ક્ષેત્રીય ક્ષત્રપો : મોદીની આંધીએ માયા-મુલાયમ જીર્ણ, મમતા-જયા નિર્માલ્ય!
અમદાવાદ, 17 મે : છેલ્લા બે માસથી આ દેશમાં આંધી ચાલી રહી હતી. શરુઆતમાં આ આંધી પવન તરીકે હતી, પરંતુ નિર્ણયનો તબક્કો આવતા સુધી આ આંધી સુનામીમાં બદલાઈ ગઈ. આ આંધી હતી નરેન્દ્ર મોદીની. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આ આંધી એવી તો સુનામીમાં બદલાઈ કે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસનો સોથ વળી ગયો, તો છેલ્લા દસ વર્ષથી દિલ્હી ઉપર દબદબો ધરાવતાં અનેક ક્ષેત્રીય ક્ષત્રપોનો કચ્ચરઘાણ થઈ ગયો.
લોકસભા ચૂંટણી 2014ના પરિણામો જાહેર થતાની સાથે જ દેશમાં એક નવા રાજકીય યુગનો આરંભ થયો છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આંધીએ કોંગ્રેસને સંકોચી દીધી, તો અનેક રાજ્યોના ક્ષેત્રીય ક્ષત્રપોને ધૂળ ચવાટી દીધી છે. આ એવા ક્ષત્રપો હતો કે જેઓ રાજકીય અસ્થિરતા વખતે સત્તાપક્ષ પાસે પોતાનું ધાર્યુ કરાવી લેતાં હતાં. મોદીની આંધીએ આવા તમામ ક્ષેત્રીય ક્ષત્રપોનો ભુક્કો બોલાવી દીધો છે. જોકે અમુક રાજ્યોમાં મોદીનો જાદૂ એટલી પુરજોશમાં ન ચાલી શક્યું અને કેટલાંક નવા ક્ષેત્રીય ક્ષત્રપો પણ ઊભા છે, પરંતુ મોદીએ પોતાની આંધી વડે એવો બંદોબસ્ત કર્યો કે નવા ઊભા થયેલા ક્ષેત્રીય ક્ષત્રપો પાંખ વગરના નિર્માલ્ય બની ગયાં.
ચાલો સ્લાઇડર સાથે જોઇએ કે કઈ રીતે મોદીની આંધીમાં જૂના ક્ષેત્રીય ક્ષત્રપો જીર્ણ અને નવા નિર્માલ્ય બન્યાં?

મુલાયમ સિંહ
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સૌથી મોટા ક્ષેત્રીય ક્ષત્રપ બની રહ્યા હતાં મુલાયમ સિંહ યાદવ. ઉત્તર પ્રદેશના ક્ષેત્રીય ક્ષત્રપ મુલાયમની પાર્ટી સપાએ ગત ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 80માંથી સૌથી વધુ 23 બેઠકો હાસલ કરી હતી. મુલાયમે આ 23 બેઠકના બળે અનેક વખત મનમોહન સરકારને બચાવી અને પોતાનુ ધાર્યું કરાવ્યું. નરેન્દ્ર મોદીની આંધીમાં આ વખતે મુલાયમની પાર્ટી સપાને માત્ર 5 બેઠકો હાસલ થઈ. આમ આ વખતની ચૂંટણીમાં ક્ષેત્રીય ક્ષત્રપ મુલાયમનો સમ્પૂર્ણપણે પરાજય થયો છે.

માયાવતી
ઉત્તર પ્રદેશમાંથી જ આવતાં વધુ એક ક્ષેત્રીય ક્ષત્રપ હતાં માયાવતી. ક્ષેત્રીય ક્ષત્રપોમાં સૌથી વધુ દુર્દશા માયાવતીની થઈ છે. મોદીની આંધી એવી ચાલી કે માયાવતીની રાષ્ટ્રીય ગણાતી પાર્ટી બસપાને ઉત્તર પ્રદેશમાં એક બેઠક માટે પણ વાંધા પડી ગયાં. બસપા આ ચૂંટણીમાં ખાતું પણ નથી ખોલાવી શકી. ગત ચૂંટણીમાં બસપાએ યૂપીમાં 21 બેઠકો હાસલ કરી હતી અને માયાવતીએ વખતોવખત મનમોહન સરકારને બચાવી પોતાનુ ધાર્યું કરાવ્યુ હતું, પરંતુ હવે માયાવતીનો કેન્દ્રના રાજકારણમાં દખલ સમાપ્ત થઈ ગયો છે.

નિતિશ કુમાર
નિતિશ કુમાર પણ ક્ષેત્રીય ક્ષત્રપ ગણાય છે. તેમની પાર્ટી જેડીયૂનો બિહારમાં દબદબો હતો અને તેમણે ગત ચૂંટણીમાં ભાજપ સાથે મળી 20 બેઠકો હાસલ કરી હતી. તેમનો મોટો જનાધાર હતો અને એટલે જ જ્યારે નિતિશે નરેન્દ્ર મોદીના નામે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું, ત્યારે કોંગ્રેસે તેમની તરફ દોસ્તીનો હાથ વધાર્યો હતો. જોકે નિતિશ કોંગ્રેસ સાથે ન ગયાં, પરંતુ મોદીનો વિરોધ જ મોદીની આંધીમાં પરિણમી અને નિતિશ કુમારની પાર્ટી જેડીયૂને આ વખતની ચૂંટણીમાં માત્ર 2 બેઠકો જ મળી કે જેથી તેમણે આજે રાજીનામુ પણ આપી દીધું છે.

