...તો અયોધ્યામાં મહાશૌચાલય બનાવવા ઇચ્છશે નરેન્દ્ર મોદી?
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને મંદિર પહેલા શૌચાલય બંધાવોવાળા નિવેદન પર આડા હાથે લીધા છે. આ અગાઉ પોતે આવું જ નિવેદન આપી ચૂકેલા જયરામ રમેશે જણાવ્યું કે નરેન્દ્ર મોદી એવા નેતા છે જે દરરોજ નવા રૂપમાં જોવા મળે છે. હવે નરેન્દ્ર મોદીએ આ નિવેદન આપી જ દીધું છે ત્યારે તેઓ જણાવે કે શું તેઓ અયોધ્યામાં મહા શૌચાલય બનાવવાના કાંશીરામના વિચાર સાથે સહમત છે? શું તેઓ અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરતા પહેલા મહાશૌચાલય બનાવવા માંગે છે?
એક કાર્યક્રમ દરમિયાન ટીવી પત્રકારો સાથે વાતચીતમાં જયરામ રમેશે જણાવ્યું કે સ્વયંને હિન્દુત્વવાદી ગણાવતા નરેન્દ્ર મોદી હવે નવા અવતારમાં લોકો સમક્ષ આવ્યા છે. રમેશે જણાવ્યું કે "આપણે ત્યાં સામાન્ય રીતે દશાવતારની વાત થતી હોય છે પણ મોદી માટે આ શબ્દ ઓછો પડે એમ છે. કારણ કે તેઓ શતાવતારવાળા નેતા છે."

જયરામ રમેશે જણાવ્યું કે "હવે જ્યારે નરેન્દ્ર મોદીએ દેવાલય પહેલા શૌચાલયની વાત કરી દીધી છે તે તેમણે એ સ્પષ્ટતા પણ કરવી જોઇએ કે શું તેઓ અયોધ્યામાં વિશાળ શૌચાલય બનાવવાના કાંશીરામના સૂચન સાથે સહમત છે. કાંશીરામજીએ એક રેલીમાં આવું સૂચન કર્યું હતું."
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જયરામ રમેશે એક જાહેર કાર્યક્રમમાં દેશમાં મંદિરો કરતા શૌચાલય બંધાવાની વધારે જરૂર છે એવું નિવેદન આપ્યું હતું જેના કારણે મોટો વિવાદ ઉભો થયો હતો. આવું નિવેદન આપવા બદલ તેમની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. આ મુદ્દે જયરામ રમેશને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે મેં દેવાલયનું નામ લીધું ન હતું. પરંતુ મારા આ નિવેદન પર વિવાદ ઉભો કરનારાઓએ હવે નરેન્દ્ર મોદી પાસે આ નિવેદન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવવું જોઇએ.












Click it and Unblock the Notifications
