ગહલોત સરકાર સામે ધરણાં બાદ દિલ્હી પહોંચ્યા પાયલટ, પાર્ટી હાઇકમાન્ડ સાથે કરશે મુલાકાત
રાજસ્થાનમાં પોતાની જ પાર્ટીના નેતૃત્વવાળી સરકાર સામે સાર્વજનિક વિરોધ પ્રદર્શન કર્યા બાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ આજે કથિત રીતે પાર્ટી હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા છે. જોકે, પાયલટની મુલાકાતની શક્યાતા સેવાઇ રહી છે, જે હજૂ સ્પષ્ટ નથી.
કોંગ્રેસ પાર્ટીના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સચિન પાયલટ કોંગ્રેસ હાઇ કમાન્ડ સાથે મુલાકાત કરે તેવી શક્યતાને નકારી શકાતી નથી.

અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા દબાણ કરવા માટે મંગળવારના રોજ સચિન પાયલટના ઉપવાસ બાદ કોંગ્રેસે કડક ચેતવણી આપી છે. પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે, હવે તેમના તરફથી આવા કોઈપણ પગલાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવશે.
બીજી તરફ આ મામલે મૌન ધારણ કરીને મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. પાયલટે મંગળવારના રોજ જયપુરમાં કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કર્યા વગર એક દિવસીય ઉપવાસ કર્યો હતો. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પર આરોપો સામે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે લોકોને ખાતરી આપી હતી કે, અગાઉની ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે અસરકારક પગલાં લેવામાં આવશે. હું ઈચ્છતો હતો કે, કોંગ્રેસ સરકાર કાર્યવાહી કરે, પરંતુ ચાર વર્ષમાં એવું થયું નથી. ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ ચાલુ રહેશે.
સચિન પાયલટે વિરોધ શરૂ કર્યાના થોડા સમય બાદ, ગેહલોતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે તેમની સરકારની કલ્યાણકારી નીતિઓની યાદી આપી અને પોતાને "ગરીબ તરફી, સામાન્ય માણસનો મુખ્ય પ્રધાન" તરીકે રજૂ કર્યા છે. મોંઘવારીને ચૂંટણીનો મુદ્દો ગણાવતા ગેહલોતે કહ્યું, 2029 સુધીમાં રાજસ્થાન નંબર 1 હશે.
રાજસ્થાનમાં બંને નેતાઓ વચ્ચે જાહેરમાં થયેલા આ અણબનાવે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધી છે. કોંગ્રેસ શાસિત કેટલાક રાજ્યોમાંથી એકમાં ચૂંટણીની તૈયારી કરી રહી છે.
રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી સુખજિન્દર સિંહ રંધાવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સચિન પાયલટનું ઉપવાસ પાર્ટીના હિતોની વિરુદ્ધ છે અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ છે. જો તેમને પોતાની સરકારથી કોઈ સમસ્યા હોય, તો પાર્ટી ફોરમમાં તેની ચર્ચા કરે. મીડિયા અને જનતા સામે ધજાગરા કરી શકાય નહીં.
રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી સુખજિન્દર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ મહિનાથી AICC પ્રભારી છું અને પાયલટે ક્યારેય મારી સાથે આ મુદ્દે ચર્ચા કરી નથી. હું તેમની સાથે સંપર્કમાં છું અને હું હજુ પણ વાતચીત માટે અપીલ કરું છું. કારણ કે, તેઓ કોંગ્રેસ પાર્ટીના મહત્વપૂર્ણ સભ્ય છે.
આવા સમયે, અશોક ગેહલોત સાથે સચિન પાયલટના તાજેતરના મુકાબલાને રાજસ્થાનમાં પાર્ટીનો મુખ્ય ચહેરો કોણ હશે, તે મુદ્દાને ઉકેલવા માટે કોંગ્રેસ નેતૃત્વ પર દબાણ લાવવાના તેમના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.












Click it and Unblock the Notifications
