નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: હવે આપ ચાની ચૂસ્કીની સાથે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે રાજનીતિ પર ચર્ચા કરી શકશો. ભાજપ નેતા સુષમા સ્વરાજે મંગળવારે જાહેરાતની સાથે 'ચા પર ચર્ચા વિથ નમો' લોન્ચ કર્યું. આ અભિયાન 12 ફેબ્રુઆરીથી શરૂ થશે.
સુષમા સ્વરાજે આ અવસરે જણાવ્યું કે આગામી ચૂંટણીના સંદર્ભમાં આ કાર્યક્રમ છે. હિન્દુસ્તાનમાં લોકોની આદત હોય છે કે ચાનો કપ હાથમાં આવતા જ રાજનૈતિક ચર્ચા શરૂ થઇ જાય છે. એવો પ્રયોગ દુનિયામાં આ પહેલા ક્યારેય નથી થયો.
તેમણે જણાવ્યું કે 'ઓછામાં ઓછા આના 10 રાઉન્ડ કરવામાં આવશે. 1 રાઉન્ડમાં 300 નગરોમાં 1000 સ્થળો પર આ ચર્ચા થશે. જેમાં મોદી અને પાર્ટીના મોટા નેતાઓ ભાગ લેશે. 12 ફેબ્રુઆરીથી આ ભિયાન શરૂ થઇ જશે. એક વેબસાઇટ બની છે, જેમાં બધુ જ અપડેટ થતું રહેશે. દર 5 દિવસના અંતરાલ પર કાર્યક્રમ થશે. 2 કરોડ લોકો સુધી અમે આ અભિયાન દ્વારા પહોંચીશું.'સુષમા સ્વરાજે જણાવ્યું કે 'આ પહેલા અડવાણીજીની રથયાત્રા સંપર્કનું સાધન હતું. જ્યારે પ્રચારની નવી ટેકનીક આવી છે તો આનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટેકનીકમાં 5 માધ્યમોને મેળવવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ, મોબાઇલ ફોન, સોશિયલ મીડિયાનો આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે. શેર, આસ્ક અને સજેસ્ટ આ અભિયાનના ત્રણ ખંડ રહેશે.'