈન્ડિયાની ઘર વાપસી પર ભાવુક થયા રતન ટાટા!
ટાટા સન્સે એર ઇન્ડિયાના વેચાણની બોલી જીતી લીધી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત શુક્રવારે સરકાર દ્વારા કરવામાં આવી હતી. ટાટા સન્સનું એકમ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ એર ઇન્ડિયા માટે 18000 કરોડ રૂપિયા સાથે વિજેતા બિડર હતું. આ સોદો આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
રતન ટાટાએ એર ઇન્ડિયાના ઘરે પરત ફરવા પર 'વેલકમ બેક, એર ઇન્ડિયા' ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં રતન ટાટાની એક નોટ પણ એટેચ છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'ટાટા ગ્રુપે એર ઇન્ડિયા માટે બોલી જીતી છે તે ખૂબ જ સારા સમાચાર છે. તેમાં કોઈ શંકા નથી કે એર ઈન્ડિયાના પુન: નિર્માણ માટે સખત મહેનત કરવી પડશે.અપેક્ષા છે કે આ નિર્ણય ઉડ્ડયન ઉદ્યોગમાં ટાટા ગ્રુપની હાજરી માટે બજારની વિશાળ તક પૂરી પાડશે.
રતન ટાટાએ વધુમાં કહ્યું કે, 'એક સમય હતો જ્યારે JRD ટાટાના નેતૃત્વમાં એર ઇન્ડિયાએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એરલાઇન્સમાંની એક તરીકે નામના મેળવી હતી. હવે ટાટા ગ્રુપને એર ઈન્ડિયાની શરૂઆતના વર્ષોમાં જે ઈમેજ અને પ્રતિષ્ઠા હતી તેને ફરીથી બનાવવાની તક મળશે. જો જેઆરડી ટાટા આપણી વચ્ચે હોત તો તે ખૂબ ખુશ હોત. રતન ટાટાએ પોતાની નોંધમાં ખાનગી ક્ષેત્રમાં પસંદગીના ઉદ્યોગો ખોલવાની તાજેતરની નીતિ બદલ સરકારનો આભાર પણ માન્યો છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકરે આ ઘટનાને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે ઉમેર્યું હતું કે અમારા ગ્રુપ માટે એર ઇન્ડિયાની માલિકી અને સંચાલન કરવું એક દુર્લભ વિશેષાધિકાર હશે. અમારો પ્રયાસ વિશ્વકક્ષાની એરલાઇન બનાવવાનો હશે, જે દરેક ભારતીયને ગૌરવ અપાવે.