લખનઉ, 27 માર્ચ: ડિસેમ્બરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટો પડકાર આપનાર ભાજપની ઉપાધ્યક્ષ સ્મૃતિ ઇરાણી હવે અમેઠીથી રાહુલ ગાંધીને પડકાર આપતી દેખાઇ રહી છે. સૂત્રો અનુસાર પાર્ટી ઇચ્છે છે કે સ્મૃતિ, કોંગ્રેસના ગઢ અમેઠીથી ચૂંટણી લડે. આ ઉપરાંત પાર્ટી રાયબરેલી બેઠકથી ઉમા ભારતીને સોનિયા ગાંધીની વિરુધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
જો સ્મૃતિ અમેઠીથી ચૂંટણી લડશે તો ચોક્કસ વારાણસી બાદ સૌની નજર અમેઠી બેઠક પર ટકી રહેશે. અત્રે આપ પાર્ટીના કુમાર વિશ્વાસ પહેલાથી જ રાહુલ ગાંધીની વિરુધ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.
સ્મૃતિને લોકો ટીવીની પોપ્યુલર વધૂ તરીકે ઓળખે છે અને આજે તેમની ઓળખ ભાજપના એક એવા નેતા તરીકે ઊભરી આવી છે જે દરેક મુદ્દા પર પાર્ટીના મતને લોકો સામે નીડરપણે મૂકી જાણે છે. સ્મૃતિ વર્ષ 2003માં ભાજપમાં સામેલ થઇ હતી. પાર્ટીએ વર્ષ 2004માં સ્મૃતિને જૂની દિલ્હીની ચાંદની ચોકથી ટિકિટ આપી હતી અને એ સમયે સ્મૃતિ ઇરાણીએ કપિલ સિબ્બલને ટક્કર આપી હતી. જોકે સ્મૃતિ આ ચૂંટણી હારી ગઇ હતી પરંતુ તેમ છતાં પાર્ટીમાં તેમની દિવસે દિવસે શાખ વધતી ગઇ અને આજે તે પાર્ટીની દરેક જાહેરાત અને દરેક મોટા આયોજનમાં સામેલ હોય છે.જ્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના જ વધુ એક મહત્વના ગઢ રાયબરેલીથી પાર્ટી ઉમા ભારતીને સોનિયા ગાંધીની વિરુધ્ધ ચૂંટણીમાં ઊભા કરવાની તૈયારી કરી રહી છે. રાયબરેલી કોંગ્રેસનું એવું ગઢ માનવામાં આવે છે જ્યાંથી પાર્ટીની જીત લગભગ પાક્કી માનવામાં આવે છે. સ્મૃતિ ઇરાણી અને ઉમા ભારતીને ચૂંટણી મેદાનમાં ઉતારવાથી સ્પષ્ટ છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં આ વખતે ચૂંટણી જંગને કોણપણ રીતે જીતવા માટે તત્પર છે.