કોણ છે ઓડિશાની પહેલી મુસ્લિમ ધારાસભ્ય સોફિયા ફિરદૌસ? જાણો કેમ ચર્ચામાં છે?
લોકસભા ચૂંટણીમાં બહુમતથી દુર રહેનારી કોંગ્રેસ પાર્ટીએ ઓડિસામાં ઇતિહાસ રચ્યો છે. અહીં પહેલી વખત કોઈ મુસ્લિમ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતવામાં સફળ રહી છે.
કોંગ્રેસ ઉમેદવાર સોફિયા ફિરદૌસે ઓડિશાની બારાબતી-કટક સીટ પરથી ચૂંટણી લડી અને અહીં જીત મેળવી છે. તેણીએ બીજેપી ઉમેદવાર પૂર્ણ ચંદ્ર મહાપાત્રાને 8001 મતોથી હરાવ્યા.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ચૂંટણીમાં સોફિયા ફિરદૌસને 53339 વોટ મળ્યા જ્યારે મહાપાત્રાને 45338 વોટ મળ્યા.
સોફિયા ફિરદૌસ રાજકીય પક્ષમાંથી આવે છે. તેમના પિતા મોહમ્મદ મુકિમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. મોહમ્મદ મુકીમને લોન ફ્રોડ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સોફિયાને ટિકિટ આપી અને તે ચૂંટણી જીતી ગઈ છે.
સોફિયાએ કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે IIM બેંગ્લોરમાંથી એક્ઝિક્યુટિવ જનરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ પણ કર્યો છે.
ગયા વર્ષે સોફિયાને ભુવનેશ્વર વિંગના CREDAI પ્રમુખ તરીકે ચૂંટવામાં આવી હતી. હાલ તે પૂર્વીય ઝોનની CREDAI મહિલા વિંગની સંયોજક છે. તેના ચૂંટણી સોગંદનામામાં સોફિયાએ જણાવ્યું છે કે તેની સામે કોઈ અપરાધિક કેસ નથી.
બીજી તરફ સોફિયાની કુલ સંપત્તિની વાત કરીએ તો તે અંદાજે 5 કરોડ રૂપિયા છે. આમાં સોફિયા પર 28 લાખ રૂપિયાનું દેવું છે. સોફિયાએ શેખ હક સાથે લગ્ન કર્યા છે, જે એક ઉદ્યોગપતિ છે.
નોંધનીય છે કે ઓડિશામાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી જીતી છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 147માંથી 78 બેઠકો જીતી સંપૂર્ણ બહુમતી હાંસલ કરી છે.
આ સાથે બીજેડી સરકારના 24 વર્ષના કાર્યકાળનો અંત આવ્યો અને નવીન પટનાયકનો લગભગ અઢી દાયકાનો કાર્યકાળ પૂરો થયો છે.












Click it and Unblock the Notifications
