ક્યારે યોજાશે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી? જાણો ક્યારે જાહેર થશે તારીખ
Jharkhand assembly election 2024: ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા ઝારખંડમાં બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠક બાદ ઝારખંડ વિધાસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
ભારતાના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળની ચૂંટણી પંચની ટીમ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા 23 સપ્ટેમ્બરના રોજ ઝારખંડ પહોંચી ગઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થઈ શકે છે. જ્યારે ઝારખંડમાં દિવાળી અને છઠ પૂજા બાદ જ ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
ક્યારે યોજાઈ શકે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી? - આ વખતે ઝારખંડની 81 સીટો માટે 2 થી 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે બેથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા રાજકીય નિષ્ણાંતનું માનવું છે કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણી કદાચ નવેમ્બરના મધ્યમાં શરૂ થઈ શકે છે, અને પરિણામ ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ ચૂંટણી વહેલા યોજાય તેવી શક્યતા છે. ગત ઝારખંડ વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019ની વાત કરવામાં આવે તો, 81 વિધાનસભા બેઠકો માટે 30 નવેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને 23 ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બે દિવસની મુલાકાતે આવેલી ચૂંટણી ટીમ રાજકીય પક્ષો, અમલીકરણ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ સાથે અનેક બેઠકો કરશે.
ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કે રવિ કુમારે માહિતી આપી છે કે, સોમવારે એટલે કે આજે 22 સપ્ટેમ્બરે ચાર બેઠકો યોજાવાની છે.
ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા ચૂંટણી પંચ આજે છ રાષ્ટ્રીય અને ત્રણ પ્રાદેશિક પક્ષો સહિત નવ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. ચૂંટણી પંચ વરિષ્ઠ સરકારી અને પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરશે.
નોંધનીય બાબત છે કે, 23 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિક્ષક, મહાનિરીક્ષક અને નાયબ મહાનિરીક્ષક સાથે બેઠક કરશે.
રવિ કુમારે માહિતી આપી છે કે, બેઠકો દરમિયાન ચૂંટણીની તૈયારીઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ચૂંટણી સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. ભારતીય ચૂંટણી પંચનું સમગ્ર ધ્યાન ઝારખંડમાં શાંતિપૂર્ણ ચૂંટણીનું આયોજન કરવા પર છે.












Click it and Unblock the Notifications
