તૂટ્યો 25 વર્ષ જૂનો નાતોઃ ભાજપ-શિવસેના થયા અલગ
મુંબઇ, 25 સપ્ટેમ્બરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે નહીં. બન્ને પાર્ટીઓ વચ્ચે 25 વર્ષો જૂનો નાતો તૂટી ગયો છે. ભાજપે આરોપ મુક્યો છેકે, શિવસેના પોતાની જીત પર અડેલી છે. ભાજપે કહ્યું છેકે અમે યુતિને બચાવવાના શક્ય તમામ પ્રયાસો કર્યા છે. શિવસેનાએ ન્યાય કર્યો નથી. આ સાથે જ ભાજપે મહાયૂતિ પૂર્ણ થઇ હોવાની વાત કરી છે. નોંધનીય છેકે છેલ્લા એક અઠવાડિયાથી આ રાજકીય ડ્રામા ચાલી રહ્યો હતો. ભાજપના નેતા દેવેન્દ્ર ફડ્ણવીસે ગુરુવારે સાંજે સાત વાગ્યે આ યુતિ તૂટી હોવાની જાહેરાત કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, શિવસેના તરફથી જે પ્રસ્તાવ આવ્યા તેમાં અમારી બેઠકો પણ ઓછી રાખવામાં આવી રહી હતી. શિવસેના પોતાની બેઠકો પર સમજૂતિ કરવા તૈયાર નહોતી. તે નાના દળોને નહીં છોડે. મિત્રતા માટે મોટા હૃદયની જરૂર રહે છે. અમે મિત્રતા જીંદગી ભર નિભાવીએ છીએ. શિવસેનાના પ્રસ્તાવો આવ્યા છે, તેનાથી ભાજપ અને મિત્ર દળોને મંજૂર નથી. અત્રે ઉલ્લેખનીય છેકે કેન્દ્રમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચેનો નાતો તૂટી શકે છે. ઉદ્ધવ ઠાકરે શિવસેનાના સાંસદો સાથે ટૂંક સમયની અંદર બેઠક યોજવાના છે અને કેન્દ્ર અંગે વિચાર વિમર્શ કરવાના છે.
તમને જણાવી દઇએ કે, સાંજે ચાર વાગ્યે જ ભાજપ નેતા દેવેન્દ્ર ફડ્ણવીસે કહ્યું હતું કે ભાજપ અને શિવસેના યુતિને લઇને કોઇ અંતિમ નિર્ણય લઇ શકાયો નથી. હવે કોર કમિટી તેનો નિર્ણય કરશે. નોંધનીય છેકે શિવસેના અને ભાજપમાં બેઠકો ઉપરાંત મુખ્ય મંત્રી પદના ઉમેદવારને લઇને ગતિરોધ હતો, જે આખરે તૂટી ગયો છે.












Click it and Unblock the Notifications
