કુતરાઓને શેલ્ટર હોમ મોકલવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ કઠોર-રાહુલ ગાંધી
સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી-એનસીઆરમાં રખડતા શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવાના આદેશથી દેશભરમાં એક નવી ચર્ચા છેડાઈ છે.
આ મામલો માત્ર માણસની સુરક્ષાનો નથી પરંતુ મૂંગા પ્રાણીઓના અધિકારો સંભાળ અને સંવેદનશીલતા સાથે પણ જોડાયેલો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ નિર્ણયનો વિરોધ કરતાં તેને કઠોર અને વિજ્ઞાન આધારિત નીતિથી વિપરીત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રસ્તાઓની સુરક્ષા અને પ્રાણીઓની ભલાઈ બંનેને સાથે રાખીને આગળ વધી શકાય છે, પરંતુ તેના માટે યોગ્ય નીતિ અને સંવેદનશીલ દૃષ્ટિકોણ જરૂરી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ મૂંગા પ્રાણીઓ કોઈ સમસ્યા નથી કે તેમને દૂર કરી દેવા જોઈએ. નસબંધી, રસીકરણ અને સામૂહિક સંભાળ દ્વારા રસ્તાઓને સુરક્ષિત રાખી શકાય છે, તે પણ કોઈપણ ક્રૂરતા વિના. બધા શ્વાનને હટાવી દેવા એ માત્ર કઠોર જ નહીં, પરંતુ આપણને અસંવેદનશીલ પણ બનાવે છે.
આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે વધતી જતી રખડતા શ્વાનની સમસ્યા પર સ્વતઃ સંજ્ઞાન લીધું. કોર્ટે દિલ્હી-એનસીઆરના નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના સ્થાનિક સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ તમામ રખડતા શ્વાનને પકડીને તેમની નસબંધી કરાવે અને આઠ અઠવાડિયાની અંદર કાયમી શેલ્ટર હોમમાં મોકલી આપે.
કોર્ટે એવી પણ ચેતવણી આપી છે કે આ અભિયાનમાં અવરોધ ઊભો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાહુલ ગાંધી ઉપરાંત અન્ય કેટલાક રાજકીય પક્ષોના નેતાઓએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કેટલાક નેતાઓએ આ નિર્ણયને જરૂરી પગલું ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકોએ તેને મૂંગા પ્રાણીઓ સાથે અન્યાય ગણાવ્યો છે.












Click it and Unblock the Notifications
