અદાણી મુદ્દે શરદ પવારનું નિવેદન, કહ્યું- JPC ની માંગ યોગ્ય નહીં
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને લઈને હંગામો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ રાહુલ ગાંધી આકરા પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ સંસદમાં JPC ની માંગને લઈને સતત હંગામો કરી રહી હતી. હવે સંસદનું સત્ર પુરૂ થઈ ગયુ છે ત્યારે વિપક્ષી પાર્ટીઓમાં મહત્વના નેતા શરદ પવારનું એક નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદને સૌને ચૌકાવ્યા છે.
એક ઈન્ટરવ્યૂમાં શરદ પવારે વિપક્ષની જેસીપીની માંગને ગેરવ્યાજબી ગણાવી હતી. શરદ પવારે કહ્યું કે, બધા જાણે છે કે જેપીસીમાં સરકાર પાસે બહુમતી હશે, આ સ્થિતિમાં સંસદીય સમિતિ ક્યારેય પણ મામલાની નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. આ માટે સુપ્રીમ કોર્ટ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

શરદ પવારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી, જેમાં નિવૃત્ત ન્યાયાધીશો, એક નિષ્ણાત, એક પ્રશાસક અને એક અર્થશાસ્ત્રી છે. તેમને તપાસ માટે સમયમર્યાદા આપવામાં આવી છે. બીજી તરફ વિપક્ષ ઇચ્છે છે કે જેપીસી તેની તપાસ કરે. જો જેપીસીની રચના થઈ હોત તો પણ તે સરકારની દેખરેખમાં કામ કરતી હોત. આ સ્થિતિમાં સત્ય કેવી રીતે બહાર આવશે? એક વાત સ્પષ્ટ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી ત્યારે આ માંગની કોઈ જરૂર નહોતી.
શરદ પવારે કહ્યું કે, મને ખબર નથી કે આ માંગ પાછળ કોંગ્રેસનો ઈરાદો શું હતો. હું માત્ર એટલું જાણતો હતો કે સુપ્રીમ કોર્ટની કમિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં શરદ પવારે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી જે રીતે મોટા બિઝનેસ હાઉસને નિશાન બનાવે છે તેનાથી તેઓ સહમત નથી.
શરદ પવારે કહ્યું કે, આ દેશમાં ઘણા વર્ષોથી આવું થઈ રહ્યું છે. મને યાદ છે કે ઘણા વર્ષો પહેલા જ્યારે અમે રાજકારણમાં પ્રવેશ્યા જ્યારે અમારે સરકાર વિરુદ્ધ બોલવું પડતું હતું. ત્યારે અમે ટાટા-બિરલા વિરુદ્ધ બોલતા હતા. હવે ખબર છે કે તેમણે દેશ માટે કેટલું યોગદાન આપ્યું છે. આજે ટાટા-બિરલાનું નામ મોખરે નથી. અલગ-અલગ ટાટા-બિરલા સરકાર સામે આવી ગયા છે. આ દિવસોમાં જો સરકાર પર પ્રહાર કરવો હોય તો અંબાણી અને અદાણીના નામ લેવાય છે.












Click it and Unblock the Notifications
