
કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિયમિત રસીકરણને લઈને ચિંતા વ્યક્ત કરી!
પુણે : દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ વેરિઅન્ટ XBB અને BA.2.75 ને ફરી એક વખત ચિંતા વધારી છે. હવે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિયમિત રસીકરણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોરોના મહામારીને કારણેે નિયમીત રસીકરણ અભિયાન પ્રભાવિત થયુ છે. હવે તેને ફરીથી પાટા પર લાવવાની જરૂર છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં 9 મહિનામાં 100 કરોડ અને 18 મહિનામાં 200 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, આજે દેશની લગભગ 70 ટકા વસ્તીને કોરોના વાયરસ સામે સંપૂર્ણ રસી આપવામાં આવી છે. ભારતમાં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયું હતું. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક, બાયોલોજિકલ-ઈ અને ઝાયડસ કેડિલા જેવી રસી બનાવતી કંપનીઓની પ્રશંસા કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ કંપનીઓએ રસીકરણના મોરચે સરકારને દરેક પગલા પર મદદ કરી છે.
મનસુખ માંડવિયાએ આગળ કહ્યું કે, મને અપેક્ષા છે કે તમે માત્ર કોવિડ-19 વિરોધી રસી પર ધ્યાન કેન્દ્રિત ન કરો, પરંતુ આપણે નિયમિત રસીકરણ વિશે પણ વિચારવું પડશે. કોવિડ-19ને કારણે નિયમિત રસીકરણ પ્રભાવિત થયું છે અને તેને પાટા પર લાવવાની જરૂર છે. આપણે આ મોરચે ઝડપી પ્રગતિ કરવી પડશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમોમાંથી એકનું આયોજન કરે છે, જે અંતર્ગત દર વર્ષે લાખો લોકોને રસી આપવામાં આવે છે, જેમાં બાળકો પણ સામેલ છે.