શરદ પવાર
મહારાષ્ટ્રમાં મરાઠા રાજકારણ કરનાર એનસીપી સુપ્રીમો શરદ પવાર સમયાંતરે મનમોહન સરકાર પાસે પોતાનુ ધાર્યુ કરાવતા રહ્યાં હતાં. ગત ચૂંટણીમાં એનસીપીએ 8 બેઠકો હાસલ કરી હતી અને પવાર મનમોહન સરકારનો ભાગ હતાં, પરંતુ આ ચૂંટણીમાં મોદીની આંધીમાં એનસીપીની બેઠકો 4 થઈ ગઈ અને કેન્દ્રમાં તેમનો દબદબો ખતમ થઈ ગયો.

ફારુખ અબ્દુલ્લા
જમ્મૂ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફ્રંસના સુપ્રીમો ફારુખ અબ્દુલ્લાનો પણ કેન્દ્રીય રાજકારણમાં દબદબો હતો. ગત ચૂંટણીમાં એનસીને 6માંથી 3 બેઠકો મળી હતી અને તે યૂપીએ સરકારનો ભાગ હતી, પરંતુ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં ફારુખ અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પાછળ નહોતાં. મોદીની આંધી અને ઓમર સરકાર વિરોધી લહેર એવી ચાલી કે આ ચૂંટણીમાં ફારુખ અબ્દુલ્લા ચૂંટણી હારી ગયાં અને તેમના પક્ષને એકેય બેઠક ન મળી.

કરુણાનિધિ
તામિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિ પણ અત્યાર સુધી મોટા ક્ષેત્રીય ક્ષત્રપ હતાં. કરુણાનિધિની પાર્ટી દ્રવિડ મુનેત્ર કષગમ એટલે કે ડીએમકેને ગત ચૂંટણીમાં 18 બેઠકો મળી હતી અને તે મનમોહન સરકારમાં સામેલ પણ હતી. ડીએમકેના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો થયા હતાં, પરંતુ આ ચૂંટણીમાં ડીએમકેને એક પણ બેઠક મળી નથી. તામિળનાડુમાં જોકે મોદીની નહીં, પણ મુખ્યમંત્રી જયલલિતાની આંધી હતી. આમ છતાં કરુણાનિધિનો દબદબો સમાપ્ત થઈ ગયો છે.

મમતા બૅનર્જી
હવે વાત કરીએ એવા ક્ષેત્રીય ક્ષત્રપોની કે જે નવા ઉપસ્યાં છે. તેમાં સૌથી પહેલું નામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીનું લઈ શકાય છે. મમતા બૅનર્જીની પાર્ટી ટીએમસીએ આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આંધીને નિર્માલ્ય કરી નાંખી. મમતાનો એવો તો જાદૂ ચાલ્યો કે ટીએમસીએ આ વખતે 34 બેઠકો હાસલ કરી છે. જોકે ગત ચૂંટણીમાં પણ ટીએમસીને 19 બેઠકો હાસલ કરી હતી અને મનમોહન સરકારનો ભાગ પણ રહી હતી, પરંતુ અધવચ્ચે મમતા યૂપીએ સરકારમાંથી ખસી ગયા હતાં. તેમના દરેક પગલાને પશ્ચિમ બંગાળની પ્રજાએ વધાવ્યા જ હતાં અને એટલે જ તેમની બેઠકો વધારીને 34 પણ કરી આપી, પરંતુ મોદીની દેશવ્યાપી આંધી એવી ચાલી કે મમતા ક્ષેત્રીય ક્ષત્રપ બન્યા છતાં નિર્માલ્ય કહી શકાય છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને મોદીને મમતાની ક્યાંય જરૂર પડવાની નથી.

જયલલિતા
તામિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા પણ નવા ક્ષેત્રીય ક્ષત્રપ બની ઉપસ્યાં છે. જયલલિતાની પાર્ટી એઆઈડીએમકેએ ગત ચૂંટણીમાં માત્ર 9 જ બેઠકો હાસલ કરી હતી, પરંતુ આ વખતે તેમની પાર્ટીએ જોરદાર સફળતા મેળવી 37 બેઠકો હાસલ કરી. મોદીની આંધી સામે બાથ ભીડનાર જયલિલતા પણ રહ્યાં. આમ જયલલિતા નવા ક્ષેત્રીય ક્ષત્રપ તો બન્યાં. મોદી અને જયલિલાતની દોસ્તી બહુ જૂની છે અને ચૂંટણી પહેલા એમ કહેવાતુ હતું કે જો એનડીએને બહુમતી ન મળે, તો જયલિલતાનો ટેકો મળી શકશે, પરંતુ મોદીની આંધીએ આવી મજબૂરીમાંથી બચાવી લીધાં અને જયલલિતા ક્ષેત્રીય ક્ષત્રપ બન્યા છતાં નિર્માલ્ય રહ્યાં.

નવીન પટનાયક
ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ક્ષેત્રીય ક્ષત્રપ તરીકે બીજી વખત ઉપસ્યાં છે. ગત ચૂંટણીમાં પણ પટનાયકની પાર્ટી બીજેડીએ 14 બેઠકો હાસલ કરી હતી અને આ ચૂંટણીમાં પણ મોદીની આંધી સામે ઝઝૂમી નવીન પટનાયકે બીજેડીને 21માંથી 20 બેઠકો મેળવી લીધી. આમ નવીન પટનાયક આ ચૂંટણી બાદ વધુ મજબૂત ક્ષેત્રીય ક્ષત્રપ બન્યા છે. નવીન પટનાયક અને મોદી વચ્ચે પણ સંબંધો બહુ વણસેલા નથી, પરંતુ મોદીની આંધીએ ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી દેતાં નવીન પટનાયક ક્ષેત્રીય ક્ષત્રપ બન્યા છતાં નિર્માલ્ય જ રહેશે.












Click it and Unblock the Notifications
