Rain Alert: દિલ્લી-યુપી સહિત આ 9 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રહો સાવધાન
હવામાન વિભાગે દિલ્લી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે.
દેશના અલગ અલગ ભાગોમાં સતત થઈ રહેલા વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદના કારણે ઘણા રાજ્યો પૂરમાં ડૂબેલા છે અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓનું જળસ્તર પણ જોખમના નિશાનથી ઉપર પહોંચી રહ્યુ છે. વળી, દિલ્લી-એનસીઆરમાં છેલ્લા અમુક દિવસોથી લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે હવામાન વિભાગે દિલ્લી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે. આમાંથી અમુક રાજ્યોમાં ભારે વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

આ છે એ 9 રાજ્ય, જેના માટે જારી થયુ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન દિલ્લી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવુ છે કે આ રાજ્યોમાં રવિવારે પણ વરસાદ ચાલુ રહી શકે છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે શુક્રવારે હથિનીકુંડ બેરેજમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ ત્યારબાદ દિલ્લીમાં યમુના નદીનું જળસ્તર વધી ગયુ છે. જળસ્તર વધવાથી દિલ્લીમાં યમુના નદીના કિનારાના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. વળી, યમુનાના વધતા જળસ્તરને જોતા દિલ્લી સરકારે પ્રશાસનને એલર્ટ પર રાખ્યા છે.

હિમાલય, ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
વળી, હવામાન વિભાગની ભવિષ્યવાણી કરતી એજન્સી સ્કાઈમેટ વેધરનું કહેવુ છે કે શનિવારે જમ્મુ અને ઉધમપુરમાં ભારે વરસાદનુ અનુમાન છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના કાંગડા, ધર્મશાલા, ઉના, બિલાસપુરમાં પણ ઝડપી પવન સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદને જોતા કાંગડામાં આજે બધી શાળા અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. સાવચેતી રૂપે પ્રશાસનિક ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્કાઈમેટે ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર અને નૈનીતાલ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, અમુક પહાડી વિસ્તારો પર વાદળ ફાટવાની ઘટનાઓ માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

હરિયાણામાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ
સ્કાઈમેટે આગામી 8થી 12 કલાકની અંદર પંજાબના ઘણા ભાગોમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યુ છે. વળી, સતત થઈ રહેલા વરસાદના કારણે ભાખરા નાંગલ બંધમાંથી પાણી છોડવાના કારણે પંજાબની નદીઓનું જળસ્તર પણ વધી શકે છે. આ ઉપરાંત હરિયાણામાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવા સાથે ઝડપી વરસાદ જોવા મળી શકે છે. સ્કાઈમેટના જણાવ્યા મુજબ આજે રાજસ્થાનના પણ ઘણા ભાગોમાં વરસાદ જોવા મળશે. રાજસ્થાનમાં થઈ રહેલા સતત વરસાદે ઘણા વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. રાજસ્થાનના અડધા ડઝનથી વધુ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ બનેલી છે. કોટા, બુંદી, બારાં, પ્રતાપગઢ અને ઝાલાવાડમાં ગુરુવારે રાતથી મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. કોટામાં રાહત કાર્ય માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે.

હવામાન વિભાગે પહેલેથી જારી કરી દીધી હતી ચેતવણી
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલેથી જ આ સપ્તાહના અંતમાં ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી દીધી હતી. હવામાન વિભાગની ચેતવણી મુજબ શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્લી, હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વળી, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં શુક્રવારે થયેલા વરસાદની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી. કોલકત્તામાં આજે પણ વરસાદ ચાલુ રહી શકે છે.












Click it and Unblock the Notifications
