Jharkhand Election 2024 : કોણ છે ટ્રાન્સજેન્ડર નગમા રાની? ઝારખંડ ચૂંટણી વચ્ચે કેમ ચર્ચામાં છે?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી વચ્ચે એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારની ખુબ ચર્ચા છે.
ઝારખંડની હટિયા વિધાનસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહેલી 23 વર્ષની ટ્રાન્સજેન્ડર નગમા રાની આ દિવસોમાં પ્રચારમાં વ્યસ્ત છે. તે બીજેપી અને કોંગ્રેસને ટક્કર આપવા જઈ રહી છે.

શિક્ષણ અને રોજગાર માટે યુવાનોના સંઘર્ષ અને ગરીબોની દયનીય સ્થિતિથી પ્રેરાઈને નગમા રાનીએ રાજનીતિમાં ઉતરવાનું નક્કી કર્યુ છે. હટિયા એ 43 વિધાનસભા બેઠકોમાંથી એક છે જ્યાં 13 નવેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે.
આ તબક્કાની ઉમેદવારી પ્રક્રિયા શુક્રવારના રોજ સમાપ્ત થઈ છે, જેમાં બેઠક પરથી 30 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
રાજનીતિમાં આવવા અંગે નગમા રાની કહે છે કે, અમે શેરીઓમાં સમય પસાર કરીએ છીએ અને ઘરે-ઘરે જઈએ છીએ. ઓછી આવક ધરાવતા જૂથના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓ માટે સંઘર્ષ કરતા જોઈને મને દુઃખ થાય છે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્વાસ્થ્ય સેવાઓમાં કોઈ સુધારો થયો નથી.
મૂળ બિહારની નગમા રાનીનો ઉછેર તેના ગુરુ સંગીતા નાગ કિન્નરે રાંચીમાં કર્યો છે. રાનીએ પીટીઆઈને જણાવ્યુ કે, મારા માતા-પિતાએ મને ત્યજી દીધા પછી હું નાનપણથી રાંચીમાં રહું છું, કારણ કે હું થર્ડ જેન્ડર હતી. અગાઉ બિહારમાં માતા-પિતા આવા બાળકોને ઘરમાં રાખતા નહોતા, જો કે વધતી સ્વીકૃતિ સાથે આ વલણ બદલાઈ રહ્યું છે.
બિહારની મગધ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયેલી રાની બિહાર પોલીસમાં ભરતી થવાની ઈચ્છા રાખતી હતી. તે જણાવે છે કે, મેં કોન્સ્ટેબલ પદ માટે એપ્લાય કર્યુ હતું પરંતુ મારી ઉંમરને કારણે નકારી કાઢવામાં આવી. તે સમ ફોર્મમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે કોઈ અલગ કેટેગરી નહોતી.
નગમા રાની તેના સંઘર્ષ વિશે વાત કરતા કહે છે કે, મને અભ્યાસ કરવો ગમતો હતો પરંતુ સામાજિક અવરોધો નિયમિત વર્ગોમાં હાજરી આપતા અટકાવતા હતા. તેથી તેણે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા તેનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
રાની વર્ષોથી સમાજ સેવા સાથે સંકળાયેલી છે અને તેની આવકનો મોટો હિસ્સો બીજાને મદદ કરવા માટે દાન કરે છે.
જણાવી દઈએ કે, હટિયા મતવિસ્તારમાં 4,46,372 મતદારો છે, જેમાંથી 23 થર્ડ જેન્ડર મતદારો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે તેમની હરીફાઈ વિશે રાનીએ કહ્યું કે મતવિસ્તારના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને રાષ્ટ્રીય પક્ષોનું પ્રદર્શન જોયું છે.
તે કહે છે કે, સમુદાય તરફથી ભારે સમર્થન અને પ્રોત્સાહન મળ્યા બાદ મેં તેમની સામે લડવાનું નક્કી કર્યું. હું મારા માટે નહીં પરંતુ મતવિસ્તારના લોકો માટે ચૂંટણી લડી રહી છું.












Click it and Unblock the Notifications
