સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી, વિપક્ષ હમલાવર
વિપક્ષને અંધારામાં રાખી સંસદ વિશેષ સત્રની જાહેરાત કર્યા બાદ આખરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને વિપક્ષી પાર્ટીઓનો ખ્યાલ આવ્યો છે. હવે નરેન્દ્ર મોદી સરકારે સત્ર પહેલા વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે.
કેન્દ્ર સરકારે સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંસદીયમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, બેઠકમાં હાજરી આપવા તમામ વિપક્ષી પક્ષોના નેતાઓને ઈ-મેલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને જાણાવ્યુ કે, આ મહિનાની 18 તારીખથી શરૂ થનારા સંસદ સત્ર પહેલા 17મીએ સાંજે 4.30 કલાકે તમામ પક્ષના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. આ માટેના આમંત્રણ સંબંધિત નેતાઓને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ હમલાવર જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદડેરેક ઓ'બ્રાયને સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, સંસદના વિશેષ સત્ર માટે હજુ પણ એજન્ડા પર કોઈ શબ્દ નથી.
તેમણે ટ્વિટમાં લખ્યુ કે, સંસદનું વિશેષ સત્ર શરૂ થવામાં બે કામકાજના દિવસો બાકી છે અને હજુ પણ એજન્ડા પર એક શબ્દ પણ બોલાયો નથી. બે જ લોકો જાણે છે અને આપણે હજુ પણ આપણી જાતને સંસદીય લોકશાહી કહીએ છીએ.
18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્રની જાહેરાત સંસદીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા 31 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. જો કે સરકારે કયા મુદ્દા પર આ વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે તેનો ખુલાસો કર્યો નથી. સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર ન કરવા બદલ વિપક્ષે સરકારની ટીકા કરી છે.












Click it and Unblock the Notifications
