વિપક્ષી પાર્ટીઓની હવે પછીની બેઠક આ જગ્યાએ આ તારીખે યોજાશે, જાણો શું કહ્યું શરદ પવારે?
પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ હવે વધુ એક બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકને લઈને એનસીપી નેતા શરદ પવારે ખુલાસો કર્યો છે.
કેન્દ્રની લોકશાહી વિરોધી મોદી સરકારને ઉખાડી ફેંકવા માટે વિપક્ષી પાર્ટીઓની એક બેઠક પટનામાં યોજાઈ ચુકી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ખુલાસો કર્યો છે કે વિરોધ પક્ષોની આગામી બેઠક કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે.

પટનાની બેઠક બાદ અટકળો લાગી રહી હતી કે હવે પછીની આગામી બેઠક શિમલામાં યોજાશે પરંતુ શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે.શરદ પવારે જણાવ્યુ કે, વિપક્ષી પાર્ટીઓના નેતાઓની આગામી બેઠક 13 અને 14 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે.
બીજી તરફ પટનાની બેઠક બાદ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર હમલાવર છે ત્યારે શરદ પવારે કહ્યું કે, પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ પીએમ મોદી બેચેન થઈ ગયા છે.
પટના પછી બેંગલુરુમાં યોજાનારી આ બેઠકમાં 2024માં બીજેપી સામે લડવા સંબંધિત રાજ્યોમાં કામ કરતી વખતે સાથે મળીને આગળ વધવા માટેનો એજન્ડા તૈયાર કરવામાં આવશે.
જણાવી દઈએ કે, પટનામાં પોતાના મુખ્યમંત્રી આવાસ પર વિપક્ષી નેતાઓની મુલાકાત પહેલા બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે, પટના બાદ હવે પછીની બેઠક 13 અને 14 જુલાઈએ શિમલામાં થશે. હવે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે આ બેઠક બેંગલુરુમાં યોજાશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં 15 વિપક્ષી પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી. આ નેતાઓમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી અને એનસીપીના વડા શરદ પવાર, સપાના વડા અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ હાજર હતા.
બીજી તરફ આ બેઠક બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી વટહુકમ મુદ્દે મતભેદ સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપશે કે નહીં તે બાબતે ખુલાસો કરવા દબાણ કર્યુ છે તો બીજી તરફ કોંગ્રેસ સંસદના સત્ર સુધીમાં નિર્ણય લેવા જણાવ્યુ છે.












Click it and Unblock the Notifications
