મણીપુરમાં હિંસા કેમ થઈ રહી છે? જાણો પ્રદર્શનકારીઓ શું માંગ કરી રહ્યા છે?
મણીપુરમાં હાલ હિંસાનો માહોલ છે. રાજ્યના ચુરાચાંદપુર જિલ્લામાં હિંસાને કારણે હાલ ધારા 144 લાગુ કરી દેવાઈ છે. હાલ રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે અને સેના ઉતારી દેવામાં આવી છે.
હિંસાને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી બીરેન સિંહ સાથે વાત કરીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. હિંસા વચ્ચે એ જાણવુ જરૂરી છે કે આખરે આ હિંસા પાછળ શું કારણો છે? શા માટે રાજ્યમાં આટલી મોટી હિંસા થઈ રહી છે?

ઈમ્ફાલ ખીણમાં પ્રભાવ ધરાવતા બિન-આદિવાસી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર દ્વારા ચૂરાચાંદપુર જિલ્લાના ટોરબાંગ વિસ્તારમાં બોલાવવામાં આવેલી આદિજાતિ એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી હતી.
આ મુદ્દે વાત કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ રેલીમાં હજારો આંદોલનકારીઓ જોડાયા હતા. આ દરમિયાન ટોરબુંગ વિસ્તારમાં આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા થઈ હતી.
અધિકારીએ કહ્યું કે, ભીડને કાબૂ કરવા પોલીસે ટીયર ગેસના રાઉન્ડ ફાયર કર્યા હતા. હાલ પરિસ્થિતિ તંગ છે અને ઘણા આંદોલનકારીઓ હવે પહાડીઓના જુદા જુદા ભાગોમાં તેમના ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધું છે.
તેમણે જણાવ્યું કે, ગુસ્સે થયેલા વિરોધીઓ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કાંચીપુરમ અને ખીણના ઇમ્ફાલ પૂર્વમાં સોઇબામ લીકાઇ ખાતે જવાબી કાર્યવાહી માટે એકઠા થતા જોવા મળ્યા છે. જો કે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે અને બિન-આદિવાસી આંદોલનકારીઓને તેમના ઘરે પાછા ફરવા કહેવાયુ છે.
બગડી રહેલી પરિસ્થિતીને લઈને બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદાપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવાયો છે.
બીજી તરફ 4000 લોકોને સેના અને આસામ રાઈફલ્સ COB અને રાજ્ય સરકારના પરિસરમાં આશ્રય આપવામાં આવ્યો છે. રાજ્યમાં પરિસ્થિતિ થાળે પાડવા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વધુ ગ્રામજનોને હિંસાના સ્થળોથી દૂર સુરક્ષિત સ્થળોએ મોકલવાનું કામ ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
