ભારતે ચીન પાસેની સરહદે વધુ 50 હજાર સૈનિકો કેમ તહેનાત કર્યા?
ભારતે ચીન પાસેની સરહદે વધુ 50 હજાર સૈનિકો કેમ તહેનાત કર્યા?
ભારતે ચીન સરહદે વધુ 50 હજાર સૈનિકો તહેનાતી માટે મોકલ્યા હોવાના અહેવાલ છે.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ મુજબ ચીન સાથે ગલવાન મામલેની વાટાઘાટોની મડાગાંઠ વચ્ચે ભારતે આ ઐતિહાસિક પગલું ભર્યું છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે આ વધારાના દળની મદદથી ભારતને જો જરૂર પડે તો ચીન તરફની જગ્યા કબજામાં લેવા અને હુમલો કરવામાં બળ મળશે. વ્યૂહાત્મક રીતે ભારતને આક્રમક બચાવ માટે સજ્જ કરાયું છે.
ઉત્તરી સરહદે હાલ ભારતના 2 લાખ સૈનિકો તહેનાત છે. વળી મોદી સરકારે તાજેતરના મહિનાઓમાં ચીનની સરહદ પાસે ત્રણ યુદ્ધ વિમાનો પણ તહેનાત કર્યાં છે.
અત્રે એ પણ નોંધવું કે સરંક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ લદ્દાખની અને કાશ્મીરની મુલાકાતે હતા. તેમણે ત્યાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ટ્વિટરને મળતું કાનૂની રક્ષણ હવે નહીં મળે?

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
દરમિયાન 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી કાનૂન હેઠળ ટ્વિટરને જે ઇન્ટરમિડિઅરી તરીકે એક કાનૂની રક્ષણ મળે છે તે હવે તેને ન મળવું જોઈએ એવો સરકારનો નિષ્કર્ષ છે.
સોશિયલ મીડિયા કંપનીઓને થર્ડ પાર્ટી કૉન્ટેન્ટ સામે કાર્યવાહી મામલે કાનૂની રક્ષણ મળતું હોય છે. આથી એના પરની સામગ્રી બદલ યૂઝર જવાબદાર ગણાય છે. ટ્વિટર જવાબદાર નથી ગણાતું. પણ હવે ટ્વિટરનો ઇન્ટરમિડિઅરી તરીકેનો દરજ્જો સરકાર દૂર કરી રહી હોવાના અહેવાલ છે.
જેથી ટ્વિટરને આઈટીના નિયમ હેઠળ મળતું રક્ષણ નહીં મળે. નિષ્ણાતોનું માનવું છે કે આ ખૂબ જ ગંભીર પગલું છે.
અહેવાલમાં કહેવાયું છે કે આઈટી મંત્રાલય અને સરકારના અન્ય મંત્રાલયોનો નિષ્કર્ષ છે કે ટ્વિટરને મળતો એ દરજ્જો અને રક્ષણ માટે ટ્વિટર લાયક નથી.
ડેલ્ટા પ્લસ રસીની અસર ઘટાડે છે એવા કોઈ પુરાવા નથી - વી. કે. પોલ

રાજસ્થાનમાં કોવિડની રસીના બંને ડોઝ લીધા પછી પણ મહિલાને કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસનો ચેપ લાગ્યો હતો. જેથી રસીની અસરકારતા મામલે ચર્ચા છેડાઈ છે.
'એનડીટીવી'ના અહેવાલ મુજબ સરકારની કોવિડ ટાસ્ક ફૉર્સના વડા વી. કે. પોલે કહ્યું કે રસી ડેલ્ટા પ્લસ સામે ઓછી અસર કરે છે અથવા તેની અસર ઘટી જાય છે એના આધાર માટેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
તેમણે એમ પણ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે. અને કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તો તેને રોકી પણ શકાય છે.
તેમણે ઉમેર્યું કે ડેલ્ટામાં મ્યુટેશન થઈ ડેલ્ટા પ્લસનો નવો વેરિયન્ટ આવ્યો છે. તેના વિશે હજુ વધારે માહિતીઓ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
