
ગુજરાતમાં બળાત્કાર સામે દલિત મહિલાઓને સંગઠિત કરી રહેલાં મહિલા
"જ્યારે હું તેમને મળી ત્યારે મને લાગ્યું કે મારી પાસે બંદૂક તો છે પણ તેને ચલાવવા માટે ગોળીઓ નથી."
28 વર્ષીય દલિત મહિલા કાર્યકર ભાવના નરકરે આ વાત પોતાનાં 52 વર્ષીય માર્ગદર્શક મંજુલા પ્રદીપ સાથે વાત કરતાં કહી હતી.
ભાવના નરકરનો એ મહિલાઓમાં સામેલ છે જેમને મંજુલા પ્રદીપ દુષ્કર્મનો ભોગ બનેલાં મહિલાઓની મદદ માટે પ્રશિક્ષણ આપી રહ્યાં છે, તેઓ ખાસ કરીને દલિત સમુદાયનાં મહિલાઓને ન્યાય અપાવવા માટે પ્રશિક્ષણ આપી રહ્યાં છે.
દલિતો ભારતમાં હિંદુ ધર્મમાં સૌથી નીચલા સ્તરે રહેતા આવ્યા છે. આમ તો બળાત્કાર સામેના કાયદા છે છતાં દલિત મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં જાતિવાદ અને હિંસાનો બેવડો માર પડતો હોવાનો આરોપ મૂકવામાં આવતો હોય છે.
ભારતમાં મહિલાઓની વસતીમાં 16 ટકા દલિત મહિલાઓ છે, દેશમાં ઉચ્ચ જ્ઞાતિ તરફથી બળાત્કારને નીચલી જ્ઞાતિને સજા આપવા કે તેમને નીચાજોણું થાય તે માટે દુષ્કર્મને હથિયારની જેમ વાપરવામાં આવતું હોય છે.
30 વર્ષથી દલિત મહિલા અધિકારો માટે લડી રહેલાં મંજુલા પ્રદીપે આ વર્ષે નેશનલ કાઉન્સિલ ઑફ વિમેન લીડર્સની સ્થાપનામાં ભાગ લીધો.
તેઓ કહે છે કે, "દલિત સમુદાયની મહિલાઓને વિકસિત કરવી એ બહુ જૂનું સ્વપ્ન છે."
"જ્યારે હું કોરોના મહામારી દરમિયાન જાતીય સતામણીના કેસની માહિતી ભેગી કરી રહી હતી ત્યારે આ સંગઠનની સ્થાપનાનો વિચાર આવ્યો હતો, જેમાં એવું નેતૃત્વ વિકસાવવામાં આવે જે મહિલાઓને સન્માન અને ગૌરવયુક્ત જીવન જીવવામાં મદદ કરી શકે."
દલિત મહિલાઓને દિશા અને આત્મવિશ્વાસની જરૂર
ભાવના ગુજરાતના એક નાનકડા શહેરમાંથી આવે છે જ્યાં દલિત મહિલાઓ શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પાછળ રહી ગઈ છે.
તેઓ કહે છે કે, "જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓમાં ગુસ્સો છે અને તેઓ ન્યાય ઇચ્છે છે, પરંતુ તેમના માટે પરિવાર અને સમુદાયમાં જ અવાજ ઉઠાવવો સરળ નથી હોતો, કારણ કે તેમને પોતાના અધિકારો તથા તેમને રક્ષણ આપતા કાયદાનું જ્ઞાન નથી હોતું."
જ્યારે તેમણે જાન્યુઆરી 2020માં દલિત મહિલાઓની એક સભામાં મંજુલા પ્રદીપનું સંબોધન સાંભળ્યું તો તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ કહે છે કે તેમને ન્યાય મળી શકે તેમ છે.
મંજુલા પ્રદીપનું સંબોધન જુસ્સાથી ભરેલું હતું અને તેમાં ઠોસ વિચારો હતા જેમાં સામાજિક તંત્રમાં આવતી અડચણોના ઉકેલની વાત હતી.
તેમણે ગ્રામીણ મહિલાઓને મૂળભૂત કાયદાકીય જ્ઞાન આપવાની વાત કરી હતી.
મંજુલા પ્રદીપ કહે છે કે, "હું તેમને પાયાની વકીલ કહું છું અને તેઓ દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાઓને ન્યાયતંત્ર સુધી પહોંચવામાં અને રૂઢિઓ સામે લડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."
