Who is Devendra Mahadevrao Bhuyar: સુંદર છોકરીઓ અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો કોણ છે દેવેન્દ્ર ભુયાર?
Who is Devendra Mahadevrao Bhuyar: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ વચ્ચે રાજકીય નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
જેમાં ક્યારેક નેતાઓ બોલવામાં ભાન ભૂલી જાય છે, અને ન બોલવાનું બોલી જાય છે. જેના કારણે પક્ષને તેનું નુકસાન સહન કરવું પડી શકે છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારનું એક વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વરુડ-મોર્શી બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભુયાર નાયબ મુખ્યમંત્રી અજિત પવારને સમર્થન આપી રહ્યા છે.
દેવેન્દ્ર ભુયારનું મહિલાઓ અંગે આપવામાં આવેલું નિવેદન અત્યંત શરમજનક છે. તેના આ નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણમાં હોબાળો જોવા મળી રહ્યો છે. તેમના આ નિવેદનની ઘણા રાજકીય નેતાઓ ટિકા કરતી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
01 ઓક્ટોબરના રોજ દેવેન્દ્ર ભુયાર વરુડ તાલુકામાં એક સભાને સંબોધવા માટે અમરાવતી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરવાની હતી, પરંતુ ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરતા સમયે તેમણે મહિલાઓને લઈને વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા.

દેવેન્દ્ર ભુયારે સભામાં સંબોધતા સમયે જણાવ્યું હતું કે, કોઈપણ સુંદર મહિલા ખેડૂતો સાથે લગ્ન કરતી નથી. આ અહેવાલમાં આપણે દેવેન્દ્ર ભુયારનું સંપૂર્ણ નિવેદન અને ધારાસભ્ય દેવેન્દ્ર ભુયાર કોણ છે? એ વિશે જાણીશું.
દેવેન્દ્ર ભુયારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જો કોઈ છોકરી સુંદર હશે, તો તે તમારા અને મારા જેવા ખેડૂતને પસંદ કરશે નહીં, અને લગ્ન કરશે નહીં. તે ફક્ત તે જ વ્યક્તિને પસંદ કરશે જે ઓફિસમાં કામ કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે છોકરીઓ બીજા સ્થાને છે, એટલે કે જેઓ થોડી ઓછી સુંદર દેખાય છે, તેઓ લગ્ન માટે કરિયાણાની દુકાન અથવા પાનની દુકાનના માલિકને પસંદ કરે છે.
જે બાદ દેવેન્દ્ર ભુયારે જણાવ્યું હતું કે, ત્રીજા નંબરે આવનાર છોકરી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરે છે. સૌથી નીચા દરજ્જાની છોકરીઓ ખેડૂત પરિવારના પુત્ર સાથે લગ્ન કરે છે.
ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારે આથી પણ આગળ વધીને જણાવ્યું હતું કે, નીચા દરજ્જાની છોકરીઓ ખેડૂત પરિવાર સાથે લગ્ન કરે છે. આવા લગ્નોથી જન્મેલા બાળકોમાં દેખાવમાં પણ સારા હોતા નથી.
નોંધનીય છે કે, દેવેન્દ્ર ભુયારના આ નિવેદન બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલા લોકોએ પોતાના ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવા જોઈએ.
કોંગ્રેસે દેવેન્દ્ર ભુયારના આ નિવેદનને મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને અસંવેદનશીલ ગણાવ્યું છે. આ ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ પણ દેવેન્દ્ર ભુયાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કોણ છે દેવેન્દ્ર ભુયાર?
દેવેન્દ્ર મહાદેવરાવ ભુયાર હાલમાં વરુડ-મોરશીના ધારાસભ્ય છે. 30 વર્ષીય ધારાસભ્ય દેવેન્દ્ર ભુયાર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે બે વખતના ધારાસભ્ય અનિલ સુખદેવરાવ બોંડેને હરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અનિલ બોર્ડે ભારતીય જનતા પાર્ટીના નેતા, મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ કૃષિ પ્રધાન અને ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ છે.
અત્રે નોંધનીય બાબત છે કે, દેવેન્દ્ર મહાદેવરાવ ભુયાર મહારાષ્ટ્રના રહેવાસી છે. તેમના પિતાનું નામ મહાદેવ જયદેવરાવ ભુયાર છે. દેવેન્દ્ર ભુયારે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
