મુંબઈમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ, આ રાજ્યોમાં પણ હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ પાછુ જવામાં હજુ થોડો સમય લાગશે જેના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ પાછુ જવામાં હજુ થોડો સમય લાગશે જેના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. દિલ્લી-એનસીઆરના અમુક ભાગોમાં આખી રાત વરસાદ થયો અને શનિવારે સવારે દિલ્લીના લગભગ દરેક વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીના જણાવ્યા મુજબ દિલ્લી-એનસીઆરમાં આવતા 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. વળી, મુંબઈમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ આ સાથે જ દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં યલો એલર્ટ, ઘણા વિસ્તારમાં ભરાયા પાણી
આઈએમડીએ ભારે વરસાદને જોતા શનિવાર માટે મુંબઈમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગેજણાવ્યુ છે કે મુંબઈમાં આખો દિવસ ગાજવીજ સાથે વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રિપોર્ટ મુજબ સતત ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યુ કે મુંબઈમાં છેલ્લા બે અઠવાડિયાથી છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે.કોલાબા વેધર ઓબ્ઝર્વેટરીએ શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધી 22.4 મીમી (મીમી) અને સાંતાક્રુઝ ઓબ્ઝર્વેટરીએ 32.6 મીમી વરસાદ નોંધ્યો હતો. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ તેની વેધશાળાઓમાં નરીમાન પોઈન્ટ, વિક્રોલી અને વર્સોવામાં 60 મીમી વરસાદ નોંધ્યો હતો.

દિલ્લીમાં 2-3 દિવસ વરસાદની સંભાવના
દિલ્લી-નોઈડામાં અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો. દિલ્લીમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. દિલ્લીમાં મહત્તમ તાપમાન 27.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા આકાશ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ રાજ્યોમાં 4-5 દિવસ વરસાદની શક્યતા
ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ, આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