"આખું ન્યાયતંત્ર દલિત મહિલાઓ સામે ભેદભાવપૂર્ણ છે. અદાલતમાં મહિલાઓને શરમાવવામાં આવે છે. એવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે - 'ઊંચી જ્ઞાતિના પુરુષો કેમ તેમનો બળાત્કાર કરે છે? મહિલા અછૂત છે. તેમણે જ જાતીય સંબંધ બનાવવા માટે નિમંત્રણ આપ્યું હશે."
- ભારતમાં આર્થિક ઉદારીકરણમાં દલિતોને પૂરતી તક મળી?
- એ હત્યાકાંડ જેમાં દલિતોને મારીને નદીમાં વહાવી દેવાયા હતા
મહિલાઓને ન્યાયતંત્ર વિશે સમજણ આપવાની જરૂર
હવે મહિલાઓ તંત્રને સમજવા લાગ્યાં છે અને આરોપીઓ તરફથી ધમકીઓ સામે લડવા માટે સક્ષમ છે.
ભાવના નરકર હવે પોતાને સશક્ત માને છે. તેઓ સ્થાનિક દલિત અધિકાર સંગઠનમાં જોડાયાં છે અને જ્યારે તેમના વિસ્તારમાં કોઈ મહિલા સાથે દુષ્કર્મ થયું હોય તો તેઓ સૌથી પહેલા તેમનો સંપર્ક કરે છે.
સરકારી આંકડા બતાવે છે કે 2014થી 2019ની વચ્ચે દલિત મહિલાઓ દ્વારા દુષ્કર્મકેસને નોંધવાનો દર 50 ટકા વધ્યો છે, પરંતુ સ્ટડી બતાવે છે કે દલિત મહિલાઓના દુષ્કર્મના મોટા ભાગના કેસ હજુ પણ નોંધાતા નથી.
ઉચ્ચ જ્ઞાતિના આરોપીઓ સામે પરિવાર તરફથી ટેકો ન મળતા અને પોલીસ તરફથી ફરિયાદ લખવામાં આનાકાનીને કારણે મોટા ભાગના કેસ નોંધાતા નથી.

મહિલાઓને પ્રશિક્ષણ આપતા મંજુલા પ્રદીપ દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાની હિંમત વધારવા અને તેમને પોલીસ ફરિયાદ નોંધવાના મહત્ત્વ સમજાવા પર ભાર મૂકે છે.
બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બનેલાં મંજુલા જાતઅનુભવને કારણે આ બંને વાતો પર ભાર મૂકે છે.
તેઓ માત્ર ચાર વર્ષનાં હતાં ત્યારે પાડોશમાં રહેતા ચાર પુરુષોએ તેમની જાતીય સતામણી કરી હતી.
તેઓ કહે છે, "મને યાદ છે કે મેં તે દિવસે પીળું ફ્રૉક પહેર્યું હતું. મને તેમના ચહેરા યાદ છે અને તેમણે જે કર્યું હતું એ પણ મને યાદ છે. એ દુષ્કર્મની ઘટનાએ મને બદલી નાખી અને હું ખૂબ શરમ અને ભય અનુભવવા લાગી. મને અજાણ્યા લોકોથી ડર લાગતો અને કોઈ ઘરે આવે તો સંતાઈ જતી."
- ગટરની સફાઈ કરતાં મૃત્યુ પામેલા કામદારો સરકારી ગણતરીમાં સામેલ નહીં?
- 'અહીં ઊંચી જાતિના લોકોના વાળ કપાય છે' કહીને વાળ કપાવવા ગયેલા દલિતોને માર મરાયો
પુત્રીના જન્મસમયે પિતા ખુશ નહોતા
મંજુલા પ્રદીપે પોતાની સાથે થયેલા દુષ્કર્મની વાત સંતાડીને રાખી. તેઓ કહે છે કે પોતાનાં માતાપિતાને પણ આ વાત કહેવાથી ડરતા હતાં. તેમનાં માતા માત્ર 14નાં હતાં ત્યારે તેમનું લગ્ન તેમનાથી 17 વર્ષ મોટા પુરુષ સાથે થયું હતું.
મંજુલા જણાવે છે કે જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમના પિતા ખુશ નહોતા, કારણ કે તેમને વધુ એક પુત્રીની જગ્યાએ એક પુત્ર જોઈતો હતો.
