Weather Update: દિલ્લીમાં વરસાદની સંભાવના, આ રાજ્યોમાં લૂ માટે IMDની ચેતવણી
Weather Update: ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદનુ અનુમાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યુ છે. દિલ્લીમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20 અને 21 એપ્રિલે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 20 એપ્રિલે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે. દિલ્હીમાં દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. IMDના જણાવ્યા મુજબ દિલ્હીમાં 21 એપ્રિલે પણ હળવો વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં 19 એપ્રિલની સાંજે પણ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો. દિલ્હીમાં બુધવાર સાંજથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી થોડા દિવસોમાં પૂર્વ ભારતના ઘણા ભાગોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે.
ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ સહિત ભારતના ભાગો માટે હીટવેવ એલર્ટ જારી કર્યું છે. IMD એ પોતાના દૈનિક હવામાન બુલેટિનમાં કહ્યું કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તીવ્ર ગરમીની સ્થિતિનો અનુભવ થશે.
ઉત્તરપૂર્વ ભારત, ઉત્તર ભારત, પૂર્વ ભારતના મોટાભાગના ભાગો અને મધ્ય ભારતના અલગ-અલગ ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. ગંગીય પશ્ચિમ બંગાળમાં છેલ્લા 8 દિવસથી અને બિહારમાં છેલ્લા 5 દિવસથી હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે.
આ દરમિયાન, આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની અપેક્ષા નથી. મેદાની વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે તો બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે હવામાનમાં ફેરફાર થયો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક-બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
