મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર, ઉદ્ધવ ઠાકરેએ લીધા મુખ્યમંત્રી પદના શપથ
મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછીથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધન સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. ઉદ્ધવે શિવાજી મહારાજને નમન કરી મરાઠી ભાષામાં શપથ લીધા છે અને તેઓ ઠાકરે પરિવારના પહેલા મુખ્યમંત્રી છે. ઉદ્ધવ બાદ મંત્રીમંડળના અન્ય પ્રધાનો શપથ લઈ રહ્યા છે.

આ લોકો રહ્યાં હાજર
તમને જણાવી દઈએ કે રાજકારણ અને ઉદ્યોગપતિઓ સિવાય મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનારા 400 ખેડૂતોના પરિવારો પણ ઉદ્ધવના શપથ ગ્રહણમાં સામેલ થયા હતા. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે, એનસીપી નેતા સુપ્રિયા સુળે, અજિત પવાર, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખાડગે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિન તેમજ ઘણા મોટા નેતાઓ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના સ્ટેજ પર દેવેન્દ્ર ફડણવીસ પણ જોવા મળ્યા હતા.

આ મંત્રીઓએ પણ લીધા શપથ
- એકનાથ શિંદે (શિવસેના)
- સુભાષ દેસાઈ (શિવસેના)
- જયંત પાટિલ (એનસીપી)
- છગન ભુજબલ (એનસીપી)
- બાલા સાહેબ થોરાટ (કોંગ્રેસ)
- નીતિન રાઉત (કોંગ્રેસ)

શપથ લેવા માટે શિવાજી પાર્ક કેમ પસંદ કરાયો હતો
અમે તમને જણાવી દઈએ કે શિવસેનાને શિવાજી પાર્ક મેદાન સાથે ખૂબ લગાવ છે, બાલા સાહેબ ઠાકરેએ અહીંથી તેમની પ્રથમ રેલીને સંબોધન કર્યું હતું. બાલાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ અહીં કરવામાં આવ્યા હતા. આ પાર્ક મુંબઈના દાદરમાં સ્થિત છે અને તે શહેરનુ સૌથી મોટો ઉદ્યાન છે.