કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મનમોહનસિંહ પણ મતદાન કરશે!
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આ ચૂંટણીમાં આમને સામને છે.
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આ ચૂંટણીમાં આમને સામને છે. આવતીકાલે મતદાન પહેલા કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ આ ચૂંટણીમાં દિલ્હીમાં મતદાન કરશે. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ મતદાનમાં ભાગ લેશે, તેઓ જ્યાં છે ત્યાં તેમના માટે મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.

મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં દરેક રાજ્યમાં પાર્ટીના પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે. તે પોતાના મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપી શકે છે. પક્ષના પ્રતિનિધિઓ જે ઉમેદવારને મત આપવા માગે છે તેના નામ સામે ટિક માર્ક લગાવવાનું રહેશે. ચૂંટણી સારી રીતે થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન બાદ મતપેટીઓ 18 ઓક્ટોબરે દિલ્હી પહોંચશે. મતગણતરી 19 ઓક્ટોબરે થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને મુક્ત થશે, તેમાં કોઈ શંકા નથી. કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષનો નિર્ણય 19 ઓક્ટોબરે થશે.
જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સૌથી આગળ છે. તેમને જે રીતે અલગ-અલગ રાજ્યોમાં પાર્ટીના પ્રતિનિધિઓનું સમર્થન મળી રહ્યું છે તે જોતાં એવું માનવામાં આવે છે કે ખડગે ચૂંટણી જીતશે. શશિ થરૂરે પોતે આક્ષેપો કર્યા છે કે તેમને બરાબર ચાન્સ આપવામાં આવ્યો નથી. કેટલાક રાજ્યોમાં PCC ઓફિસમાં જે રીતે મલ્લિકાર્જુન ખડગેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે રીતે તેમનું સ્વાગત નથી થઈ રહ્યું.












Click it and Unblock the Notifications