તેઓ કહે છે કે, "તેઓ મારાં માતાને મારતા, તેમની મજાક કરતા અને મને કદરૂપી કહેતા. તેઓ મને અણગમતી હોઉં તેવો અહેસાસ કરાવતા."
તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું છે, તેઓ ઉત્તર પ્રદેશના હતા અને રોજીરોટી કમાવા માટે ગુજરાત આવ્યા હતા.
અહીં તેઓ પોતાના દલિત હોવાની વાત છુપાવતા હતા એટલે જ તેમણે પોતાની અટક લખવાનું બંધ કર્યું. તેમણે પત્ની તથા પોતાની પુત્રીને તેમનું નામ - પ્રદીપ- અપનાવવાનું કહ્યું હતું.
મંજુલા પ્રદીપ કહે છે કે તેમની જ્ઞાતિની વાત છુપાયેલી ન રહી. વડોદરામાં પણ તેમની સાથે અલગઅલગ રીતે ભેદભાવ થતો.
તેઓ કહે છે કે, "જ્યારે હું નવ વર્ષની હતી મારા શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ સ્વચ્છતાના ધોરણે વિદ્યાર્થીઓને રૅન્ક આપે (અંક આપે). ક્લાસમાં સૌથી સ્વચ્છ હોવા છતાં મને સૌથી નીચો રૅન્ક (સૌથી ઓછા અંક) આપવામાં આવ્યો હતો, કારણ કે માન્યતા છે કે દલિત લોકો ગંદા હોય છે. મને ખૂબ અપમાનિત લાગ્યું."
શાળા પછી તેમણે સામાજિક કાર્ય અને કાયદાની ડિગ્રી લેવાનું નક્કી કર્યું.
નાનાં ગામોમાં ફરતાં તેમને દલિત અધિકારો માટે કામ કરવાની પ્રેરણા મળી.
દલિત મહિલાઓની ઓળખ હોવી જોઈએ
1992ની આસપાસ તેઓ દલિત અધિકાર સંગઠન નવસર્જનમાં જોડાનારાં પ્રથમ મહિલા બન્યાં.
નવસર્જનની સ્થાપના પાંચ પુરુષો દ્વારા કરવામાં આવી હતી. દલિત સાગરિતની ઉચ્ચ જ્ઞાતિના લોકોએ હત્યા કરી હતી ત્યારપછી આ સંગઠનની સ્થાપના થઈ હતી.
દાયકા પહેલાં મંજુલા પ્રદીપ ચાર પુરુષો સામે ચૂંટણી જીતીને સંસ્થાના કાર્યકારી નિદેશક બન્યાં.
તેમનું કહેવું છે કે એક દલિત મહિલા અહીં સુધી આવે તે મોટી વાત છે.
હવે તેઓ દુષ્કર્મનો ભોગ બનેલાં મહિલાઓ પર વધુ ધ્યાન આપે છે. તેમણે અત્યાર સુધીમાં દુષ્કર્મનો ભોગ બનનારાં 50 દલિત મહિલાઓની મદદ કરી છે, તેમને ન્યાય માટેની લડતમાં મદદ કરી, જેમાં કેટલાક કેસમાં સજા પણ થઈ છે.
તેમના આ કામથી તેમને વધુ પ્રેરણા મળી કે દલિત મહિલાઓને માહિતી આપવાની અને પ્રશિક્ષણ આપવાની જરૂર છે જેથી તેઓ સમુદાયમાં સન્માનપૂર્વક નેતૃત્વ કરી શકે.
તેઓ કહે છે કે "હું નથી ઇચ્છતી કે કોઈ અન્ય સાથે મંજુલા જેવું થાય. હું ઇચ્છું છું કે આ મહિલાઓની પોતાની ઓળખ હોય અને વિકાસ થાય- મારી છાયા નહીં પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે."
- જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જવાથી દલિત આંદોલનને ફાયદો કે નુકસાન?
- ગાંધીનગર પોલીસને ત્રણ ફૂટ ઊંચી બ્રેક લાઇટનું પગેરું મળ્યું અને મહેંદીની હત્યાનો ભેદ ઉકેલાયો
- કાશ્મીરી પંડિતો અને શીખો ફરીથી કાશ્મીર છોડવા મજબૂર કેમ બન્યા?
https://www.youtube.com/watch?v=rUJgGIzLwaQ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો