કોણ છે અર્જુન એવોર્ડથી સન્માનિત થનારી શીતલ દેવી? હાથ વગર તીરંદાજીમાં મોટુ તીર માર્યુ
આજે રાષ્ટ્રપતિએ દેશના સર્વોચ્ચ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ ખેલાડીઓમાં એક નામ શીતલ દેવીનું પણ છે.
ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા છે.

વિશ્વની નંબર વન પેરા આર્ચર અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા શીતલ દેવીને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરી. 2023નું વર્ષ શીતલ દેવી માટે શાનદાર વર્ષ છે, તેણીએ સમગ્ર વિશ્વમાં પગની તીરંદાજીમાં અદભૂત પ્રદર્શન કર્યું છે.
શીતલ દેવીએ વર્ષ 2023માં હાંગઝોઉમાં યોજાયેલી ચોથી પેરા એશિયન ગેમ્સમાં ભારત માટે બે ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા છે. આ સાથે તે એક જ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.
શીતલ દેવી ભારતની પ્રથમ મહિલા તીરંદાજ છે, જેને હાથ નથી. તે પોતાના પગથી જ તીરંદાજી કરે છે અને આમ કરીને તેણે આખી દુનિયામાં પોતાનું નામ કર્યુ છે.
શીતલ દેવીનો જન્મ કિશ્તવાડ જિલ્લાના દૂરના ગામ લોઈ ધારમાં થયો છે. જમ્મુ-કાશ્મીરની દીકરી શીતલ દેવીના પિતા નાના ખેડૂત છે. જ્યારે તેની માતા ગૃહિણી તરીકે કામ કરે છે. શીતલને જન્મથી જ બંને હાથ નહોતા. આ સ્થિતિમાં શીતલને પોતાને સ્થાપિત કરવા માટે ઘણા પડકારો હતા. તે શારીરિક રીતે ખૂબ જ નબળી હતી.
તેમ છત્તા તેણીએ માત્ર છાતી અને પગથી તીરંદાજી કરીને આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો. અર્જુન એવોર્ડ મળ્યા બાદ શીતલ દેવી ખૂબ જ ખુશ હતી. મીડિયા સાથે વાત કરતા તેણીએ કહ્યું કે, વૈષ્ણો દેવીના આશીર્વાદ તેમના પર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી મળેલા આશીર્વાદ તેમના જીવન માટે અત્યંત અમૂલ્ય છે. જણાવી દઈએ કે શીતલ દેવી નાનપણથી જ ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે તેનું શરીર સંપૂર્ણ રીતે વિકસિત થઈ શક્યું નથી. જેના કારણે તેમને જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
